Site icon Revoi.in

એરપોર્ટ સુરક્ષામાં ભારત બનશે આત્મનિર્ભર: સુરક્ષા ઉપકરણોના પરીક્ષણ માટે દેશનું પ્રથમ અત્યાધુનિક ટેસ્ટિંગ સેન્ટર સ્થપાશે

Social Share

નવી દિલ્હી, 7 એપ્રિલ 2026: ભારત સરકારે દેશના એરપોર્ટ્સની સુરક્ષા વ્યવસ્થાને લોખંડી બનાવવા અને સુરક્ષા ઉપકરણોના પ્રમાણીકરણ માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. હવે એરપોર્ટ પર વપરાતા ‘ફુલ બોડી સ્કેનર’અને અન્ય સુરક્ષા સાધનોના પરીક્ષણ માટે ભારત અન્ય દેશો પર નિર્ભર નહીં રહે. આ હેતુ માટે નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરો અને ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી વચ્ચે એક સમજૂતી કરાર કરવામાં આવ્યા છે.

આ સમજૂતી હેઠળ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે એક સ્ટેટ-ઓફ-ધી-આર્ટ ટેસ્ટિંગ લેબોરેટરી સ્થાપવામાં આવશે. આ કેન્દ્ર અમેરિકાના ટીએસએ અને યુરોપના ઈસીએસી જેવા આંતરરાષ્ટ્રીય માપદંડોની સમકક્ષ હશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત હવે માત્ર વિદેશી માપદંડોને અનુસરવાને બદલે એવિએશન સિક્યુરિટી સર્ટિફિકેશનનું ગ્લોબલ હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે.”

મૂળ ઉપકરણ ઉત્પાદકો દ્વારા બનાવવામાં આવેલા સાધનોનું અહીં નિષ્પક્ષ મૂલ્યાંકન અને સત્યાપન કરવામાં આવશે. ઉપકરણોના પરીક્ષણની સાથે સાથે અહીં સુરક્ષા સંશોધન, સ્ટાન્ડર્ડ ડેવલપમેન્ટ અને પ્રોફેશનલ ટ્રેનિંગ પણ આપવામાં આવશે. એક મજબૂત માળખું તૈયાર કરાશે જેથી માત્ર ઉચ્ચ ગુણવત્તાવાળા અને નિર્ધારિત ધોરણો પર ખરા ઉતરતા ઉપકરણો જ એરપોર્ટ પર તૈનાત થાય.

કેન્દ્રીય મંત્રીએ આંકડાકીય માહિતી આપતા જણાવ્યું કે, 2014માં દેશમાં માત્ર 74 એરપોર્ટ હતા, જે આજે વધીને 165 થયા છે. હાલમાં દેશના એરપોર્ટ્સ પર દર કલાકે 250 થી 300 ફ્લાઈટ મૂવમેન્ટ થઈ રહી છે અને અંદાજે 40 થી 45 હજાર મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. છેલ્લા એક દાયકામાં એર કાર્ગોમાં પણ 50% નો વધારો નોંધાયો છે. આટલી વિશાળ સંખ્યામાં મુસાફરો અને ફ્લાઈટ્સની સુરક્ષા માટે અત્યાધુનિક ટેકનોલોજી અનિવાર્ય છે.

નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરોના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, સરકારનો ઉદ્દેશ્ય ભારતને મેન્ટેનન્સ, રિપેરિંગ અને ઓવરહોલિંગ બાદ હવે ટેસ્ટિંગ અને સર્ટિફિકેશન ક્ષેત્રે પણ વિશ્વનું કેન્દ્ર બનાવવાનો છે. આ પગલાથી માત્ર સુરક્ષા જ મજબૂત નહીં થાય, પરંતુ ભારતીય સુરક્ષા ઉદ્યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ મળશે.

આ પણ વાંચોઃ નાગપુરમાં RSS મુખ્યાલય નજીકથી વિસ્ફોટક સામગ્રી મળી, હાઈએલર્ટ જાહેર કરાયું

Exit mobile version