Site icon Revoi.in

આતંકવાદ મુદ્દે ભારતીય સેનાધ્યક્ષ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને આપી ચેતવણી

Social Share

નવી દિલ્હી, 16 મે 2026: સરહદ પારથી ચાલતા આતંકવાદ અને ઘૂસણખોરીના મુદ્દે ભારતે પાકિસ્તાન સામે ફરી એકવાર આક્રમક વલણ અપનાવ્યું છે. ‘સેના સંવાદ કાર્યક્રમ’ અંતર્ગત આયોજિત સિવિલ-મિલિટરી ઇન્ટરેક્શન દરમિયાન ભારતીય સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં લલકાર્યું છે. તેમણે જણાવ્યું કે, જો પાકિસ્તાન પોતાની ધરતી પર આતંકવાદીઓને આશરો આપવાનું બંધ નહીં કરે અને ભારત વિરોધી પ્રવૃત્તિઓ ચાલુ રાખશે, તો તેણે પોતે જ નક્કી કરવું પડશે કે તે ભવિષ્યમાં ‘ભૂગોળ’નો હિસ્સો બનીને રહેવા માંગે છે કે પછી ‘ઇતિહાસ’નો. જનરલ દ્વિવેદીએ મક્કમતાપૂર્વક ઉમેર્યું હતું કે ભારત પોતાની રાષ્ટ્રીય સુરક્ષા અને સંપ્રભુતા સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન નહીં કરે.

આધુનિક સમયમાં યુદ્ધની વ્યાખ્યા બદલાઈ ચૂકી હોવાનો ઉલ્લેખ કરતા સેનાધ્યક્ષે જણાવ્યું કે, “હવે યુદ્ધ માત્ર જમીન, હવા કે સમુદ્ર પૂરતું સીમિત નથી રહ્યું. સાયબર સ્પેસ, અંતરિક્ષ (સ્પેસ) અને કોગ્નિટિવ ડોમેન (વૈચારિક/માનસિક ક્ષેત્ર) પણ હવે યુદ્ધના અતિ મહત્વના ભાગ બની ગયા છે.” તમામ પડકારોનો સામનો કરવા માટે ભારતીય સેના ટેકનોલોજીથી સજ્જ થઈ રહી છે. સેના પ્રમુખે જાહેરાત કરી હતી કે ભારતીય લશ્કરે વર્ષ 2026-27ને ‘યર ઓફ નેટવર્કિંગ એન્ડ ડેટા સેન્ટ્રિસિટી’તરીકે જાહેર કર્યું છે. આગામી સમયમાં સેના આધુનિક ટેકનોલોજી અને ડેટા આધારિત યુદ્ધ ક્ષમતાઓને વધુ મજબૂત કરવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરશે.

જનરલ દ્વિવેદીએ દેશના યુવાનોને આહવાન કરતા કહ્યું કે, સેના જટિલ વૈશ્વિક સમસ્યાઓના સરળ ઉકેલો શોધવા માટે દેશની યુવા પેઢીની મદદ ઈચ્છે છે. આ દરમિયાન તેમણે ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરીને દેશભરમાં યોજાયેલી સિવિલ ડિફેન્સ કવાયતમાં નેશનલ કેડેટ કોર્પ્સ (એનસીસી) ના કેડેટ્સની પ્રશંસનીય ભૂમિકાને બિરદાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સેના સંવાદ કાર્યક્રમ એવા સમયે યોજાયો છે જ્યારે દેશે તાજેતરમાં જ ‘ઓપરેશન સિંદૂર’ની પ્રથમ વર્ષગાંઠ ઉજવી છે. ગત વર્ષે ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીર (PoK)માં આવેલા આતંકી ઠેકાણાઓ પર અત્યંત ચોક્કસાઈપૂર્વક ‘સર્જિકલ સ્ટ્રાઈક’ (પ્રિસિઝન સ્ટ્રાઈક) કરી હતી. આ હુમલા બાદ પાકિસ્તાને પણ ભારતીય સરહદ પર વળતો હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ અંતર્ગત જ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો.

બે પરમાણુ સક્ષમ પડોશી દેશો વચ્ચે આ સૈન્ય સંઘર્ષ સતત 88 કલાક સુધી ચાલ્યો હતો. આખરે 10 મેના રોજ સાંજે બંને દેશો વચ્ચે રાજદ્વારી સંમતિ સધાતા આ તણાવનો અંત આવ્યો હતો. હાલમાં સરહદ પર ભારત સતત દબાણ બનાવી રહ્યું છે, અને સેના પ્રમુખના આ તાજા નિવેદનથી પાકિસ્તાન છાવણીમાં ફરી ફફડાટ વ્યાપી ગયો છે.

આ પણ વાંચોઃ અમદાવાદ: મોતનો બ્રિજ બનેલા બલોલનગર બ્રિજ પર આખરે પ્રોટેક્શન ગ્રિલ લગાવાઈ

Exit mobile version