Site icon Revoi.in

ભારતીય કંપની ગ્લોબલ સેમીકન્ડક્ટર સપ્લાય ચેનનો ભાગ બની છેઃ વડાપ્રધાન

Indian companies have become part of the global semiconductor supply chain: Prime Minister

Indian companies have become part of the global semiconductor supply chain: Prime Minister

Social Share

સાણંદ, 31 માર્ચ, 2026 – એક ભારતીય કંપની આજથી ગ્લોબલ સેમીકન્ડક્ટર સપ્લાય ચેનનો ભાગ બની ગઈ છે અને એ વાત સમગ્ર દેશ માટે ગૌરવની છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અહીં કહ્યું હતું. આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાણંદમાં ‘કેઈન્સ સેમીકન્ડક્ટર OSAT ફેસિલિટી પ્લાન્ટ’નું ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્દઘાટન પહેલાં વડાપ્રધાને સમગ્ર Kaynes Technology પ્લાન્ટની મુલાકાત લીધી હતી અને સેમીકન્ડક્ટરની ઉત્પાદન પ્રક્રિયા વિશે રસપૂર્વક માહિતી મેળવી હતી. કેન્સ સેમીકોન પ્લાન્ટમાં આજથી ઉત્પાદન શરૂ થઈ ગયું છે.

સંબોધનના પ્રારંભ વડાપ્રધાને કહ્યું કે, ગયા મહિનાની છેલ્લી તારીખે પણ હું સાણંદમાં હતો અને આ મહિનાની છેલ્લી તારીખે પણ અહીં સાણંદમાં છું. નોંધપાત્ર છે કે 28 ફેબ્રુઆરીએ વડાપ્રધાનની ઉપસ્થિતિમાં માઈક્રોનના પ્લાન્ટમાં ઉત્પાદન શરૂ થયું હતું. જ્યારે આજે 31 માર્ચે કેઈન્સના પ્લાન્ટમાં પણ પીએમની ઉપસ્થિતિમાં ઉત્પાદન શરૂ થયું છે. નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, આ બતાવે છે કે, ભારત કેટલી ગતિથી સેમીકન્ડક્ટર ચીપના ઉત્પાદનની દિશામાં આગળ વધી રહ્યું છે.

એક હળવી ટકોર કરતાં તેમણે જણાવ્યું કે, આજે સવારે હું એક આધ્યાત્મિક કાર્યક્રમમાં હતો અને હવે ડિજિટલ કાર્યક્રમમાં છું.

આ પણ વાંચોઃ મૂલ્યો, સંસ્કાર અને જ્ઞાનની ત્રિવેણીને અવિરત જાળવી રાખવી એ આપણું દાયિત્વ છેઃ મોદી

સમારંભ પહેલાં વડાપ્રધાન કેઈન્સ પ્લાન્ટમાં કાર્યરત યુવાન કર્મચારીઓ સાથે વાતચીત પણ કરી હતી. સમારંભ દરમિયાન સેમીકન્ડક્ટરના મહત્ત્વ અને કેઈન્સની પ્રગતિ વિશે એક ટૂંકી ફિલ્મ દર્શાવવામાં આવી હતી.

કેઈન્સ સેમીકોનના સીઈઓ કે. રઘુનાથન પાનીકરને તેમના પ્રવચનમાં કહ્યું કે, વડાપ્રધાનના વિઝનથી અને આઈટી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવના સંનિષ્ઠ પ્રયાસોથી ભારત આજે સેમીકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રે ઝડપથી આગળ વધી રહ્યું છે.

આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, આ પ્લાન્ટના શિલાન્યાસથી લઈને આજે વાણિજ્યિક ઉત્પાદન શરૂ થયું છે એ માત્ર 14 મહિનાનો ગાળો છે. આવું માત્ર વડાપ્રધાનના વિઝનરી નેતૃત્વને કારણે શક્ય બન્યું છે. તેમણે ગુજરાતના મુખ્યપ્રધાનને પણ ઝડપી નિર્ણયો બદલ અભિનંદન પાઠવ્યા હતા.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ભારતમાં આજે 60,000 વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગના અભ્યાસની સાથે ચીપની ડિઝાઈનિંગ કરી રહ્યા છે અને એ વિદ્યાર્થીઓએ તૈયાર કરેલી ચીપનું કોમર્સિયલ ઉત્પાદન પણ થઈ રહ્યું છે.

આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા તથા કેઈન્સ સેમીકોનના ટોચના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Exit mobile version