નવી દિલ્હી, 27 મે 2026: ભારતીય નૌસેનાએ હિંદ મહાસાગર ક્ષેત્રમાં પોતાની ક્ષમતા અને સજ્જતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને વધુ એક વ્યાપારી જહાજને દરિયાઈ ચાંચિયાઓ (સોમાલી લૂંટારુઓ)ના પંજામાંથી સુરક્ષિત બચાવી લીધું છે. પશ્ચિમી હિંદ મહાસાગર વિસ્તારમાં સફર કરી રહેલા ‘એમવી માશાઅલ્લાહ’નામના વ્યાપારી જહાજ પર દરિયાઈ ચાંચિયાઓએ હુમલો કર્યો હોવાની માહિતી મળતા જ નૌસેનાએ સહેજ પણ સમય ગુમાવ્યા વિના તાત્કાલિક ઓપરેશન હાથ ધર્યું હતું.
નૌસેનાના પ્રવક્તાએ જણાવ્યું કે, જહાજ તરફથી જોખમનો સંદેશ મળતા જ નજીકના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા ભારતીય નૌસેનાના અત્યાધુનિક યુદ્ધજહાજ ‘આઈએનએસ કોલકાતા’ ને તાબડતોબ ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યું હતું. આઈએનએસ કોલકાતાએ ભારે તત્પરતા બતાવીને સમયસર મોરચો સંભાળી લીધો હતો અને ચાંચિયાઓની કિલ્લાબંધી કરીને તેમના હુમલાને સદંતર નિષ્ફળ બનાવી દીધો હતો. ભારતીય નૌસેનાના આક્રમક વલણ અને મજબૂત ઘેરાબંધીને જોઈને દરિયાઈ લૂંટારુઓ જહાજ છોડીને ભાગી જવા મજબૂર બન્યા હતા.
ભારતીય નૌસેનાએ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ ‘એક્સ’ પર આ સફળ ઓપરેશનની વિગતો અને કેટલીક તસવીરો પણ શેર કરી છે. આ તસવીરોમાં શંકાસ્પદ ચાંચિયાઓની બોટને ભારતીય નૌસેનાના કમાન્ડોઝથી ભરેલી હાઈ-સ્પીડ બોટ દ્વારા ચારેય તરફથી ઘેરી લેવામાં આવી હોવાનું સ્પષ્ટ જોઈ શકાય છે. નૌસેનાએ પોતાની પોસ્ટમાં ગર્વપૂર્વક જણાવ્યું છે કે, હિંદ મહાસાગર ક્ષેત્રમાં કોઈપણ કટોકટીની સ્થિતિમાં ‘સૌથી પહેલા રિસ્પોન્સ આપનારી સેના’ તરીકે ભારતીય નૌસેના આંતરરાષ્ટ્રીય વ્યાપારી જહાજોની સુરક્ષા, દરિયાઈ ચાંચિયાગીરી વિરોધી અભિયાનો અને વૈશ્વિક દરિયાઈ પરિવહનને મુક્ત તેમજ ભયમુક્ત રાખવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી અરબી સમુદ્ર અને એડનની ખાડી સહિતના મહત્વના જળમાર્ગો પર ચાંચિયાઓ અને ડ્રોન હુમલાનું જોખમ વધ્યું છે. આ જોખમનો સામનો કરવા માટે ભારતીય નૌસેના કેટલી ગંભીર છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે નૌસેનાએ ખાસ એન્ટી-પાયરસી (દરિયાઈ ડકેતી વિરોધી) અને ડ્રોન વિરોધી ઓપરેશન માટે આ વિસ્તારમાં પોતાના ૬ જેટલા શક્તિશાળી યુદ્ધજહાજો તૈનાત કરી રાખ્યા છે. આ અગાઉ પણ ભારતીય નૌસેનાએ અરબી સમુદ્રમાં અનેક વિદેશી અને ભારતીય જહાજો તેમજ તેના ક્રૂ મેમ્બર્સને ચાંચિયાઓના બંધકમાંથી મુક્ત કરાવીને વૈશ્વિક સ્તરે વાહવાહી મેળવી છે.

