Site icon Revoi.in

ટેસ્ટ મેચ રમતા ભારતીય ખેલાડીઓને થશે ફાયદો, BCCI ફી વધારો કરશે

Social Share

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ બોર્ડે તાજેતરે તેના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ખેલાડીઓ માટે ઘરેલુ રેડ બોલ ટૂર્નામેન્ટમાં રમવાનું ફરજિયાત બનાવ્યું હતું. હવે IPL પહેલા વધુ એક મોટો નિર્ણય લેવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. ટેસ્ટ મેચોની ફી વધારવાનું બીસીસીઆઈ વિચારી રહી છે, જેથી ખેલાડીઓ ક્રિકેટના સૌથી જૂના અને સૌથી લાંબા ફોર્મેટ તરફ આકર્ષાય અને પહેલા કરતાં વધુ ધ્યાન કેન્દ્રિત કરે. વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશને સ્થાનિક ક્રિકેટ રમવાની ટીમ મેનેજમેન્ટની સૂચનાઓને અવગણીને તેના બદલે આવતા મહિને શરૂ થનારી આઈપીએલની તૈયારી કરવાનું પસંદ કર્યાના પગલે બોર્ડે પગાર માળખા પર ફરીથી કામ કરવાનો નિર્ણય લીધો છે.

ફીના નવા મોડલ અંગે બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું હતું કે, જો કોઈ ખેલાડી કેલેન્ડર વર્ષમાં તમામ ટેસ્ટ સિરીઝ રમે છે, તો તેના વાર્ષિક કરારને લંબાવવા ઉપરાંત વધારાના પુરસ્કારો આપવા જોઈએ. આ નિર્ણયનો એકમાત્ર હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે ખેલાડીઓ શક્ય તેટલી લાલ બોલની ક્રિકેટ રમે. આ ટેસ્ટ ક્રિકેટ રમવા માટે વધારાનો ફાયદો થશે. જો નવું મહેનતાણું મોડલ મંજૂર થાય છે, તો તે આ IPL સિઝન પછી લાગુ કરવામાં આવશે. BCCI વધારાના બોનસ પર કામ કરી રહ્યું છે કે જો કોઈ ખેલાડી એક સિઝનમાં તમામ ટેસ્ટ સિરીઝ રમે તો તેને લાભ મળશે. હાલમાં, BCCI ટેસ્ટ મેચ દીઠ ફી તરીકે રૂ. 15 લાખ, ODI માટે રૂ. 6 લાખ અને T20 આંતરરાષ્ટ્રીય મેચ માટે રૂ. 3 લાખ ચૂકવે છે.