Site icon Revoi.in

વિવાદને પગલે માલદીપ જવાનું ટાળી રહ્યાં છે ભારતીયો, જાણીતી ટૂર કંપનીએ તમામ ફ્લાઈટ્સ સ્થગિત કરી

Social Share

નવી દિલ્હીઃ માલદીવના મંત્રીઓ દ્વારા ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરવામાં આવેલી ટીપ્પણીને પગલે બંને દેશ વચ્ચે સંબંધમાં ખટાશ આવી છે. દરમિયાન ઓનલાઈન ટૂર કંપની Ease My Tripએ માલદીવની તમામ ફ્લાઈટ્સ સ્થગિત કરી દીધી છે. કંપનીના કો-ફાઉન્ડર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) નિશાંત પિટ્ટીએ X પર પોસ્ટ કરીને કહ્યું કે અમે દેશ સાથે ઊભા છીએ. હાલ દેશમાં લક્ષદ્વીપ અને માલદીવ ચર્ચાનો મુખ્ય વિષય બન્યા છે. ભારતના વડાપ્રધાન વિરુદ્ધ કરાયેલી ટિપ્પણીને પગલે માલદીવના બાયકોટનો ટ્રેન્ડ શરુ થયો છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ દાવો કર્યો છે કે, તેઓએ માલદીવમાં તેમની આયોજિત રજાઓ રદ કરી દીધી છે. આ સાથે જ ટુર ઓપરેટરોએ પણ મોટી સંખ્યામાં ટુરના આયોજનો રદ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. માલદીવ ભારતીયોની મનપસંદ જગ્યાઓમાંથી એક છે.

ઇન્ડિયન એસોસિએશન ઑફ ટૂર ઑપરેટર્સનું અનુમાન છે કે સોશિયલ મીડિયા પર માલદીવ વિરુદ્ધ વધી રહેલા વિરોધનું પરિણામ આગામી 20-25 દિવસમાં સ્પષ્ટ થઈ જશે. તેમનું કહેવું છે કે જો કોઈ વ્યક્તિએ ફ્લાઈટ અને હોટેલ બુક કરાવી લીધી હોય તો તે કેન્સલ નહીં કરે. જોકે, તેમનું કહેવું છે કે છેલ્લા કેટલાક દિવસોથી માલદીવ માટે કોઈ નવી પૂછપરછ કરવામાં આવી નથી. ટૂર કંપની મેક માય ટ્રિપના સ્થાપક દીપ કાલરાએ જણાવ્યું હતું કે ભારતીયોએ હાલમાં માલદીવનો પૂર્વ આયોજિત પ્રવાસ રદ કર્યો નથી. સોશિયલ મીડિયા પર ચાલી રહેલા ટ્રેન્ડની અસર આગામી દિવસોમાં સ્પષ્ટ થઈ જશે. દરમિયાન એસોસિએશનના પ્રમુખ રાજીવ મહેરાના જણાવ્યા અનુસાર, એવી અપેક્ષા છે કે જે લોકોએ ફ્લાઇટ્સ અને હોટલ માટે ચૂકવણી કરી છે તેઓ આ ટ્રિપ્સ રદ કરશે નહીં. જોકે, નવા બુકિંગની અપેક્ષા ઓછી છે.

PM મોદીની લક્ષદ્વીપની મુલાકાત અને માલદીવના મંત્રીઓની ટિપ્પણીઓને કારણે ઓનલાઈન ટૂર કંપની Ease My Tripએ માલદીવની તમામ ફ્લાઈટ્સ સ્થગિત કરી દીધી છે. કંપનીના કો-ફાઉન્ડર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) નિશાંત પિટ્ટીએ X પર પોસ્ટ કરીને કહ્યું કે, અમે દેશ સાથે ઊભા છીએ. અમે લક્ષદ્વીપની મુલાકાત લેવાનું અભિયાન શરૂ કર્યું છે. તેમણે કહ્યું કે લક્ષદ્વીપના પાણી અને દરિયાકિનારા માલદીવ જેટલા સુંદર છે. અમે લક્ષદ્વીપમાં મુસાફરીને પ્રોત્સાહન આપવા માટે ખાસ ઑફર્સ લાવશું.

દિલ્હીના એક ટૂર ઓપરેટરના જણાવ્યા અનુસાર, માલદીવ ભારતીયોમાં ખૂબ જ લોકપ્રિય છે. પરંતુ સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાને કારણે પ્રવાસમાં ફરક પડશે. ડેટા અનુસાર, વર્ષ 2023માં માલદીવમાં આવેલા 17.57 લાખ પ્રવાસીઓમાંથી સૌથી વધુ 2.09 લાખ પ્રવાસીઓ ભારતીય હતા. આ પછી રશિયા અને ચીનના પ્રવાસીઓનો સમાવેશ થાય છે. હિંદ મહાસાગરમાં એશિયન મુખ્ય ભૂમિથી લગભગ 750 કિમી દક્ષિણમાં સ્થિત માલદીવની વસ્તી 5.15 લાખ છે. અહીં 1,190 ટાપુઓ છે, જેમાંથી માત્ર 190 જ રહેવા યોગ્ય છે. સરકારની 90% આવક આયાતી માલસામાન અને પ્રવાસન ઉદ્યોગમાંથી આવે છે.