Site icon Revoi.in

પાકિસ્તાન અને શ્રીલંકાની સરખામણીએ ભારતનું સંવિધાન વધારે મજબુતઃ શરદ પવાર

Social Share

નવી દિલ્હીઃ દેશમાં સતત વધી રહેલી મોંઘવારીને પગલે સામાન્ય વર્ગની આર્થિક મુશ્કેલીઓમાં વધારો થયો છે. દરમિયાન એનસીપીના સુપ્રીમો શરદ પવારે મોંઘવારી મુદ્દે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. જો કે, ભારતનું બંધારણ પડોશી દેશો કરતા વધારે મજબુત હોવાથી શ્રીલંકા જેવી પરિસ્થિતિઓ ઉભી થવાની શકયતા નહીં હોવાનું પણ કહ્યું હતું.

શરદ પવારે કહ્યું હતું કે, દેશ ગંભીર નાણાકીય સંકટનો સામનો કરી રહ્યો છે અને તેના માટે કેન્દ્ર સરકાર જ જવાબદાર છે. સરકારે લોકોની સંમતિ વિના નોટબંધી જેવો મોટો નિર્ણય લીધો, જે આ સંકટનું સૌથી મોટું કારણ છે. જ્યારે લોકો કોરોનાથી મરી રહ્યા હતા, નોકરીઓ ખતમ થઈ રહી હતી, ત્યારે પીએમ મોદી લોકોને થાળી વગાડવાનું કહી રહ્યા હતા. જે ન તો કોરોનાનો ઉકેલ હતો કે ન તો આર્થિક સંકટથી બચવા માટે હતું.

આજે શ્રીલંકા સળગી રહ્યું છે, આર્થિક સંકટને કારણે ત્યાં કટોકટીની સ્થિતિ સર્જાઈ છે. રાજકીય નેતાઓએ લગભગ સત્તા ગુમાવી દીધી છે, લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. પાકિસ્તાનમાં ગયા મહિને વડાપ્રધાનને પદ પરથી હટાવવામાં આવ્યા હતા. પાડોશી દેશોમાં મજબૂત બંધારણના અભાવે આવી ઘટનાઓ સામે આવી છે. પરંતુ મને ખુશી છે કે ભારત પાસે ડૉ. ભીમરાવ આંબેડકર દ્વારા બનાવવામાં આવેલ મજબૂત બંધારણ છે. આ બંધારણે આપણને મુક્ત રાખ્યા છે, તેના કારણે આજે આપણે એક છીએ.

પવારે કહ્યું કે જે લોકો સરકાર ચલાવી શકતા નથી તેમને પ્રજા જાકારો આપે છે. 1975માં જ્યારે તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ દેશમાં ઈમરજન્સી લાદી ત્યારે દેશની જનતાને સમજાયું કે લોકશાહી ખતરામાં છે અને લોકોએ તેમને આગામી ચૂંટણીમાં કોંગ્રેસને જાકારો આપ્યો હતો. આના પરથી સ્પષ્ટ થાય છે કે જો ખુરશી પર બેઠેલા લોકો નક્કી કરી શકતા નથી તો જનતા નક્કી કરશે.