Site icon Revoi.in

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કાશ્મીરનો ઉલ્લેખ કરનાર પાકિસ્તાને ભારતનો સણસણતો જવાબ

Social Share

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાને કાશ્મીરનો ઉલ્લેખ કર્યા બાદ ભારતે ભારે નારાજગી વ્યક્ત કરી છે. ભારતે આવા પાયાવિહોણા અને ખોટા નિવેદનો માટે પાડોશી દેશની આકરી ટીકા કરી છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશનના મંત્રી પ્રતીક માથુરે જણાવ્યું હતું કે, આજે એક પ્રતિનિધિમંડળે પાયાવિહોણી અને ખોટી વાર્તાઓ ફેલાવવા માટે આ પ્લેટફોર્મનો દુરુપયોગ કર્યો છે. જો કે, આમાં આશ્ચર્યજનક કંઈ નથી. આવું પહેલા પણ થતું આવ્યું છે.

તેમણે કહ્યું કે હું આ પ્રતિષ્ઠિત સંસ્થાનો અમૂલ્ય સમય બચાવવા માટે કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપીને આ ટિપ્પણીઓને પ્રોત્સાહિત નહીં કરું. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના વાર્ષિક અહેવાલ પર સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ચર્ચામાં માથુર ભારત વતી નિવેદન આપી રહ્યા હતા.

અગાઉ, સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના રાજદૂત મુનીર અકરમે ચર્ચા દરમિયાન મહાસભાના મંચ પરથી પોતાના સંબોધનમાં કાશ્મીરનો ઉલ્લેખ કર્યો હતો. પાકિસ્તાન નિયમિતપણે યુએનના વિવિધ મંચો પર જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવે છે.

ભારતે અગાઉ પણ કાશ્મીરનો મુદ્દો આંતરરાષ્ટ્રીય મંચ પર ઉઠાવવાના પાકિસ્તાનના પ્રયાસોની આકરી ટીકા કરી છે. તેમજ ભારત કહેતું આવ્યું છે કે, જમ્મુ અને કાશ્મીરનો કેન્દ્રશાસિત પ્રદેશ અને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ ભારતનો અભિન્ન ભાગ હતો, છે અને રહેશે.

Exit mobile version