નવી દિલ્હી, 30 જૂન 2026: કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે મંગળવારે(30 જૂન) જણાવ્યું હતું કે, ભારતનું યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ(UPI) હવે ગ્રીસમાં પણ શરૂ થઈ ગયું છે. આ સુવિધા દ્વારા પાત્ર ગ્રાહકો હવે ત્વરિત, સુરક્ષિત અને સરળ રીતે નાણાં ટ્રાન્સફર કરી શકશે. આ સાથે જ વ્યવહારનો ખર્ચ પણ પરંપરાગત પદ્ધતિઓની સરખામણીએ ઘણો ઓછો થઈ જશે.
પીયૂષ ગોયલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું કે, વિશ્વભરમાં UPIને મળી રહેલી સ્વીકૃતિ અને પ્રશંસા એ વાતનો પુરાવો છે કે વિશ્વ હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ટેકનોલોજી-આધારિત ઉકેલો પર ભરોસો કરી રહ્યું છે. આ ઉકેલો સીમાઓથી પર જઈને મૂલ્યનું સર્જન કરી રહ્યા છે અને સમાન વિકાસ તથા સમૃદ્ધિ માટે વૈશ્વિક ભાગીદારીને મજબૂત બનાવી રહ્યા છે.
ગ્રીસ પ્રવાસ દરમિયાન પીયૂષ ગોયલે યુરોબેંકના મુખ્ય કાર્યકારી અધિકારી(CEO) ફોકિયન કરાવિયાસ સાથે મુલાકાત કરી અને ભારત-ગ્રીસ આર્થિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા પર ચર્ચા કરી. ગોયલે કહ્યું, “અમે ગ્રીક કંપનીઓને ભારતમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરી અને ગ્રીસમાં મેન્યુફેક્ચરિંગ તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ જેવા ક્ષેત્રોમાં સહયોગની સંભાવનાઓ પર પણ ચર્ચા-વિચારણા કરી.”
કેન્દ્રીય મંત્રીએ એથેન્સ સ્થિત યુરોબેંકના મુખ્યાલયમાં યુરોબેંક અને NIPL (NPCI ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ) ની ભાગીદારી હેઠળ UPI સેવાનું લાઈવ ડેમોસ્ટ્રેશન પણ નિહાળ્યું. આ પ્રસંગે યુરોબેંકના CEO ફોકિયન કરાવિયાસ અને ફેરફેક્સ ડિજિટલ સર્વિસીસના CEO સંજય તુગનાયત પણ ઉપસ્થિત રહ્યા હતા.
મંત્રીએ કહ્યું કે, આ ભારતની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમના વૈશ્વિક વિસ્તારની દિશામાં વધુ એક મહત્વની સિદ્ધિ છે. આ અગાઉ પીયૂષ ગોયલે ગ્રીસના ઉપ-વિદેશ મંત્રી હેરી થિયોહરિસ સાથે ભારત-ગ્રીસ બિઝનેસ ફોરમને પણ સંબોધિત કર્યું હતું. આ દરમિયાન તેઓએ કાર્યક્રમમાં ઉપસ્થિત ભારતીય સમુદાય (ડાયસ્પોરા)ના સભ્યો સાથે પણ મુલાકાત કરી હતી.
પીયૂષ ગોયલે પોતાના સંબોધનમાં ભારતની મજબૂત આર્થિક વૃદ્ધિ, સ્થિર મેક્રો-ઇકોનોમિક સ્થિતિ અને સતત થઈ રહેલી આર્થિક પ્રગતિનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ બાબતો ગ્રીસ માટે રોકાણ અને વેપારની મોટી તકો પૂરી પાડે છે. ભારત-યુરોપિયન યુનિયન (EU) મુક્ત વ્યાપાર કરાર (FTA) વેપાર, રોકાણ અને આર્થિક સહયોગના નવા દ્વાર ખોલી શકે છે.

