Site icon Revoi.in

કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષે પાકિસ્તાનને આપ્યો સાથ, UNએ આપી આ પ્રતિક્રિયા

Social Share

નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો પક્ષ લેનાર સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષ વોલ્કન બોજિકર ભારતના નિશાન પર આવ્યા છે. જો કે હવે તેઓએ સ્પષ્ટતા કરી છે. પાકિસ્તાનને સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર મુદ્દો ચગાવવાનું સૂચન કરનારા વોલ્કન બોજ્કિરના નિવેદન સામે ભારતે આકરી પ્રતિક્રિયા આપી હતી. ત્યાર બાદ UN તરફથી સ્પષ્ટીકરણ આવ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તાએ કહ્યું હતું કે, અફસોસની વાત એ છે કે વોલ્કન બોજ્કિરના નિવેદનને સંદર્ભથી હટીને જોવામાં આવ્યું હતું અને અર્થકરણ કરવામાં આવ્યું હતું.

પાકિસ્તાનમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષ વોલ્કન બોજ્કિરના જમ્મૂ કાશ્મીર અંગેના નિવેદનને ભારતે ગેરમાર્ગે દોરનારું અને પૂર્વગ્રહયુક્ત ઠેરવ્યુ હતું. તેના થોડા દિવસો બાદ સંયુક્ત રાષ્ટ્રની 193 સદસ્યો ધરાવતી આ સંસ્થાના પ્રમુખ અંગે પ્રવક્તાએ સ્પષ્ટતા આપી હતી.

વોલ્કન બોજ્કિરે ગત મહિનાના અંતમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાનની યાત્રા કરી હતી. ઈસ્લામાબાદ ખાતે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશી સાથેની પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કાશ્મીર મુદ્દાને જોરશોરથી ઉઠાવવા કહ્યું હતું.

તેમણે એવું કહ્યું હતું કે, પાકિસ્તાને જમ્મૂ કાશ્મીરના મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રના મંચ પર મજબૂતાઈથી ઉઠાવવો જોઈએ કારણ કે તે પાકિસ્તાનની જવાબદારી છે. તેમણે કાશ્મીર મુદ્દાની પેલેસ્ટાઈન સાથે સરખામણી કરી.

Exit mobile version