Site icon Revoi.in

બાંગ્લાદેશમાં હિંદુ યુવકને જીવતો સળગાવવાની ઘટનાથી જાહ્નવી કપૂર લાલઘૂમ

Social Share

મુંબઈ, 26 ડિસેમ્બર 2025 : બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારોએ ફરી એકવાર સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. મયમનસિંઘમાં 27 વર્ષીય દીપુ ચંદ્ર દાસની ભીડ દ્વારા કરવામાં આવેલી નિર્મમ હત્યા અને ત્યારબાદ તેને જીવતો સળગાવી દેવાની ઘટના પર બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂરે આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. જાહ્નવીએ આ ઘટનાને ‘નરસંહાર’ ગણાવી સોશિયલ મીડિયા પર પોતાની ભડાશ કાઢી છે.

પોતાની બેબાક વાતો માટે જાણીતી જાહ્નવી કપૂરે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું કે, “બાંગ્લાદેશમાં જે થઈ રહ્યું છે તે બર્બરતાની પરાકાષ્ઠા છે. આ એક નરસંહાર છે અને આ કોઈ છૂટીછવાઈ ઘટના નથી. જો તમને આ અમાનવીય પબ્લિક લિંચિંગ વિશે ખબર નથી, તો તેના વિશે વાંચો, વીડિયો જુઓ અને પ્રશ્નો પૂછો.”

તેણે લોકોના મૌન પર સવાલ ઉઠાવતા લખ્યું કે, “જો આ બધું જોઈને પણ તમને ગુસ્સો નથી આવતો, તો આ દંભ આપણને જોતજોતામાં બરબાદ કરી દેશે. આપણે દુનિયાના બીજા છેડે બનતી ઘટનાઓ પર રડતા રહીએ છીએ, જ્યારે અહીં આપણા પોતાના ભાઈ-બહેનોને જીવતા સળગાવી દેવામાં આવે છે. માનવતા ભૂલી જઈએ તે પહેલા કોઈપણ પ્રકારના ઉગ્રવાદનો વિરોધ કરવો જરૂરી છે.”

બાંગ્લાદેશના મયમનસિંઘના ભાલુકામાં 18 ડિસેમ્બરના રોજ દીપુ ચંદ્ર દાસ નામના હિંદુ યુવકની ટોળાએ નિર્મમ હત્યા કરી હતી. કાપડની ફેક્ટરીમાં કામ કરતા દીપુ પર ઈશનિંદાનો કથિત આરોપ લગાવી તેને ઢોર માર મારવામાં આવ્યો અને ત્યારબાદ ઝાડ સાથે બાંધીને જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો. આ કેસમાં બાંગ્લાદેશ પોલીસે અત્યાર સુધી 12 લોકોની ધરપકડ કરી છે.

જાહ્નવી કપૂર ટૂંક સમયમાં સુપરસ્ટાર રામ ચરણ સાથે ફિલ્મ ‘પેડ્ડી’ (Peddi) માં જોવા મળશે. આ ફિલ્મ 27 માર્ચ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

આ પણ વાંચોઃચીન-પાકિસ્તાનની મિત્રતા ભારતની સુરક્ષા માટે ચિંતાજનક: US રિપોર્ટ

Exit mobile version