ચેન્નઈ, 6 મે, 2026 – તમિલનાડુમાં તાજેતરની ચૂંટણીમાં સૌથી વધુ બેઠક સાથે વિજેતા બનેલી જોસેફ વિજયની પાર્ટી TVK એ સરકાર બનાવવા માટે દાવો રજૂ કર્યો છે. જોસેફના પક્ષે વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ બેઠકો હાંસલ તો કરી છે પરંતુ તેઓ બહુમતીના આંકડા 118 થી દૂર છે. એવું માનવામાં આવે છે કે, કોંગ્રેસે ટેકો આપવાનું અને જોસેફની સરકારમાં સામેલ થવાનું આશ્વાસન આપ્યું છે જેને પગલે જોસેફ વિજયે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર સાથે મુલાકાત કરી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો.
જોસેફ વિજયે રજૂ કર્યો દાવો
તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ સી. જોસેફ વિજયે બુધવારે ઔપચારિક રીતે રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. તેમની તમિલગા વેત્રી કઝગમ (TVK) 234 સભ્યોની વિધાનસભામાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. જોસેફ વિજયના પક્ષને 108 બેઠક મળી છે, સરકાર રચવા માટે લઘુતમ 118 બેઠક જોઈએ. આમ બાકીની 10 બેઠકોનું સમર્થન મેળવવાનું છે જે પૈકી કોંગ્રેસે તેનું સમર્થન જાહેર કર્યું છે. કોંગ્રેસને 234 માંથી પાંચ (5) બેઠક ઉપર જીત મળી છે. બાકીની પાંચ બેઠકોના સમર્થન બાબતે હજુ સુધી કોઈ સ્પષ્ટતા મળી નથી.
સરકારની રચના અંગેની અટકળો વચ્ચે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને મળવા લોક ભવન પહોંચ્યા હતા. આ દરમિયાન વિજયની સાથે TVK ના વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યા હતા, જેમાં ‘બુસ્સી’ આનંદ, કેએ સેંગોટ્ટૈયન, આધવ અર્જુન અને અરુણ રાજ સામેલ હતા.
જોસેફ વિજયને બહુમતી સાબિત કરવાનો આત્મવિશ્વાસ
મળતી માહિતી અનુસાર, જોસેફ વિજયે રાજ્યપાલ આર્લેકરને એક ઔપચારિક પત્ર આપીને સરકાર બનાવવાનું આમંત્રણ માંગ્યું અને તેમને ભરોસો આપ્યો કે પાર્ટી નિયત સમયમાં વિધાનસભામાં પોતાની બહુમતી સાબિત કરશે. આ મીટિંગને વિજયના નેતૃત્વમાં તમિલનાડુમાં નવી સરકાર બનાવવાની દિશામાં પ્રથમ મોટું બંધારણીય પગલું માનવામાં આવી રહ્યું છે.
TVK ના એક સૂત્રએ જણાવ્યું કે તેમણે આ વિષય પર એક નવો પત્ર લખ્યો છે અને રાજ્યપાલને 7 મેના રોજ સવારે 11:30 વાગ્યે શપથ ગ્રહણ સમારોહ યોજવા વિનંતી પણ કરી છે.
આ પણ વાંચોઃ બંગાળમાં બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં CMનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે, શુક્રવારે ધારાસભ્યદળની બેઠક
TVK એ હાલમાં જ પૂર્ણ થયેલી વિધાનસભા ચૂંટણીમાં 108 બેઠકો જીતીને શાનદાર ઇલેક્શન ડેબ્યુ કર્યું અને રાજ્યની સૌથી મોટી પાર્ટી બની ગઈ. જોકે, પાર્ટી પોતાના દમ પર સરકાર બનાવવા માટે જરૂરી 118 બેઠકોથી થોડી દૂર રહી ગઈ. ચૂંટણી પરિણામો બાદ વિજયે નવા ચૂંટાયેલા ધારાસભ્યો અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ, TVK ના ધારાસભ્યોએ મંગળવારે સર્વાનુમતે તેમને વિધાયક દળના નેતા તરીકે પસંદ કર્યા, જેનાથી તેમના માટે રાજ્યપાલ સમક્ષ દાવો રજૂ કરવાનો રસ્તો સાફ થઈ ગયો.

