Site icon Revoi.in

પાંચેય રાજ્યોમાં ભાજપની સરકાર બનશે, જે.પી.નડ્ડાએ વ્યક્ત કર્યો દ્રઢ વિશ્વાસ

Social Share

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રમુખ જેપી નડ્ડાએ સોમવારે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજવાની ચૂંટણી પંચની જાહેરાતનું સ્વાગત કર્યું અને દાવો કર્યો કે તેમની પાર્ટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તમામ રાજ્યોમાં મોટી બહુમતી સાથે સરકાર બનાવશે. ચૂંટણી પંચે સોમવારે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી માટે અનુક્રમે 17 નવેમ્બર, 23 નવેમ્બર, 30 નવેમ્બર અને 7 નવેમ્બરે એક તબક્કામાં મતદાન થશે જ્યારે છત્તીસગઢમાં 7 અને 17 નવેમ્બરે બે તબક્કામાં મતદાન થશે. આ પાંચ રાજ્યોમાં 3 ડિસેમ્બરે મતગણતરી થશે. આ ચૂંટણીઓમાં લગભગ 16 કરોડ મતદારો મતદાન કરવા માટે લાયક હશે, જે દેશના કુલ મતદારોનો છઠ્ઠો ભાગ છે.

રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત પાંચ રાજ્યમાં આગામી દિવસોમાં યોજાનારી ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પાંચેય રાજ્યમાં શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થાય તે માટે કવાયત શરૂ કરી છે. આગામી વર્ષે 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે જે પૂર્વે પાંચેય રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જે માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તમામ રાજ્યોમાં રાજકીય પક્ષોના સિનિયર નેતાઓના પ્રવાસ વધી ગયા છે, તેમજ તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીને લઈને રણનીતિ તૈયારી કરી દીધી છે. કોંગ્રેસ સહિતના વિપક્ષી પક્ષોએ ભાજપને પરાસ્ત કરવા માટે I.D.N.I.A નામનું સંગઠન બનાવ્યું છે.