-
ડિજિટલ મીડિયા કેવી રીતે આપણી ભાવનાઓ અને રોજિંદા જીવનને શાંતિથી અસર કરે છે
આ બધું સામાન્ય રીતે માત્ર થોડા મિનિટોથી શરૂ થાય છે. લાંબા દિવસ પછી થોડું સ્ક્રોલ કરવું, કામ વચ્ચે થોડો બ્રેક લેવો કે ફક્ત બોર થઈને ફોન હાથમાં લેવું. સ્ક્રીન ચાલુ થાય છે અને તેની સાથે અનંત કન્ટેન્ટ જેમ કે પોસ્ટ્સ, વિડિઓ, મેસેજ, અપડેટ્સ આપણા સામે આવે છે. પરંતુ સમજતા પહેલા જ આ થોડા મિનિટો કલાકોમાં બદલાઈ જાય છે.
આજના સમયમાં ડિજિટલ મીડિયા આપણા રોજિંદા જીવનનો અભિન્ન ભાગ બની ગયું છે. લોકો સાથે જોડાયેલા રહેવું, મનોરંજન મેળવવું કે માહિતી મેળવવી—આ બધું હવે ડિજિટલ પ્લેટફોર્મ પર નિર્ભર બની ગયું છે. પરંતુ તેની અસર ફક્ત સમય સુધી સીમિત નથી. તે આપણા ભાવનાઓને પણ અસર કરે છે.
એક તાજેતરના અભ્યાસ મુજબ ઘણા યુઝર્સ દરરોજ અનેક કલાકો ડિજિટલ મીડિયા પર વિતાવે છે. આ અભ્યાસમાં જાણવા મળ્યું કે લગભગ 40% લોકો ડિજિટલ મીડિયા વાપર્યા પછી માનસિક થાક અનુભવતા હતા, જ્યારે 30% લોકોમાં ચિંતા અથવા અશાંતિ અનુભવાતી હતી. તે ઉપરાંત લગભગ 30% લોકોએ સ્વીકાર્યું કે તેઓ પોતાને અન્ય લોકો સાથે સરખાવે છે, જેના કારણે તેઓને ક્યારેક ઓછું લાગતું હોય છે.
ઘણા લોકો એ પણ કહે છે કે તેઓ સતત આવતા કન્ટેન્ટને કારણે અભિભૂત અનુભવે છે. આ બધું બતાવે છે કે ડિજિટલ મીડિયા માત્ર ઉપયોગ માટેનું સાધન નથી, તે આપણા ભાવનાઓનો પણ એક ભાગ બની ગયું છે.
પરંતુ તેની અસર સંપૂર્ણપણે નકારાત્મક નથી. ઘણા લોકો માટે ડિજિટલ મીડિયા મનોરંજન અને આરામનું સાધન પણ છે. તે જોડાણ અને પ્રેરણા પણ આપે છે.
એક પ્રતિભાવક કહે છે: “મને મજા આવે છે, પરંતુ ક્યારેક હું બીજા લોકો સાથે મારી તુલના કરું છું અને મને ખરાબ લાગે છે.”
બીજો કહે છે: “ક્યારેક હું જે કન્ટેન્ટ જોવુ છું તેનાથી અભિભૂત થઈ જાઉં છું અથવા થાકી જાઉં છું.”
આ સાથે, ઘણા લોકો એ પણ કહ્યું કે તેઓ હવે આ અસર વિશે વધુ જાગૃત બની રહ્યા છે. અભ્યાસ મુજબ 60% કરતાં વધુ લોકો જાણે છે કે ડિજિટલ મીડિયા તેમની લાગણીઓ પર અસર કરે છે, અને ઘણા લોકો તેને નિયંત્રિત કરવાનો પ્રયાસ પણ કરે છે. નાના પગલાં ,જેમ કે બ્રેક લેવો, સ્ક્રીન સમય ઘટાડવો અથવા વધુ જાગૃત રીતે ઉપયોગ કરવો. આપણા ડિજિટલ જીવનમાં સંતુલન લાવવામાં મદદ કરી શકે છે.
આખરે, ડિજિટલ મીડિયા આપણા જીવનનો ભાગ છે, તેમાંથી સંપૂર્ણપણે દૂર થવું શક્ય નથી. પરંતુ તેને સમજવું અને જાગૃત રીતે ઉપયોગ કરવો મહત્વપૂર્ણ છે.
શાયદ વચ્ચે થોડું રોકાવું અને વિચારવું જરૂરી છે— શું આપણે ડિજિટલ મીડિયા નો ઉપયોગ કરીએ છીએ, કે તે આપણને અસર કરી રહ્યું છે?
કારણ કે ક્યારેક…સૌથી સારી વસ્તુ ફક્ત થોડું રોકાવું હોય છે.

