Site icon Revoi.in

ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે કડાણા અને ધરોઈ ડેમ છલકાયો, નર્મદા નદીની જળસપાટી ઘટી

Social Share

અમદાવાદઃ ભરૂચ ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીની જળ સપાટી 26.5 ફૂટ પહોંચી છે. પૂરના પાણી ધીમે ધીમે ઉતરતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. હવે તંત્ર સફાઈના કામમાં લાગ્યું છે. ભરૂચ વહીવટી તંત્ર દ્વારા સુરત અને અમદાવાદથી સફાઈ ટીમો ભરૂચ ખાતે બોલાવાઈ છે. આરોગ્યની ટીમો પણ દરેક ગામો અને શહેરી વિસ્તારોમાં તૈનાત કરાઈ છે.

તો આ તરફ ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં ઉપરવાસમાં તથા સાબરકાંઠામાં થયેલા ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની સારી આવક થઇ રહી છે. આજે ડેમમાં 28,366 ક્યુસેક પાણીની આવક થતાં ડેમની જળસપાટી 620.17 ફૂટ પર પહોંચી છે. જ્યારે ડેમમાં જળ સંગ્રહ 92.80% પર પહોચ્યો છે. બીજી તરફ ડેમ પૂર્ણ ભરાતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે.

રાજધાની ગાંધીનગર અને ઉપરવાસમાં સારા વરસાદને કારણે સંત સરોવરમાં પાણીની સારી આવક નોંધાઈ છે. સંત સરોવરનું રૂલ લેવલ જાળવવા માટે હાલ 8 દરવાજા ખોલી પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે. પાણી છોડાતા અમદાવાદ સહિત સાબરમતી નદી કાંઠાના વિસ્તારોમાં, એલર્ટ આપવામાં આવ્યું છે… હાલ સરોવરમાંથી 8 ગેટ 0.60 મીટર ખોલવામાં આવતા,, 20 હજાર 12 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.. તો સરોવરમાં 19 હજાર 700 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

મહીસાગર જિલ્લામાં આવેલ કડાણા ડેમ,, 8 જિલ્લા માટે જીવાદોરી સમાન છે. હાલ ડેમ સંપૂર્ણપણે ભરાઈ જતા,, આગામી સમય માટે સિંચાઇ તેમજ પીવાના પાણીનો પ્રશ્ન હલ થયો છે.. તો બીજી તરફ સમગ્ર જિલ્લામાં,, વરસાદ હળવો થતા જનજીવન રાબેતા મુજબ થયુ છે.

રાજ્યમાં સારો વરસાદ થતાં અનેક જળાશયો છલોછલ થઈ ગયા છે. રાજ્ય પૂર કંટ્રોલ સેલના મતે સરદાર સરોવર પરિયોજનામાં 100 ટકા જળસંગ્રહ થયો છે. તો 90 જળાશયોમાં 90 ટકાથી વધુ પાણીની આવક થતાં તે હાઈએલર્ટ પર છે. મહેસાણામાં 10 ઇંચથી વધુ વરસાદ થતાં ધરોઈ ડેમમાં 9,610 ક્યૂસેક નવા નીરની આવક થઈ છે. તો, ઉકાઈ ડેમની સપાટી 343.51 ફૂટે પહોંચતા નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરાયા છે.

પંચમહાલના પાનમ ડેમમાં 85 ટકા પાણીનો જથ્થો સંગ્રહિત થયો છે. આ તરફ મહીસાગરમાં કડાણા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને પગલે ઉપરવાસમાં આવેલા મહી બજાજ ડેમના 15 દરવાજા ખોલીને 5.20 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે મહી નદીમાં ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. વહીવટી તંત્રએ નદી કિનારાના ગામડાઓમાં રહેતા લોકોને તકેદારીના ભાગરૂપે સ્થળાંતર કરાવ્યું છે. તો ભરૂચમાં પૂરના કારણે જન-જીવન અસ્તવ્યસ્ત થતાં તંત્ર ગ્રામજનોને ફૂડ પેકેટ પહોંચાડી રહ્યું છે.