ભૂજ, 1 જાન્યુઆરી 2026: કચ્છની સંવેદનશીલ જળસીમામાં ભારતીય કોસ્ટ ગાર્ડ એ આજે એક મોટી કાર્યવાહી કરીને પાકિસ્તાની નાગરિકોની ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. દરિયામાં આંતરરાષ્ટ્રીય જળસીમા નજીક પેટ્રોલિંગ કરી રહેલા જવાનોએ એક શંકાસ્પદ પાકિસ્તાની બોટને ઝડપી પાડી છે, જેમાં સવાર 9 પાકિસ્તાની નાગરિકોની અટકાયત કરવામાં આવી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર આજે ગુરુવારે (15 જાન્યુઆરી) કોસ્ટ ગાર્ડના જવાનો જ્યારે દરિયામાં રૂટિન પેટ્રોલિંગ પર હતા, ત્યારે તેમને એક બોટ ભારતીય જળસીમામાં પ્રવેશતી જણાઈ હતી. સુરક્ષાકર્મીઓએ તુરંત એક્શનમાં આવી બોટને ઘેરી લીધી હતી અને તેમાં સવાર તમામ 9 શખ્સોને રાઉન્ડઅપ કર્યા હતા. હાલ આ બોટને જપ્ત કરીને જખૌ કિનારે લાવવામાં આવી છે. બોટમાં સવાર લોકો પાકિસ્તાની નાગરિક હોવાનું ખૂલ્યું હતું. ઝડપાયેલા પાકિસ્તાનીઓ માછીમારીના બહાને ભારતીય સીમામાં પ્રવેશ્યા હતા કે પછી તેમનો ઈરાદો કોઈ જાસૂસી કે અન્ય નાપાક પ્રવૃત્તિનો હતો, તે દિશામાં સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. હાલ ઇન્ટેલિજન્સ બ્યુરો, મરીન પોલીસ અને કોસ્ટ ગાર્ડ દ્વારા આ તમામ શખ્સોની સંયુક્ત પૂછપરછ કરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બરોબર એક મહિના પહેલા, એટલે કે 13 ડિસેમ્બરે પણ આવી જ રીતે એક પાકિસ્તાની બોટ ઝડપાઈ હતી. ટૂંકા ગાળામાં બનેલી આ બીજી ઘટનાને પગલે દરિયાઈ પટ્ટી પર સુરક્ષા વ્યવસ્થા અત્યંત સઘન બનાવી દેવામાં આવી છે અને સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે.

