Site icon Revoi.in

વાવાઝોડાના લીધે ગીરની આંબાવાડીને નુકશાન થતા કચ્છની કેસર કેરીના ખેડુતોને મળ્યાં સારા ભાવ

Social Share

ભૂજઃ ગીરની કેસર કેરી બાદ હવે માર્કેટમાં કચ્છની કેસર કેરી પણ આવી ગઈ છે. સામાન્યરીતે ગીરની કેસર કેરી કરતી કચ્છની કેરીના ભાવ વધુ હોવા છતા લોકો કચ્છીની કેરી ખરીદી રહ્યા છે. દર વરસે વૈશાખ મહિનાની પૂનમથી જેઠ મહિનાની પૂર્ણિમા સુધી કેસર કેરી તેમજ અન્ય આમ્રફળની સિઝન ભરપૂર હોય છે, પરંતુ ચાલુ વરસે તૌકતે વાવાઝોડાંની અસરથી બચી ગયેલી કેસર કેરીના ભાવ દર વરસ કરતાં બગીચા ધરાવતા કચ્છના કિસાનોને બમણાં ભાવ મળી રહ્યા છે. કારણ કે સૌરાષ્ટ્ર-ગીરમાં કેસર કેરીના પાકને નુકસાન થતાં કચ્છની કેસર કેરીના ભાવ અને માંગ વધ્યા છે, તો કિસાનોને પણ આ વરસે સારું વળતર મળવા આશા છે.

છેલ્લા બેથી વધારે દાયકાથી નખત્રાણા સહિત તાલુકાના ધરતીપુત્રો બાગાયતી ખેતી તરફ વળ્યા છે. દાડમ, કેસર કેરી, પપૈયા, ખારેક, ચીકુ જેવા રોકડિયા પાકનું ઉત્પાદન કરે છે પરંતુ દર વરસે વિપુલ પ્રમાણમાં આ પાક થતાં પુરવઠા-માંગ પ્રમાણે ભાવ જેવા જોઇએ તેવા મળતા નથી. ખેડુતોના કહેવા મુજબ દર વરસે જે રીતે કેસર કેરીના ઝાડ પર જે ઝૂમખાં લાગે છે તે આ વરસે મહદંશે થોડાક ઓછા છે, તેમ છતાં 60થી 70 ટકા જેટલું ઉત્પાદન છે. આની સામે પોષણક્ષમ ભાવ કિસાનોને મળી રહ્યા છે.

સામાન્ય રીતે કેસર કેરી બજારમાં આવે ત્યારે શરૂઆતમાં પેટીના ભાવ 600થી 700ની’ આસપાસ હોય છે, ત્યારબાદ પાક જેમ જેમ બજારમાં ઠલવાતો જાય-ભાવો ઘટી જાય છે, તો બહાર મોકલાતી એ ગ્રેડની કેસર કેરીને સારા ભાવ મળે છે. ચાલુ વરસે હાલ અઠવાડિયું થયું માલ બજારમાં આવ્યો છે. મોટા ભાગનો માલ બહારના વેપારીઓ રૂબરૂ, વાડી-બગીચામાં જઇ ઊંચા ભાવે સોદો કરી ગયા છે, માટે બજારમાં આવક ઓછી છે, તેમ છતાં સ્થાનિક 400 રૂા., 500 રૂા., 600 રૂા. તેમજ 800 રૂા. સુધી કેસર કેરીના હાલ ભાવો ચાલી રહ્યા છે, છતાં એક કિલોના 70થી 80 રૂા. ભાવ જથ્થાબંધમાં નક્કી થઇ ગયા છે. બાકી તો ફળની સાઇઝ પ્રમાણે ભાવ હોય છે. આમ, ભલે થોડું ઘણું ઉત્પાદન ઓછું હોય પરંતુ ખેડૂતો પોષણક્ષમ-ઉત્પાદનના ભાવ મળતાં ખુશ છે અને આંબાની સિઝન એકાદ જ મહિનો હોય છે.