ऐसी वाणी बोलिए, मनका आपा खोय
औरनको शीतल करें,आपहुं शीतल होय.
વાણી ..ભાષા એટલે ઇશ્વરે માત્ર માનવીને આપેલું અણમોલ વરદાન..એ અણમોલ વરદાનનો આપણે કેવો ઉપયોગ કરીએ છીએ.. એના ઉપર આપણી સફળતાનો ઘણો આધાર રહેતો હોય છે. જેણે જીભ જીતી એણે જગ જીત્યું.. મીઠા બોલા માનવી..કાગા એની કાણ ઘર ઘર મંડાશે..
એક રાજા હતો. યુદ્ધ દરમ્યાન તેની એક આંખમાં ઇજા થઇ હોવાથી તે એક આંખે કાણો થઇ ગયો હતો. એક વાર તેના દરબારમાં ત્રણ જાણીતા ચિત્રકાર આવ્યા. રાજાએ તેમને કહ્યું તમે ત્રણે મારું ચિત્ર બનાવી આપો. જે ચિત્ર અદ્દલ મારા જેવું લાગશે તેને મોટું ઇનામ આપીશ.
પહેલા ચિત્રકારે વિચાર્યું કે જો રાજાની એક આંખ કાણી ચીતરીશ તો રાજા નારાજ થશે અને ગુસ્સે થઇને મને ઇનામ નહીં આપે. તેથી તેણે રાજાની બંને આંખ સારી બતાવી.
બીજાએ વિચાર્યું કે જે હકીકત છે તે જ મારે ચિત્રમાં બતાવવી જોઇએ. રાજા કાણા છે તો તેમાં છૂપાવવાનું શું છે? તેણે કાળી આંખવાળા રાજાનું ચિત્ર દોર્યું.
ત્રીજાએ પણ ચિત્ર શરૂ કરતા પહેલા ઘણો વિચાર કર્યો. અંતે તેણે રાજા હાથમાં તીર કામઠું લઇને એક આંખ બંધ કરીને પક્ષીનો શિકાર કરતા હોય તેવું ચિત્ર દોર્યું. રાજાની કાણી આંખ તેણે બંધ બતાવી. કહેવાની જરૂર છે ખરી કે ઇનામ કોને મળ્યું હશે?
આ પણ વાંચોઃ ગુજરાતીની ઉપયોગિતા ઊભી કરવામાં આવે તો માતૃભાષાની ચિંતામાંથી મુક્ત થઈ શકાય: પદ્મશ્રી રતિલાલ બોરીસાગર
કાણાને કાણો નવ કહીએ, વરવાં લાગે વેણ,
હળવે રહીને પૂછીએ, ભાઇ શાથી ખોયા નેણ?
અમુક લોકોની જીભમાં કડવાશ અને તીખાશનો કાયમી વાસ હોય છે. તેઓ શબ્દો તો એવા ફેંકે જાણે પાણીમાં પથરા ફેંકાતા હોય! એક એક વાક્ય ગોફણનું કામ કરી જાય. જે તોડી ફોડીને કે વમળો પેદા કરીને જ જંપતા હોય છે.
દ્રૌપદીના.. અંધસ્ય પુત્ર અંધા..એવા એક વેણથી મહાભારતના યુદ્ધનાં બીજ વવાયાં હતાં એ વાતથી આપણે કોઇ અપરિચિત નથી.
શબ્દો કદીક વીજળી થઇને ચમકી ઊઠે છે, તો ક્યારેક આરતીના સહ્સ્ત્ર દીવા બનીને પ્રજ્જ્વળી રહે છે, અને કોઇના જીવનને અજવાળી પણ શકે છે. તો ક્યારેક શબ્દો મશાલ બનીને સળગી ઊઠે છે અને અન્યને પણ સળગાવી મૂકે છે. તો કદીક શબ્દો સૂરજનું અજવાળું ઓઢીને નીકળી પડે છે. કદીક મૌનના અન્ધકારમાં દટાઇ જાય છે.
બોલતાં પહેલાં સો વાર વિચારો. ગુસ્સો આવ્યો હોય કે મૂડ ન હોય ત્યારે બોલવાને બદલે મૌન જાળવો. એક શબ્દ ઉમેરવાનો અવકાશ હંમેશા હોય છે. પાછા ખેંચવાનો અવકાશ કદી નથી હોતો. શસ્ત્રનો ઘાવ તો રૂઝાઇ શકે છે પણ શબ્દોના ઘાવ ઘણી વાર જીવનભર રૂઝાતા નથી. એ ભીતરથી દૂઝતા રહે છે.
આપણી વાણી પીપળ પાન, બોલ્યા જાણે શ્રી ભગવાન
કોઇનું બૂરું બોલવું નહીં, તૂરૂ તુરૂ બોલવું નહીં
આ પણ વાંચોઃ જીવનઝરુખો.. બારીની બહાર આપણને શું દેખાય છે?
એક રાજા, તેમના પ્રધાન અને એક સિપાહી શિકારે નીકળ્યા. ત્રણે રસ્તામાં ભૂલા પડ્યા.
રાજાએ રસ્તામાં એક વૃદ્ધ અંધ સાધુને જોયા. રાજાએ તુરત જ તેમના ચરણ સ્પર્શ કર્યા અને પૂછ્યું, મહાત્મા, હું ભૂલો પડ્યો છું. મને શહેર બાજુ જવાનો રસ્તો બતાવશો?
સાધુએ રાજાને ડાબી તરફ વળી જવાનું કહ્યું. થોડી જ વારમાં પ્રધાન પણ ત્યાંથી નીકળ્યા. તેમણે પણ અંધ સાધુને જોયા. તે બોલ્યા, સાધુ મહારાજ, કોઇ માણસને તમે અહીંથી જતા જોયો છે?
અંધ સાધુ કહે, હા રાજા સ્વયં આવ્યા હતા. અહીંથી ડાબી તરફ ગયા. પ્રધાન પણ એ રસ્તે ચાલવા લાગ્યા.
એટલામાં સિપાહી પણ અંધ સાધુ પાસે પહોંચ્યો. તેણે પૂછયું, સાધુ બાવા, કોઇ અહીં આવ્યું હતું?
સાધુ કહે, હા, પહેલા રાજા અને પછી પ્રધાન બંને અહીંથી ડાબી તરફ ગયા છે. સિપાહી પણ ડાબી તરફ ગયો.
ત્રણે જ્યારે રાજમહેલ પહોંચી ગયા ત્યારે ત્રણેયને સાધુ વિશે એક નવાઇ લાગી. સાધુ તો અંધ હતો. એમને કેવી રીતે ખ્યાલ આવ્યો કે ત્યાંથી રાજા કે પ્રધાન પસાર થયા છે?
ત્રણેયે પાછા જંગલમાં ગયા અને સાધુને પૂછવાનું નક્કી કર્યું.
તમે શી રીતે જાણ્યું કે આ રાજા કે આ પ્રધાન છે?
સાધુ કહે, અરે, એમાં શી નવાઇ છે? રાજાએ મને મહાત્મા તરીકે સંબોધ્યો. પ્રધાને સાધુ મહાત્મા તરીકેનું સંબોધન તરીકેનું કર્યું અને સૈનિકે સાધુબાવા જેવું તુચ્છ સંબોધન કર્યું. માનવીના સંસ્કાર અને કૂળ તેના વાણી અને વર્તનમાં છતાં થાય છે.

