Site icon Revoi.in

લોકસભાનું સત્ર અનિશ્ચિતકાળ સુધી સ્થગિત: કુલ 15 બેઠકો યોજાઈ

Social Share

નવી દિલ્હીઃ 18મી લોકસભાનું છઠ્ઠું સત્ર શુક્રવારે ઔપચારિક રીતે અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવ્યું છે. 1 ડિસેમ્બર 2025થી શરૂ થયેલા આ સત્રમાં કુલ 15 બેઠકો યોજાઈ હતી. સત્રના અંતિમ દિવસે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ગૃહની ઉત્પાદકતા અને સાંસદોના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

સત્રની કાર્યવાહી સમાપ્ત કરતા પહેલા અધ્યક્ષ ઓમ બિરલાએ ગૃહને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, “આ સત્રમાં વિવિધ વિધાયક કાર્યો અને ચર્ચાઓને કારણે સદનની ઉત્પાદકતા અંદાજે 111 ટકા રહી છે. 15 બેઠકો દરમિયાન તમામ સભ્યોએ જે રીતે સહયોગ આપ્યો છે તે બદલ હું સૌનો આભારી છું.” તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પણ વડાપ્રધાન, વિપક્ષી નેતા અને તમામ પક્ષોના સાંસદોનો આભાર માન્યો હતો.

સત્રના છેલ્લા દિવસે પણ સંસદ પરિસરમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા) નું નામ બદલીને ‘વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન’ (જી રામ જી – G RAM JI) બિલ પસાર કરવામાં આવતા વિપક્ષે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિપક્ષી સાંસદોએ સંસદ સંકુલમાં ‘મનરેગા કો મત મારો’ (મનરેગાને ખતમ ન કરો) ના નારા લગાવ્યા હતા.

નોંધનીય છે કે, ગુરુવારે ભારે હોબાળા વચ્ચે લોકસભામાં ‘જી રામ જી’ વિધેયક પસાર કરવામાં આવ્યું હતું. આ નવું વિધેયક વર્ષ 2005ના જૂના મનરેગા કાયદાનું સ્થાન લેશે. સરકારના આ નિર્ણય સામે વિપક્ષી દળો એકજુટ થઈને વિરોધ કરી રહ્યા છે, જેને કારણે સત્રના અંતિમ દિવસોમાં ગૃહમાં ભારે ઘર્ષણ જોવા મળ્યું હતું.

અધ્યક્ષ ઓમ બિરલાના નિવેદન બાદ, તમામ સભ્યો ‘વંદે માતરમ્’ની ધૂન માટે પોતપોતાના સ્થાને ઉભા રહ્યા હતા અને ત્યારબાદ સત્રને અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. હવે આગામી સત્ર કેન્દ્ર સરકારની ભલામણ પર રાષ્ટ્રપતિની મંજૂરી બાદ બોલાવવામાં આવશે.

Exit mobile version