નવી દિલ્હી, 28 મે 2026: ભારતીય જનતા પાર્ટી એ ગુરૂવારે સંગઠનાત્મક સ્તરે એક મોટો ફેરફાર કરતા ચાર મહત્વના રાજ્યોમાં નવા પ્રદેશ પ્રમુખોના નામોની જાહેરાત કરી છે. આગામી રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને દિલ્હી, હરિયાણા, પંજાબ અને ત્રિપુરામાં સંગઠનની કમાન નવા ચહેરાઓને સોંપવામાં આવી છે. દેશની રાજધાની દિલ્હીમાં વીરેન્દ્ર સચદેવાના સ્થાને કેન્દ્રીય મંત્રી હર્ષ મલ્હોત્રાને દિલ્હી ભાજપના નવા અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અર્ચના ગુપ્તાને હરિયાણા, કેવલ સિંહ ધિલ્લોનને પંજાબ અને અભિષેક દેબરોયને ત્રિપુરાના પ્રદેશ અધ્યક્ષ તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, “ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબીને કેન્દ્રીય રાજ્ય મંત્રી હર્ષ મલ્હોત્રાને દિલ્હી પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. આ નિયુક્તિ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવશે.” હર્ષ મલ્હોત્રા ભાજપના વરિષ્ઠ નેતા અને દિલ્હીથી લોકસભા સાંસદ છે. તેઓ હાલમાં કેન્દ્ર સરકારમાં મંત્રી પદની જવાબદારી સંભાળી રહ્યા છે. લાંબા સમયથી સંગઠનની રાજનીતિમાં સક્રિય રહેલા મલ્હોત્રાએ દિલ્હી ભાજપમાં અગાઉ પણ અનેક મહત્વના હોદ્દાઓ પર કામ કર્યું છે. તેઓ પોતાની મજબૂત સંગઠન ક્ષમતા, જનસંપર્ક અને વિકાસલક્ષી મુદ્દાઓ પર સક્રિય ભૂમિકા ભજવવા માટે જાણીતા છે. દિલ્હીમાં આગામી રાજકીય પડકારોને જોતા તેમને આ મહત્વની જવાબદારી સોંપાઈ છે.
હરિયાણામાં ભાજપે મહિલા નેતૃત્વ પર ભરોસો મૂક્યો
હરિયાણામાં ભાજપે મહિલા નેતૃત્વ પર ભરોસો મૂક્યો છે. ડૉ. અર્ચના ગુપ્તાને હરિયાણા ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ડૉ. અર્ચના ગુપ્તા હરિયાણાના રાજકારણમાં એક સક્રિય અને લોકપ્રિય મહિલા નેતા છે. સંગઠનાત્મક સ્તરે તેમની પકડ ખૂબ મજબૂત માનવામાં આવે છે. તેમણે પાર્ટીના વિવિધ મોરચે પ્રશંસનીય કામગીરી કરી છે. તેમની નિમણૂક પાછળ હરિયાણામાં મહિલા નેતૃત્વને વધુ મજબૂત કરવાનો અને આગામી સમયમાં સંગઠનનો વિસ્તાર કરવાનો ભાજપ હાઇકમાન્ડનો મુખ્ય હેતુ છે. પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે રાજ્યમાં મોટો રાજકીય દાવ ખેલ્યો છે. પંજાબના પ્રદેશ પ્રમુખ બદલીને સરદાર કેવલ સિંહ ધિલ્લોનને આ જવાબદારી સોંપવામાં આવી છે. કેવલ સિંહ ધિલ્લોન બરનાલા બેઠક પરથી બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમણે 2022માં સંગરુર લોકસભાની પેટાચૂંટણી અને 2024માં બરનાલા વિધાનસભાની પેટાચૂંટણી ભાજપની ટિકિટ પર લડી હતી.
ધિલ્લોન દેશ અને પંજાબના એક અગ્રણી ઉદ્યોગપતિ છે અને તેઓ પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના ખૂબ નજીકના માનવામાં આવે છે. બરનાલાના લોકો તેમને ‘વિકાસ પુરુષ’ તરીકે ઓળખે છે. તેમણે હંમેશા વિવાદોથી દૂર રહીને માત્ર વિકાસના મુદ્દાઓ પર જ પોતાની રાજનીતિ કરી છે, જેના કારણે વિરોધ પક્ષોમાં પણ તેમની એક સકારાત્મક છબી છે. પૂર્વોત્તર રાજ્ય ત્રિપુરામાં ભાજપે યુવા અને સક્રિય નેતા અભિષેક દેબરોયને પ્રદેશ અધ્યક્ષ પદ સોંપ્યું છે. દેબરોય લાંબા સમયથી ત્રિપુરામાં ભાજપના સંગઠન માટે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરી રહ્યા છે. પાર્ટીના અનેક સફળ અભિયાનોમાં તેમની મુખ્ય ભૂમિકા રહી છે. કેન્દ્રીય નેતૃત્વને આશા છે કે અભિષેક દેબરોયના આવવાથી ત્રિપુરામાં ભાજપનો જનાધાર વધુ મજબૂત બનશે.

