Site icon Revoi.in

દેશના રાજકારણમાં ભાજપની સામે કોંગ્રેસનું સ્થાન લેવા માટે TMCના મમતા બેનર્જી સક્રિય !

Social Share

દિલ્હીઃ વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં પરાજય બાદ કોંગ્રેસનું સમગ્ર દેશમાં ધોવાણ થઈ રહ્યું છે. હવે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં પણ હવે સ્થાનિક પક્ષો પણ કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાથી દુર રહે છે. પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે ડાબેરીઓ સાથે ગઠબંધન કર્યું હતું. જ્યારે મમતા બેનર્જીએ કોંગ્રેસ સાથે ગછબંઘન કરવાથી દૂર રહ્યાં હતા. આગામી દિવસોમાં ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

ઉત્તરપ્રદેશમાં એસપી અને બીએસપી પણ કોંગ્રેસ સાથે ગઠબંધનથી દૂર ભાગી રહી છે. દરમિયાન કોંગ્રેસે ઉત્તરપ્રદેશમાં એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. બીજી તરફ દેશમાં કોંગ્રેસનું સતત ધોવાણી થઈ રહ્યું છે. આ તરફ તૃણમૂલ કોંગ્રેસના મમતા બેનર્જી દેશમાં કોંગ્રેસનું સ્થાન લેવા માંગતા હોય તેમ લાગી રહ્યું છે. જેથી પાર્ટીનું વિસ્તરણ કરવાની તૈયારીઓ કરી રહ્યાં છે. એટલું જ નહીં ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોના નારાજ નેતાઓને ટીએમસીમાં સ્થાન આપી રહ્યાં છે.

પશ્ચિમ બંગાળમાં 2021ની વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીની ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ જંગી જીત મેળવી હતી. અગાઉ લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ પણ બંગાળમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. લોકસભાની 42માંથી 18 બેઠકો જીતી. વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ મમતા શાંતિથી બેઠા નથી. તેઓ પાર્ટીના વિસ્તરણમાં સતત વ્યસ્ત રહે છે. ટીએમસી પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતાઓ અને ધારાસભ્યોને તેમજ અન્ય ભારતીય રાજ્યોમાં કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યોને પાર્ટીમાં સામેલ કરી રહ્યાં છે.

તાજેતરમાં મેઘાલયમાં કોંગ્રેસના 12 ધારાસભ્યો ટીએમસીમાં જોડાયા હતા. આ સાથે, TMC હવે પૂર્વોત્તર રાજ્યમાં મુખ્ય વિરોધ પક્ષ બની જશે. ચૂંટણી પરિણામોની આગાહી કરવી હંમેશા જોખમી હોય છે. 2024ની ચૂંટણી હજુ દૂર છે. આ ચેતવણી સાથે, ટીએમસી આગામી લોકસભા ચૂંટમીમાં કોંગ્રેસ કરતાં વધુ બેઠકો મળવાની શકયતાઓ રાજકીય તજજ્ઞોએ વ્યક્ત કરી હતી.

લોકસભા ચૂંટણીમાં TMCનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 2014માં હતું, જ્યારે તેણે પશ્ચિમ બંગાળમાં 42 લોકસભા બેઠકોમાંથી 34 બેઠકો ઉપર 39.8% વોટ શેર સાથે વિજયી થઈ હતી. 2021ની વિધાનસભા ચૂંટણીમાં TMCનો વોટ શેર 48.5% હતો. સંસદીય મતવિસ્તાર અનુસાર, 2021 વિધાનસભા મતવિસ્તારના પરિણામોના મૂલ્યાંકનના આધારે રાજ્યની 42 લોકસભા બેઠકોમાંથી 32 બેઠકો પર TMCને આગળ છે. આજની સ્થિતિ પ્રમાણે પશ્ચિમ બંગાળમાં ભાજપ ચૂંટણી પહેલાની સરખામણીમાં નબળી પડી છે.