Site icon Revoi.in

મમતા બેનરજીએ બંગાળમાં બાબરી મસ્જિદ બાંધવા માગતા ધારાસભ્યને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા

હુમાયુ કબીર ટીએમસીના બરતરફ ધારાસભ્ય
Social Share

કોલકાતા, 4 ડિસેમ્બર, 2025ઃ Mamata Banerjee suspends MLA from party મમતા બેનરજીના તૃણમૂલ કોંગ્રેસે (ટીએમસી) પક્ષના ધારાસભ્ય હુમાયુ કબીરને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. હુમાયુ કબીરે થોડા દિવસ પહેલાં જાહેરાત કરી હતી કે તે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં બાબરી મસ્જિદ જેવી મસ્જિદ બાંધશે.

કબીરે ગયા મહિને મુર્શિદાબાદના બેલદંગા ખાતે બાબરી મસ્જિદની આબેહૂબ પ્રતિકૃતિ બનાવવાની જાહેરાત કરીને શિલાન્યાસ કર્યો હતો. તેણે આ છઠ્ઠી ડિસેમ્બરને શનિવારથી બાંધકામ શરૂ કરવાનો પણ દાવો કર્યો હતો. તેનો દાવો હતો કે ત્રણ મહિનામાં તે બાબરીની પ્રતિકૃતિનું નિર્માણ પૂરું કરાવી દેશે.

જોકે, પક્ષના ધારાસભ્ય કબીરના આ પગલા અને નિવેદન બાદ ટીએમસીએ હુમાયુ કબીરને ચેતવણી આપી હતી કે તેમણે આવા વિવાદિત નિવેદનો નહીં કરવા જોઈએ.

કબીરને સસ્પેન્ડ કરતા ટીએમસીને કહ્યું કે, અમારા ધ્યાનમાં આવ્યું છે કે અમારા મુર્શિદાબાદના ધારાસભ્યે બાબરી મસ્જિદનું નિર્માણ કરવાની એકાએક જાહેરાત કરી છે. શા માટે એકાએક બાબરી મસ્જિદની યાદ આવી? અમે તેને ચેતવણી આપી હતી. અમારા પક્ષના નિર્ણય અનુસાર અમે ધારાસભ્ય હુમાયુ કબીરને સસ્પેન્ડ કરી રહ્યા છીએ, તેમ એએનઆઈ સમાચાર સંસ્થાએ ટીએમસીના નેતા અને કોલકાતાના મેયર ફિરહાદ હકીમને કહેતા ટાંક્યા હતા.

પોતાની હકાલપટ્ટી બાદ કબીરે કહ્યું કે, પોતે આવતા મહિને નવા પક્ષની સ્થાપના કરશે અને પશ્ચિમ બંગાળની આગામી વિધાનસભા ચૂંટણીમાં 156 બેઠકો ઉપર ઉમેદવારો ઊભા રાખશે. “હું આવતીકાલે ટીએમસીમાંથી રાજીનામું આપીશ. જો જરૂર પડશે તો 22 ડિસેમ્બરે નવા પક્ષની જાહેરાત કરીશ,” તેમ કબીરે કહ્યું હતું.

આ અગાઉ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે પણ હુમાયુ કબીરના નિવેદન સામે ચેતવણી ઉચ્ચારી હતી અને કહ્યું હતું કે ધારાસભ્યના આવા નિવેદનથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમાઈ શકે છે.

VIDEO: ઈન્ડિગોની એક સાથે 73 ફ્લાઈટ રદ, વિમાન મથકો ઉપર અરાજકતા અને હોબાળો

Exit mobile version