Site icon Revoi.in

કોરોનાના મૃતકોના પરિવારને સહાય માટેના ફોર્મ વેબસાઈટ પર મુકાયા, મામલતદાર કચેરીઓ સ્વીકારશે

Social Share

અમદાવાદઃ રાજ્ય સરકારે કોરોનાને લીધે મૃત્યુ પામેલાના પરિવારને સહાય આપવા ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. કોરોનામાં જીવ ગુમાવનાર વ્યક્તિના પરિવારજનોને 50,000 રૂપિયાની સહાય આપવાની જાહેરાત સરકારે કરી છે. આ માટે સૌથી પહેલા કોઝ ઓફ ડેથ એટલે કે મૃત્યુના કારણના આધાર પુરાવાઓ માટે અરજી કરવાની વિગતો જાહેર કરી હતી. જેમના મૃત્યુ પાછળ કોરોના જવાબદાર હોય તેમને જ આ સહાય અપાય તે માટે આ પ્રક્રિયા કરાઈ હતી. હજુ લોકો એ ફોર્મ ભરીને કોઝ ઓફ ડેથ સર્ટિફિકેટ કે તેને આનુસંગિક પુરાવાઓ મળ્યા બાદ કોરોનાની સહાય માટે જિલ્લા કલેક્ટર કચેરીએથી ફોર્મ મેળવી તેમાં આ  પુરાવાઓ જોડીને જમા કરાવ્યા બાદ જ કોરોનાની સહાય માટે અરજી માન્ય ગણાય છે. અમદાવાદના જિલ્લા કલેક્ટરે સહાય મેળવવા માટેનું ફોર્મ વેબસાઈટ પર મુક્યું છે. અને ભરેલા ફોર્મ તાલુકા મામલતદાર કચેરીઓ પણ સ્વીકારશે. તેવી જાહેરાત કરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ જિલ્લા કલેક્ટર કચેરીમાંથી ફોર્મ મેળવવાનું હોવાથી શહેર અને જિલ્લાના તમામ લોકોને ફોર્મ લેવા તેમજ જમા કરવા માટે કલેક્ટર કચેરી સુધીના ધક્કા થવાના હતા અને તેથી લોકો અને કર્મચારીઓ બંનેને પરેશાની ભોગવવી પડે પણ તે સ્થિતિ સર્જાય તે પહેલા જ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ આખી પ્રક્રિયાનું સરળીકરણ અને વિકેન્દ્રીકરણ કરવા ફોર્મ વેબસાઈટ પર મુકાવ્યું છે તેમજ જમા કરવા માટે કલેક્ટર કચેરીને બદલે જે તે તાલુકા મામલતદાર કચેરીએ કરવાની વ્યવસ્થા કરી છે જેથી લોકો પોતાની નજીકની જગ્યાએ ફોર્મ જમા કરાવી શકશે. કોરોનાની સહાયના ફોર્મ માટે આ પ્રકારની પહેલી વ્યવસ્થા સૌરાષ્ટ્રમાં પણ ઊભી કરવામાં આવી  છે.