Site icon Revoi.in

મનીષ સિસોદિયાને આજે પણ મળી નહીં રાહત, કોર્ટે 18 એપ્રિલ સુધી વધારી જ્યુડિશયલ કસ્ટડી

Social Share

નવી દિલ્હી: દિલ્હી દારૂ નીતિ ગોટાળા સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં એરેસ્ટ કરાયેલા દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાને આજે પણ કોઈ રાહત મળી શકી નથી. રાઉજ એવેન્યૂ કોર્ટે મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ  કસ્ટડી 18 એપ્રિલ સુધી લંબાવી દીધી છે.

સ્પેશયલ જજ કાવેરી બાવેજાએ પહેલા આપવામાં આવેલી જ્યુડિશિયલ કસ્ટડીની અવધિના સમાપ્ત થવા પર કોર્ટમાં રજૂ કરાયા બાદ આજે ફરીથી સિસોદિયાની જ્યુડિશયલ કસ્ટડીને લંબાવી દેવામાં આવી છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ જેલમાંથી બહાર આવેલા આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ કે જેઓ કથિત ગોટાળાના સહઆરોપી છે, તેઓ પણ કાર્યવાહી માટે કોર્ટમાં રજૂ  થયા.

સીબીઆઈની સાથે ઈડીએ પણ આરોપ લગાવ્યો છે કે દિલ્હી દારૂ નીતિમાં સંશોધન કરતી વખતે અનિયમિતતા દાખવવામાં આવી. લાઈસન્સધારકોને અયોગ્ય લાભ આપવામાં આવ્યો. લાયસન્સ ફી માફ કરી દેવામાં આવી અથવા ઓછી કરવામાં આવી અને સક્ષમ અધિકારીની મંજૂરી વગર લાયસન્સ લંબાવી દેવામાં આવ્યું.

તપાસ એજન્સીઓનો આરોપ છે કે લાભાર્થીઓએ કથિતપણે ગેરકાયદેસર લાભને આરોપી અધિકારીઓ સુધી પહોંચાડયો અને તપાસથી બચવા મટે પોતાની એકાઉન્ટ બુકમાં ખોટી એન્ટ્રીઓ કરી.

મહત્વપૂર્ણ છે કે સીબીઆઈએ દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને દારૂ ગોટાળામાં તેમની કથિત ભૂમિકા માટે 26 ફેબ્રુઆરી, 2023ના રોજ એરેસ્ટ કરવામાં આવ્યા હતા. ઈડીએ 9 માર્ચ, 2023ના રોજ સીબીઆઈની એફઆઈઆર સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગના કેસમાં સિસોદિયાને એરેસ્ટ કર્યા હતા. 28 ફેબ્રુઆરી, 2023ના રોજ સિસોદિયાએ દિલ્હી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું. તેના પછી જ તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.

ઉલ્લેખનીય છે કે દિલ્હીના ઉપરાજ્યપાલ વી. કે. સક્સેના દ્વારા દિલ્હી આબકારી નીતિના નિર્માણ અને અમલીકરણમાં કથિત ભ્રષ્ટાચાર અને લાંચખોરીના આરોપોની સીબીઆઈ તપાસની ભલામણ બાદ દિલ્હી સરકાર દ્વારા આ વર્ષે જુલાઈમાં નીતિને પાછી લેવામાં આવી હતી. સીબીઆઈ દ્વારા નોંધવામાં આવેલી એફઆઈઆરમાં મનીષ સિસોદિયા સહીત ઘણાં લોકો અને સંસ્થાઓને નામજદ કરવામાં આવ્યા હતા. સીબીઆઈએ આના સંદર્ભે સિસોદિયા અને તેમના નિકટવર્તીઓના ઠેકાણાઓ પર પણ દરોડા પાડયા હતા.

Exit mobile version