Site icon Revoi.in

લખનઉમાં ભીષણ અગ્નિકાંડ: 1200 ઝૂંપડા રાખ, 2 માસૂમ બાળકોના મોત

Social Share

લખનઉ, 16 એપ્રિલ 2026: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના વિકાસનગર સેક્ટર-12માં બુધવારે સાંજે સર્જાયેલા પ્રલયકારી અગ્નિકાંડમાં બે બાળકીઓના કરૂણ મોત નિપજ્યા છે. રિંગ રોડના કિનારે આવેલી ગેરકાયદેસર વસાહતમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી 1200 જેટલા ઝૂંપડાઓને ભસ્મીભૂત કરી દીધા હતા. આ દુર્ઘટનામાં 10થી વધુ પશુઓ જીવતા ભૂંજાયા હોવાની આશંકા છે. સાંજે 5 વાગ્યાની આસપાસ એક ઝૂંપડામાં લાગેલી આગે પળવારમાં આખી વસાહતને લપેટમાં લીધી હતી.

ઝૂંપડાઓમાં રાખેલા અંદાજે 100 જેટલા ગેસ સિલિન્ડરો એકપછી એક ધડાકાભેર ફાટતા આખો વિસ્તાર યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયો હતો. આશરે 5 કિમી દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાતા હતા. 22 જેટલી ફાયર ફાઈટરની ગાડીઓએ રાત્રે 10 વાગ્યા સુધી મથામણ કર્યા બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

સુત્રોના જણાવ્યા અનુસાર, આગ બાદ વસાહતમાં મચેલી નાસભાગમાં છ બાળકો ગુમ થયા હતા, જેમાંથી સર્ચ ઓપરેશન દરમિયાન આયુષી અને સ્વાતી નામની બે બાળકીઓના મૃતદેહ મળી આવ્યા છે. સંતાનોના મોતથી પરિવારમાં આક્રંદ છવાઈ ગયું છે. પોલીસ અને એસડીઆરએફની ટીમ હજુ પણ કાટમાળમાં અન્ય ગુમ થયેલા બાળકોની શોધખોળ કરી રહી હતી.

સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે દુર્ઘટનાની જાણ કરવા છતાં પોલીસ અને ફાયર બ્રિગેડ એક કલાક મોડી પહોંચી હતી. આ વિલંબને કારણે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ગુસ્સે ભરાયેલા લોકોએ પ્લોટ માલિકના ઘર પર પથ્થરમારો કર્યો હતો. લોકોનો આરોપ છે કે પ્લોટ ખાલી કરાવવા માટે જાણીજોઈને આગ લગાડવામાં આવી છે. સ્થિતિ પર કાબૂ મેળવવા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો, જેમાં પાંચ લોકોના માથા ફૂટ્યા છે.

એક તરફ આગની લપેટમાં લોકોના આશિયાના બળી રહ્યા હતા, ત્યારે બીજી તરફ રિંગ રોડ પર પસાર થતા લોકો ગાડીઓ ઉભી રાખી વીડિયો ઉતારવામાં મશગૂલ હતા. આ દૂર્ધટનાને પગલે 2 કિમી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેમાં ફાયર બ્રિગેડની ગાડીઓ ફસાઈ ગઈ હતી. પોલીસે બળપ્રયોગ કરીને રસ્તો ખાલી કરાવવો પડ્યો હતો.

દુર્ઘટનાની જાણ થતા જ નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. પીડિત પરિવારો માટે રહેવાની અને જમવાની વ્યવસ્થા કરવા વહીવટીતંત્રને સૂચના આપી છે. સાવચેતીના ભાગરૂપે આસપાસના 30 ઘરોને ખાલી કરાવવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ રશિયા અને ઈરાન પરના પ્રતિબંધોમાં આપેલી છૂટ અમેરિકા પાછી ખેંચશે

Exit mobile version