ભારતને તેની જરૂરિયાત મુજબ ક્રુડ ઓઈલ અને એલપીજી આપવાનું ચાલુ રાખશેઃ રશિયા
નવી દિલ્હી, 16 એપ્રિલ 2026: ભારત અને રશિયા વચ્ચેના વર્ષો જૂના અને અતૂટ સંબંધો આગામી સમયમાં નવી ઊંચાઈએ પહોંચવા જઈ રહ્યા છે. ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવે તાજેતરમાં એક મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું છે કે, રશિયા ભારતની વધતી જતી વૈશ્વિક ભૂમિકાનું સંપૂર્ણ સમર્થન કરે છે. તેમણે સંકેત આપ્યો છે કે સપ્ટેમ્બર 2026માં ભારતમાં યોજાનારા બ્રિક્સ સંમેલનમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પોતે હાજર રહી શકે છે.
રાજદૂત અલીપોવે જણાવ્યું કે બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરીય મુલાકાતોનો સિલસિલો ચાલુ રહેશે. ગયા વર્ષે પુતિનની ભારત મુલાકાત બાદ હવે રશિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે આતુર છે અને તે અંગેની તૈયારીઓ અને વાતચીત અત્યારે ચાલી રહી છે.
રક્ષણ ક્ષેત્રે ભારત-રશિયાની ભાગીદારી અંગે અલીપોવે મહત્વની અપડેટ્સ આપતા જણાવ્યું કે, બાકી રહેલી એસ-400 સિસ્ટમની ડિલિવરી ભારતને ટૂંક સમયમાં મળી જશે. બ્રહ્મોસ મિસાઇલ અને એકે-203 રાઇફલ પ્રોજેક્ટને તેમણે મોટી સફળતા ગણાવી હતી. ભારતે રશિયાના અત્યાધુનિક એસયુ-57 લડાયક વિમાનમાં રસ દાખવ્યો હોવાની વાત પણ તેમણે સ્વીકારી હતી, જોકે સુરક્ષા કારણોસર વધુ વિગતો જાહેર કરી નહોતી.
દુનિયામાં ચાલી રહેલા તણાવ છતાં રશિયા ભારતને તેની જરૂરિયાત મુજબ ક્રુડ ઓઈલ અને એલપીજી આપવાનું ચાલુ રાખશે. અલીપોવે આરોપ લગાવ્યો હતો કે, અમેરિકા અને યુરોપિયન દેશો પ્રતિબંધો દ્વારા ભારત-રશિયાના સંબંધોમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ રશિયા હંમેશા ભારતનો વિશ્વાસુ સાથી રહ્યો છે. પશ્ચિમ એશિયાની સ્થિતિ પર બોલતા રશિયન રાજદૂતે ઈરાન પરના હુમલાઓને આંતરરાષ્ટ્રીય કાયદાની વિરુદ્ધ ગણાવ્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે ઈરાનને શાંતિપૂર્ણ પરમાણુ ઊર્જાના ઉપયોગનો અધિકાર છે અને આ વિસ્તારમાં માત્ર યુદ્ધવિરામ નહીં પરંતુ લાંબાગાળાની શાંતિ માટે વાતચીત જરૂરી છે.
બંને દેશોએ દ્વિપક્ષીય વેપારને 100 અબજ ડોલર સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે. મહત્વની વાત એ છે કે, હાલમાં 95 ટકા લેણદેણ બંને દેશોના રાષ્ટ્રીય ચલણ (રૂપિયો અને રૂબલ)માં થઈ રહી છે, જેથી અમેરિકી પ્રતિબંધોની અસર ન થાય. વેપાર સંતુલિત કરવા માટે રશિયા ઈચ્છે છે કે ભારત તેના કૃષિ ઉત્પાદનો અને મશીનરીની નિકાસ રશિયામાં વધારે. આ નિવેદનોથી સ્પષ્ટ થાય છે કે રક્ષણ, ઊર્જા અને આર્થિક મોરચે ભારત અને રશિયાની ભાગીદારી આવનારા વર્ષોમાં વધુ વ્યૂહાત્મક અને મજબૂત બનશે.
આ પણ વાંચોઃ ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષમાં અમેરિકા અને ઇઝરાયલના લક્ષ્યો સમાન છે: બેન્જામિન નેતન્યાહૂ


