ગુજરાતના સંત સમાજે સનાતન ધર્મનું અપમાન કરનાર પપ્પુ યાદવ વિરુદ્ધ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
[અલકેશ પટેલ] 4 ઓગસ્ટ, 2026 – ગુજરાતના સંત સમાજે સનાતન ધર્મનું અપમાન કરનાર પપ્પુ યાદવ વિરુદ્ધ આજે મંગળવારે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. અમદાવાદના આરટીઓ સર્કલ નજીક આવેલી કલેક્ટર કચેરીએ એકત્ર થયેલા મોટી સંખ્યામાં સાધુ-સંતો-મહંતોએ સાંસદ પપ્પુ યાદવ દ્વારા કરવામાં આવેલા સનાતન ધર્મના અપમાન સામે તીવ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો.
રામ મંદિરમાં દાનની રકમની કથિત ચોરીનો મુદ્દો ઉઠાવી રહેલા વિપક્ષી સાંસદો સંસદનું ચોમાસુ સત્ર શરૂ થયું ત્યારથી દેખાવો કરી રહ્યા છે. આ દરમિયાન થોડા દિવસ પહેલા અપક્ષ સાંસદ પપ્પુ યાદવે ભગવા વસ્ત્રો પહેરીને ભગવાન શ્રીરામની મૂર્તિને તેમના પગ પાસે રાખીને દાનની રકમની ચોરીનું નાટક કર્યું હતું.

સનાતન ધર્મનું અપમાન સહન કરવામાં નહીં આવે
પપ્પુ યાદવના આ નાટકમાં કોંગ્રેસના રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિત અન્ય વિપક્ષી નેતાઓએ પણ સાથે આપ્યો હતો. વિપક્ષી સાંસદોના આવી નૌટંકીથી સમગ્ર હિન્દુ સમાજને ભારે આઘાત લાગ્યો હતો.
જેને પગલે સાધુ, સંતો અને મહંતોએ પણ આખા દેશમાં નારાજગી વ્યક્ત કરી હતી. આજે મંગળવારે અમદાવાદના સાધુ – સંતોએ કલેક્ટર શ્રી ભવ્ય વર્માને રૂબરૂ મળીને તેમને આવેદનપત્ર સુપરત કરીને હિન્દુ સમાજની લાગણી રાષ્ટ્રપતિ તેમજ ભારત સરકાર સુધી પહોંચાડવા વિનંતી કરી હતી.
કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરતા પહેલાં સાધુ-સંતોએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. શહેરના જગન્નાથ મંદિરના મહંત પૂજ્ય દિલીપદાસજી મહારાજ, ચૈતન્ય શંભુ મહારાજ સહિત વિવિધ સંપ્રદાયના વરિષ્ઠ સાધુ-સંતોએ પપ્પુ યાદવ, રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, મલ્લિકાર્જુન ખડગે સહિત તમામ વિપક્ષી નેતાઓ, જેમણે સનાતન ધર્મનું અપમાન કર્યું છે તેની સામે નારાજગી વ્યક્ત કરી હતી.

સાધુ-સંતોએ માગણી કરી છે કે, આ સાંસદોનું સંસદસભ્યપદ સમાપ્ત કરી દેવું જોઈએ. સંતોએ ચેતવણી પણ ઉચ્ચારી હતી કે સંત સમાજની માગણીનો સ્વીકાર નહીં થાય તો હજુ વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, આગામી સોમવાર સુધીમાં માગણીનો સ્વીકાર નહીં થાય તો સમગ્ર ગુજરાતના સાધુ-સંતો એકત્ર થઈને ગાંધીનગર જશે અને રાજ્યપાલશ્રી સમક્ષ આ મુદ્દે રજૂઆત કરશે.
એક પ્રશ્નના જવાબમાં ચૈતન્ય શંભુ મહારાજે જણાવ્યું હતું કે, જરૂર પડશે તો કાનૂની પગલાં લેતા પણ સંત સમાજ ખચકાશે નહીં.
કલેક્ટરને આવેદનપત્ર આપતા પહેલાં સંતો, મહંતો, વિશ્વહિન્દુ પરિષદના કાર્યકરો, બજરંગદળના કાર્યકરો સહિત મોટી સંખ્યામાં હિન્દુ સમાજના અગ્રણીઓ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને કચેરીની બહાર રામધૂન તથા હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા.

કલેક્ટર શ્રી ભવ્ય વર્માએ સાધુ-સંતોની વાત શાંતિથી સાંભળી હતી અને આવેદનપત્ર યોગ્ય સ્થાને પહોંચાડવાનું આશ્વાસન આપ્યું હતું.


