રાજકોટ, 24 સપ્ટેમ્બર,2026 : Traffic Police’s mega drive રાજ્ય પોલીસ વડાના આદેશથી ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓ સામે રાજ્યભરમાં ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત રાજકોટ શહેર ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા તેમજ નંબર પ્લેટ વગર વાહન ચલાવતા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં આગળ પાછળ બન્ને તરફ નંબર પ્લેટ ન હોય તેવી 2 BMW કાર સહિત 147 વાહનો છેલ્લા 3 દિવસમાં ડિટેઇન કરવામાં આવ્યા છે જયારે જૂના પેન્ડિંગ ચલણ હોય તેવા 249 ચલણની વસુલાત કરી રૂપિયા 1.19 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં તમામ નાના-મોટા શહેરોમાં ટ્રાફિકના નિયમોના ભંગ સામે પોલીસની ડ્રાઈવ ચાલી રહી છે. ડીજીપીના આદેશથી રાજકોટ શહેર ટ્રાફિક પોલિસ દ્વારા ટ્રાફિકના નિયમોનો ભંગ કરતાં વાહનચાલકો સામે ડ્રાઈવ યોજવામાં આવી છે. સ્પેશિયલ ડ્રાઇવમાં છેલ્લા 3 દિવસ દરમિયાન નંબર પ્લેટ વગરના વાહનો તેમજ કાળા કાચ વાળા વાહનો અને મોટા હેવી વાહનો નિયમ વિરુધ્ધ ચાલતા હોય તેની સામે કાર્યવાહી કરી કુલ 147 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે.
રાજકોટ ટ્રાફિક પોલીસે ગત તારીખ 19 સપ્ટેમ્બરના રોજ કુલ 25 વાહન ડિટેઇન કરવામાં આવ્યા હતા જેમાં 19 ટુ-વ્હિલર, 3 રીક્ષા, 4 ફોર વ્હિલર અને 1 હેવી વાહનનો સમાવેશ થાય છે. જયારે 20 સપ્ટેમ્બરના રોજ કુલ 137 વાહન ડિટેઇન કરવામાં આવ્યા હતા જેમાં 121 ટુ-વ્હિલર, 1 રિક્ષા, અને 15 ફોર વ્હિલરનો સમાવેશ થાય છે. તથા 21 સપ્ટેમ્બરના રોજ કુલ 55 વાહન ડિટેઇન કરવામાં આવ્યા હતા જેમાં 37 ટુ-વ્હિલર, 6 રીક્ષા, 9 ફોર વ્હિલર અને 3 હેવી વાહનનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે ડિટેઇન કરાયેલ વાહનોમાં 3 BMW કાર તેમજ 2 સ્કોર્પિયો કારનો પણ સમાવેશ થાય છે જેમાં નંબર પ્લેટ ન હોવાના કારણે ડિટેઇન કરવામાં આવી હતી. ડિટેઈન કરેલા વિવિધ વાહનોનો અગાઉનો રેકોર્ડ તપાસવામાં આવતા અનેક વાહનોના જૂના ચલણ પણ પેન્ડિંગ હોવાનું ધ્યાને આવતા પોલીસે કુલ 249 જૂના પેન્ડિંગ ચલણ ભરાવડાવી રૂ.1.19 લાખનો દંડ વસૂલ્યો હતો.


