રાજકોટ, 24 સપ્ટેમ્બર,2026 : Mid-day meal scheme workers have not received their salaries for 3 months રાજ્યમાં મધ્યાંહ્નન ભોજન યોજનાના કર્માચારીઓ છેલ્લા ત્રણ મહિનાના પગારથી વંચિત છે. આથી ગુજરાત રાજ્ય મધ્યાહ્નન ભોજન કર્મચારી મંડળ દ્વારા રાજ્ય સરકારને રજુઆત કરવામાં આવી છે. મધ્યાંહ્નન ભોજન યોજનાના કર્મચારીઓના અન્ય પડતર પ્રશ્નોના ઉકેલવાની માગણી કરવામાં આવી છે. જો માંગો સંતોષવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી છે.
રાજ્ય મધ્યાહ્નન ભોજન કર્મચારી મંડળના પ્રમુખ કિશોરચંદ્ર જોશીએ જણાવ્યું કે, 2006ની ગાઈડલાઈન મુજબ દર વર્ષે ગ્રાન્ટમાં 7.50%નો વાર્ષિક વધારો કરવો અનિવાર્ય છે. છતાં ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં આ નિયમ મુજબનો જરૂરી વધારો આપવામાં આવ્યો નથી. સરકારી અંદાજ મુજબ બજેટ ફાળવવામાં આવે છે પણ વાસ્તવિક ખર્ચમાં કાપ મૂકી કરોડો રૂપિયા બચાવી લેવાયા છે, જેના કારણે યોજનાનું સંચાલન ખોરવાઈ રહ્યું છે અને છેલ્લા 3 મહિનાથી કર્મચારીઓને માનદ વેતન પણ મળ્યું નથી. આ યોજનામાં સૌથી દુઃખદ બાબત છે કે, વર્ષ 1995માં રસોઈયા-કમ-હેલ્પર કર્મચારીઓનું માસિક માનદ વેતન માત્ર ₹ 1,000 નક્કી કરવામાં આવ્યું હતું. આજે 29 વર્ષથી વધુ સમય વિતી ગયો હોવા છતાં કેન્દ્ર સરકાર દ્વારા માનદ વેતનમાં 1 રૂપિયાનો પણ વધારો કર્યો નથી. મોંઘવારી કુદકે ને ભૂસકે વધી રહી છે ત્યારે આટલી મામુલી રકમમાં પરિવારનું ગુજરાન ચલાવવું અશક્ય બન્યું છે, જેનાથી કર્મચારીઓમાં ભારે રોષ અને માનસિક તણાવ જોવા મળી રહ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર’ યોજના હેઠળ પ્રાથમિક શાળાના 6થી 14 વર્ષના બાળકના ભોજન માટે માત્ર રૂપિયા 5 આપવામાં આવે છે, તો આંગણવાડીના નાના બાળકો માટે રૂપિયા 8 ફાળવાય છે. આજના જમાનામાં રૂ. 5માં શુદ્ધ, ગુણવત્તાયુક્ત અને પૌષ્ટિક ભોજન કઈ રીતે પીરસી શકાય? સરકારની આ નીતિના કારણે દેશના કરોડો નિર્દોષ બાળકોના આરોગ્ય અને પોષણ સાથે ખુલ્લેઆમ ચેડાં થઈ રહ્યા છે. આ અંગે કર્મચારી મંડળે સરકાર સમક્ષ રજૂઆત કરી છે કે નિયમ મુજબ વાર્ષિક 7.50 ટકા ગ્રાન્ટ વધારો તુરંત મંજૂર થાય, કર્મચારીઓને લઘુત્તમ વેતનની જોગવાઈ મુજબ સન્માનજનક વેતન મળે અને બાકી નીકળતો પગાર તાત્કાલિક આપવામાં આવે. જો આ ન્યાયી માંગણીઓ ઉકેલવામાં નહીં આવે તો આગામી સમયમાં તાલુકા અને જિલ્લા સ્તરે આવેદનપત્રો આપી ગાંધીનગરમાં મહારેલી અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે.


