Homeગુજરાતીગુજરાતસુરતમાં ગણેશ વિસર્જનને લીધે 25મી સપ્ટેમ્બરે BRTS-સિટી બસ સેવા બંધ રહેશે

સુરતમાં ગણેશ વિસર્જનને લીધે 25મી સપ્ટેમ્બરે BRTS-સિટી બસ સેવા બંધ રહેશે

સુરત, 24 સપ્ટેમ્બર,2026 BRTS-City Bus Service to remain closed on September 25th due to Ganesh Visarjan શહેરમાં કાલે શુક્રવારે તા 25  સપ્ટેમ્બર 2026ના રોજ ગણેશજીની પ્રતિમાઓની વિસર્જન યાત્રાઓ દરેક માર્ગો પર નિકળશે. આથી ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને વિસર્જન યાત્રામાં કોઈ અડચણ ન આવે તે હેતુથી શહેરની મ્યુનિ.સંચાલિત તમામ 13 BRTS અને 45 સિટી બસ બસ સેવા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.  રોજિંદા 2.5 લાખથી વધુ મુસાફરો આ જાહેર પરિવહન સેવાનો લાભ લે છે, જેથી મુસાફરોને અણધારી હાલાકી ન ભોગવવી પડે તે માટે તંત્ર દ્વારા નાગરિકોને આગોતરી વ્યવસ્થા કરવા અપીલ કરવામાં આવી છે.

શહેરના ટ્રાફિક વિભાગના સૂત્રોના કહેવા મુજબ શહેરમાં 25મી સપ્ટેમ્બરને શુક્રવારે ગણેશ વિસર્જન યાત્રાઓ નિકળશે. બાપાના વિસર્જનની યાત્રાઓ શહેરના અઠવાગેટ, SVNIT, અડાજણ, પાલ, ડભોલી, જહાંગીરાબાદ, ઉધના-મગદલ્લા રોડ, હજીરા અને અન્ય મુખ્ય માર્ગો પરથી નીકળશે. અને વિશાળ પ્રતિમાઓ કૃત્રિમ તળાવો અને કુદરતી ઓવારાઓ તરફ જશે. ભીડભાડવાળા વિસ્તારો, સર્કલો અને ઓવરબ્રિજ પર ભારે ટ્રાફિક અને ડાયવર્ઝન હોવાથી બસ ઓપરેશન ખોરવાઈ જવાની પૂરેપૂરી સંભાવના છે. સલામતીના કારણોસર અને કોઈ અણબનાવ ન બને તે માટે આ નિર્ણય લેવાયો છે.

સુરત મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરીજનોને 108 કિમીના ડેડિકેટેડ BRTS કોરિડોરમાં 385 બસો અને 418 કિમીના 45 સિટી રૂટ પર 440 બસો મારફતે રાહત દરે પરિવહન સેવા પૂરી પાડવામાં આવે છે. જો કે, 25 સપ્ટેમ્બરે સલામતી ખાતર આ તમામ 825 બસના પૈડા થંભી જશે. મુસાફરોને અગવડ ન પડે અને ગણેશ ભક્તો શાંતિપૂર્ણ રીતે વિસર્જન પૂર્ણ કરી શકે તે માટે સિટીલિંક દ્વારા બસ સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular