ભગવા વસ્ત્રોમાં સંસદ સંકુલમાં નૌટંકી કરનાર પપ્પુ યાદવ સામે કેસ દાખલ
નવી દિલ્હી, 1 ઓગસ્ટ, 2026: ભગવા વસ્ત્રોમાં સંસદ સંકુલમાં નૌટંકી કરનાર પપ્પુ યાદવ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. રામ મંદિરમાં કથિત દાન ચોરી કેસને લઈને સાંસદ પપ્પુ યાદવે સંસદમાં વિરોધ પ્રદર્શન કર્યું. તેમણે સાધુનો વેશ ધારણ કરીને પ્રદર્શન કર્યું, જેમાં રાહુલ ગાંધી સહિત વિપક્ષના અન્ય સાંસદો પણ જોડાયા હતા.
પપ્પુ યાદવના આવા સનાતનના અપમાન સમાન વિરોધ પ્રદર્શન બાદ દિલ્હીના જહાંગીરપુરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદકર્તા સૂર્ય મૈથિલ દ્વારા દાખલ કરવામાં આવેલી આ ફરિયાદમાં પપ્પુ યાદવ પર વિરોધ પ્રદર્શન દરમિયાન ધાર્મિક લાગણીઓને દુભાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ફરિયાદકર્તાએ એવો પણ આરોપ લગાવ્યો કે આ પ્રદર્શનને વિપક્ષી ‘ઈન્ડિ’ (INDI) ગઠબંધનના ઘણા નેતાઓનું સમર્થન પ્રાપ્ત હતું.
ધાર્મિક લાગણીઓનું કર્યું અપમાન
આ મામલે સૂર્ય મૈથિલે આરોપ લગાવ્યો કે પપ્પુ યાદવે સંસદ બહાર પોતાના પ્રદર્શન દરમિયાન ધાર્મિક પ્રતીકોનું અપમાન કર્યું. મૈથિલે કહ્યું, “આજે પપ્પુ યાદવે જે રીતે ભગવાનું અપમાન કર્યું અને સંસદ બહાર જે નૌટંકી કરી તેને રાહુલ ગાંધી, ડિમ્પલ યાદવ, અવધેશ કુમાર અને INDI ગઠબંધનના અન્ય સાંસદોનું સમર્થન મળ્યું હતું. આ નૌટંકી દરમિયાન પપ્પુ યાદવે ભગવાન રામ લલ્લા વિરાજમાનની તસવીર પણ પોતાના પગ નીચે મૂકી દીધી હતી. તેનાથી સનાતનીઓની લાગણીઓ દુભાઈ છે.”
તત્કાલ કાર્યવાહીની માંગ
તેમણે વધુમાં કહ્યું, “આના વિરોધમાં મેં જહાંગીરપુરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હું ગૃહમંત્રી અમિત શાહ, દિલ્હી પોલીસ કમિશનર, DCP નોર્થ, DCP નોર્થ વેસ્ટ, ACP જહાંગીરપુરી અને SHO જહાંગીરપુરી પાસે માંગ કરું છું કે ધાર્મિક લાગણીઓને પહોંચાડવા બદલ તે તમામ સામે તાત્કાલિક કાનૂની કાર્યવાહી કરવામાં આવે.”
સંસદ બહાર વિપક્ષે કર્યું પ્રદર્શન
ગઈકાલે શુક્રવાર 31 જુલાઈના રોજ સંસદ પરિસરમાં વિરોધનું એક દ્રશ્ય જોવા મળ્યું હતું. વિપક્ષી સાંસદોએ અસંખ્ય મુદ્દાઓ પર કેન્દ્ર સરકારને ઘેરવા માટે શેરી નાટક (નુક્કડ નાટક)નો સહારો લીધો હતો, જેમાં રામ મંદિરના દાનમાં કથિત “ચોરી”નો મુદ્દો મુખ્ય હતો. વિપક્ષે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાસે જવાબદેહીની પણ માંગ કરી હતી અને તેમને સંસદની કાર્યવાહીમાં સામેલ થવા તથા વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સામે તાજેતરમાં થયેલી પોલીસ કાર્યવાહી અંગે જવાબ આપવા કહ્યું હતું. આ પ્રદર્શન દરમિયાન પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવ ભગવા વસ્ત્રો પહેરીને આવ્યા હતા. તેઓ મંદિરના પૂજારીનું રૂપ ધારણ કરીને બેઠા હતા જે ભક્તો પાસેથી દાન એકઠું કરી રહ્યા હતા. તેમના હાથમાં અયોધ્યાના ભગવાન રામની તસવીર હતી.


