ગાંધીનગર, 19 સપ્ટેમ્બર, 2026 : Now 108 emergency ambulances will reach tribal areas in just 10 minutes ગુજરાતનાં આદિજાતિ વિસ્તારોમાં 108ની ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાનો રિસ્પોન્સ સમય ઘટાડવા માટે રાજ્ય સરકારનાં આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાતનાં અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારોમાં પણ હવે 108ની ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા માત્ર દસ મિનિટમાં જ પહોંચી જાય તે માટેનું વિશેષ આયોજન કર્યુ છે અને ટૂંક સમયમાં જ, આદિજાતિ વિસ્તારોની ભૌગોલિક પરિસ્થિતિને અનુકૂળ હોય એવી 89 નવી એમ્બ્યુલન્સો આ વિસ્તારોમાં મૂકવામાં આવશે.
આ કાર્ય દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વિઝનને આગળ ધપાવે છે અને દુર્ગમ વિસ્તારોમાં વસતા લાખો આદિજાતિ લોકોને આરોગ્યની સેવાઓ ઝડપથી મળે તેની મજબૂત વ્યવસ્થા ઉભી કરે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વ હેઠળ, રાજ્ય સરકારે ગુજરાતના અંતરિયાળ આદિજાતિ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ મજબૂત કરવા માટે અનેક પગલાં લીધા છે. ઇમરજન્સી એમ્બ્યુલન્સ નેટવર્કના આ નવા વિસ્તરણનો મુખ્ય ધ્યેય એ છે કે, ભૌગોલિક અવરોધોને કારણે આદિજાતિ સમુદાયોનાં લોકોને સમયસર અને જીવનરક્ષક તબીબી સેવા મળવામાં વિલંબ થશે નહીં.
નવી એમ્બ્યુલન્સોના ઉમેરા સાથે, પસંદ કરાયેલા આદિજાતિ વસ્તી ધરાવતા જિલ્લાઓમાં એમ્બ્યુલન્સોની હાલ સંખ્યા 553 થી વધીને 642 થઈ જશે.
આદિજાતિ વિસ્તારોમાં ઇમરજન્સી રિસ્પોન્સ ઝડપી બનાવવાનો પ્રયાસ
સમગ્ર રાજ્યમાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાનો સરેરાશ રિસ્પોન્સ ટાઈમ લગભગ 13 મિનિટ અને 9 સેકન્ડ છે. શહેરી વિસ્તારોમાં આ સમય અંદાજે 9 મિનિટ અને 55 સેકન્ડ છે, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં તે 16 મિનિટ અને 28 સેકન્ડ છે. જોકે, આદિજાતિ વિસ્તારોમાં ભૌગોલિક પરિસ્થિતિઓને કારણે, સરેરાશ ઇમરજન્સી રિસ્પોન્સ ટાઈમ અંદાજે 18 મિનિટ અને 32 સેકન્ડ છે.
રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય છે કે, નવી એમ્બ્યુલન્સનાં ઉમેરવાથી આદિજાતિ વિસ્તારોમાં ઇમરજન્સી રિસ્પોન્સ ટાઇમ ઘટાડીને રાજ્યનાં સરેરાશ રિસ્પોન્સ ટાઇમ સુધી લઇ આવવાનો છે. નવી એમ્બ્યુલન્સ સાથે, રાજ્યનો ઉદ્દેશ્ય આદિજાતિ વિસ્તારોમાં સરેરાશ ઇમરજન્સી રિસ્પોન્સ ટાઈમ હાલની 18 મિનિટ 32 સેકન્ડથી ઘટાડીને લગભગ 10 મિનિટ કરવાનો છે. આ પહેલથી હોસ્પિટલ પહોંચાડવાની ઝડપમાં પણ સુધારો થવાની અપેક્ષા છે.
રિસ્પોન્સ ટાઈમમાં થતો આ ઘટાડો આદિજાતિ અને બિન-આદિજાતિ વિસ્તારો વચ્ચેના વર્તમાન તફાવતને દૂર કરવામાં પણ મદદ કરશે અને એ સુનિશ્ચિત કરશે કે ભૌગોલિક રીતે પડકારજનક સ્થળોએ દર્દીઓને શક્ય તેટલી વહેલી તકે ઇમરજન્સી સહાય મળે.


