Homeગુજરાતીગુજરાતઅંબાજીમાં કાલથી ભાદરવી પૂનમનો મેળાનો થશે પ્રારંભ, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડશે

અંબાજીમાં કાલથી ભાદરવી પૂનમનો મેળાનો થશે પ્રારંભ, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડશે

ગાંધીનગર, 19 સપ્ટેમ્બર, 2026 : Bhadravi Poonam fair ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં તા. 20થી 26 સપ્ટેમ્બર, 2026 દરમિયાન યોજાનારા ભાદરવી પૂનમ મહામેળાને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન માટે અંબાજી પહોંચવાના હોવાથી યાત્રાળુઓની સુવિધા, સલામતી, સ્વચ્છતા અને સરળ અવરજવરને કેન્દ્રમાં રાખીને વિશાળ પાયે કામચલાઉ માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ સમગ્ર તંત્ર અંબાજી ખાતે ઉમટી રહેલા માઈભક્તોની સેવામાં સજ્જ છે. ગુજરાત સરકાર અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિવિધ વિભાગો સાથે સંકલન કરીને મહામેળા દરમિયાન યાત્રાળુઓને વધુ સારી સુવિધાઓ મળી રહે; તે માટે રેસ્ટ શેલ્ટર, પાર્કિંગ, શૌચાલય, પીવાનું પાણી, આરોગ્ય સેવા, સુરક્ષા વ્યવસ્થા, સીસીટીવી, મોબાઇલ ચાર્જિંગ અને ફ્રી ફૂડ શેલ્ટર સહિતની વિવિધ સુવિધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

                                    12,300 ચો.મી.ના રેસ્ટ શેલ્ટર, હજારો યાત્રાળુઓ માટે આરામની વ્યવસ્થા

મેળા દરમિયાન લાંબી યાત્રા કરીને આવતા ભક્તોને આરામ મળી રહે; તે માટે કુલ 12,300 ચો.મી. વિસ્તારમાં રેસ્ટ શેલ્ટર તૈયાર કરવામાં આવ્યા છે. હડાદ રૂટ પર 5 રેસ્ટ શેલ્ટરમાં આશરે 2,776 યાત્રાળુઓ માટે સિંગલ અને બંક બેડની સુવિધા ઉપલબ્ધ છે, જ્યારે દાંતા રૂટ પર 2 રેસ્ટ શેલ્ટરમાં આશરે 1,140 યાત્રાળુઓ માટે વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત; હડાદ રૂટ પર 600 ફ્લોર બેડિંગની ક્ષમતા ધરાવતો અલગ રેસ્ટ શેલ્ટર પણ તૈયાર કરવામાં આવ્યો છે.

                                  ભક્તો માટે ફ્રી ફૂડ શેલ્ટર અને 30 વોટર પેગોડા

અંબાજી મેળા દરમિયાન યાત્રાળુઓ માટે કુલ આશરે 2,190 ચો.મી. વિસ્તારમાં ફ્રી ફૂડ શેલ્ટર ઊભા કરવામાં આવ્યા છે. દાંતા રૂટ પર 2,000થી 2,500 વ્યક્તિઓની ક્ષમતા ધરાવતો, જ્યારે ગબ્બર રૂટ પર આશરે 500 વ્યક્તિઓની ક્ષમતા ધરાવતો ફ્રી ફૂડ શેલ્ટર ઉપલબ્ધ રહેશે. પીવાના પાણી માટે મુખ્ય હાઇવે અને યાત્રામાર્ગો પર કુલ 30 વોટર પેગોડા બનાવવાયા છે. તેમાં હડાદ રૂટ પર 13, દાંતા રૂટ પર 13 અને ગબ્બર રૂટ પર 4 પેગોડાનો સમાવેશ થાય છે.

                                         *સ્વચ્છતા માટે 33 ટોયલેટ બ્લોક*

લાખો યાત્રાળુઓની અવરજવરને ધ્યાનમાં રાખીને સ્વચ્છતા વ્યવસ્થા પણ સુદૃઢ કરવામાં આવી છે. રેસ્ટ શેલ્ટર ખાતે 8 ટોયલેટ બ્લોક બનાવાયા છે, જેમાં કુલ 80 બાથ યુનિટ, 80 WC યુનિટ, 24 યુરિનલ અને 32 હેન્ડવોશ યુનિટની વ્યવસ્થા છે. આ ઉપરાંત હાઇવે પર 14 ટોયલેટ બ્લોક અને મોટા પાર્કિંગ વિસ્તારોમાં 11 ટોયલેટ બ્લોકની વ્યવસ્થા કરાઈ છે. આમ કુલ 33 ટોયલેટ બ્લોક યાત્રાળુઓ માટે ઉપલબ્ધ રહેશે.

                                         *2.67 લાખ ચો.મી. વિસ્તારમાં પાર્કિંગ*

મહામેળા દરમિયાન મોટી સંખ્યામાં વાહનો અંબાજી પહોંચવાના હોવાથી વાહન વ્યવસ્થાપન માટે કુલ 2,67,265 ચો.મી. વિસ્તારમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. હડાદ રૂટ પર 17 અને દાંતા રૂટ પર 21 પાર્કિંગ વિસ્તારો ઉપલબ્ધ રહેશે.

                                  *આરોગ્ય અને ઇમરજન્સી સેવાઓ માટે વિશેષ વ્યવસ્થા*

યાત્રાળુઓને તાત્કાલિક તબીબી સહાય મળી રહે; તે માટે 6 ફર્સ્ટ એઇડ કાઉન્ટર અને 10 મેડિકલ/લોસ્ટ એન્ડ ફાઉન્ડ સેન્ટર કાર્યરત રહેશે. સલામતીના ભાગરૂપે 125 ફાયર એક્સ્ટિંગ્વિશર સહિત જરૂરી વિદ્યુત અને પ્રકાશ વ્યવસ્થાઓ પણ ગોઠવવાઈ છે. રેસ્ટ શેલ્ટરોમાં મલ્ટિપલ મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ્સ ઉપલબ્ધ રહેશે. સાથે જ નોંધણી પેગોડા, પાણીના કાઉન્ટર, માહિતી અને માર્ગદર્શન માટેના સાઇનેજ સહિતની વિવિધ સુવિધાઓ પણ છે.

મેળા દરમિયાન યાત્રાળુઓને માર્ગદર્શન મળી રહે અને અવરજવરમાં સરળતા રહે; તે માટે આશરે 4,000 ચો.મી. વિસ્તારમાં સાઇનેજ અને હોર્ડિંગ્સ મૂકવામાં આવ્યા છે. ઉપરાંત 6 વેલકમ આર્ચ, બોક્સ ટાવર, ક્યુ મેનેજર, બેરિકેડિંગ, એગ્રો નેટ અને રેડ કાર્પેટ જેવી વ્યવસ્થાઓ પણ કરાઈ છે. મેળાના ધાર્મિક અને સાંસ્કૃતિક વાતાવરણને અનુરૂપ એમ્બિયન્સ, ફ્લેગ પોલ્સ અને પોટેડ પ્લાન્ટ્સ દ્વારા સમગ્ર વિસ્તારને સુશોભિત કરવામાં આવ્યો છે.

સ્થાનિક કારીગરો અને વેપારીઓને વ્યવસાયિક તકો મળી રહે; તે માટે મેળા વિસ્તારમાં આશરે 1,300 ચો.મી. વિસ્તારમાં ક્રાફ્ટ સ્ટોલ્સ ઉભા કરાયા છે. તેમાં 2×3 મીટરના આશરે 216 સ્ટોલ્સનો સમાવેશ થાય છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular