HomeAgency Newsહિન્દી દિવસે મહત્ત્વની જાહેરાતઃ સુપ્રીમ કોર્ટના ચુકાદાના સારાંશ હવે હિન્દી ભાષામાં સાંભળી...

હિન્દી દિવસે મહત્ત્વની જાહેરાતઃ સુપ્રીમ કોર્ટના ચુકાદાના સારાંશ હવે હિન્દી ભાષામાં સાંભળી શકાશે

નવી દિલ્હી, 14 સપ્ટેમ્બર, 2026: – અદાલતની કામગીરીમાં હિન્દી ભાષાના ઉપયોગને લઈને લાંબા સમયથી માંગ ઉઠતી રહી છે. ત્યારે આજે સોમવારે હિન્દી દિવસના અવસરે સર્વોચ્ચ અદાલતે મોટી પહેલ કરી છે. સર્વોચ્ચ અદાલતે હિન્દીમાં નવી જાહેર માહિતી સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે. હવે નક્કી કરવામાં આવ્યું છે કે અદાલતના તમામ મહત્વપૂર્ણ ચુકાદાનો સરળ હિન્દીમાં સારાંશ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત આ ચુકાદાના હિન્દીમાં ઓડિયો અને વીડિયો બુલેટિન પણ ઉપલબ્ધ થશે. આ સેવા હેઠળ સુપ્રીમ કોર્ટના પસંદગીના મહત્વપૂર્ણ ચુકાદા અને આદેશોનો સરળ હિન્દીમાં સાર ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ ઉપરાંત રોજના લગભગ 15 થી 30 મિનિટના હિન્દી ઓડિયો અને વિડીયો બુલેટિન પણ ઉપલબ્ધ કરાવાશે. આ બુલેટિનમાં સુપ્રીમ કોર્ટના મહત્વપૂર્ણ ચુકાદાની માહિતી આપવામાં આવશે અને સંબંધિત અધિકૃત ચુકાદાની લિંક પણ ઉપલબ્ધ રહેશે. સુપ્રીમ કોર્ટના જણાવ્યા અનુસાર આ પહેલ સામાન્ય નાગરિકો, પક્ષકારો અને વિશેષ રૂપે દિવ્યાંગોની સુવિધા માટે કરવામાં આવી રહી છે. તેનો ઉદ્દેશ્ય લોકોને કોર્ટના મહત્વપૂર્ણ ચુકાદા, તેની અસર અને આગળની પ્રક્રિયાને તેમની પોતાની ભાષામાં સરળતાથી સમજવામાં મદદ કરવાનો છે.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે આ સેવા પહેલા હિન્દીમાં શરૂ થશે અને ત્યારબાદ તબક્કાવાર રીતે અન્ય ભારતીય ભાષાઓમાં પણ ઉપલબ્ધ કરાવવાની દિશામાં કામ કરવામાં આવશે. આનાથી અલગ-અલગ ભાષાકીય વિસ્તારોના નાગરિકો સુપ્રીમ કોર્ટના મહત્વપૂર્ણ ચુકાદાઓની સંક્ષિપ્ત અને સરળ માહિતી પોતાની ભાષામાં મેળવી શકશે. આ માટે જરૂરી વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવશે અને ત્યારબાદ હિન્દીમાં આ સેવા શરૂ કરાશે.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનો અનુવાદ પણ એક મોટો મુદ્દો રહ્યો છે. કેટલીકવાર ખોટા અનુવાદના કારણે ભ્રામક માહિતી પણ મીડિયા અને સોશિયલ મીડિયામાં પ્રસારિત થઈ જતી હોય છે. હવે જો સુપ્રીમ કોર્ટના સ્તરેથી જ અનુવાદ કરીને ચુકાદાઓનો સારાંશ રજૂ કરવામાં આવશે તો તેનાથી ખોટી માહિતી ફેલાતી અટકાવી શકાશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular