સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી મળશે
નવી દિલ્હી, 4 જુલાઈ, 2026 – સંસદના ચોમાસુ સત્રની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કિરન રિજિજુએ આજે શનિવારે આ અંગે જાહેરાત કરી હતી.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ 2026ના ચોમાસુ સત્રના બંને ગૃહની બેઠક યોજવાની મંજૂરી આપી છે. આ સત્ર 20 જુલાઈ, 2026ના રોજ શરૂ થશે અને 13 ઓગસ્ટ, 2026 સુધી ચાલશે. આ સત્ર દરમિયાન કેટલાક રાષ્ટ્રીય મહત્ત્વના કાયદા પસાર થશે એવું માનવામાં આવે છે.
On the recommendation of the Govt of India, Hon’ble President, Smt. Droupadi Murmu ji has approved the summoning of both the Houses of Parliament for the Monsoon Session 2026.
The Session will commence on 20 July, 2026 and continue till 13 August, 2026 for meaningful debate,… pic.twitter.com/TaEYH4F1cK— Kiren Rijiju (@KirenRijiju) July 4, 2026
એવું માનવામાં આવી રહ્યું છે કે એનડીએ સરકાર આ ચોમાસુ સત્રમાં મહિલા અનામત (સુધારા) ખરડો, ડીલિમિટેશન ખરડો તથા લોકપ્રતિનિધિત્વ કાયદામાં (સુધારા) ખરડો પસાર કરાવવા પ્રયાસ કરશે. તેની સામે વિરોધ પક્ષો પણ રામ મંદિર દાન ચોરી, પરીક્ષાઓમાં પેપર લીક જેવા મુદ્દા ઉઠાવીને સરકારને ઘેરવા પ્રયાસ કરશે.
પાછલા વર્ષે 32 દિવસ સુધી ચાલ્યું હતું સત્ર
વર્ષ 2025 માં સંસદનું ચોમાસુ સત્ર 32 દિવસ સુધી ચાલ્યું હતું. આ સત્ર 21 જુલાઈ 2025 થી 21 ઓગસ્ટ 2025 સુધી આયોજિત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બંને ગૃહોમાં 15 વિધેયક પસાર કરવામાં આવ્યા હતા. આ વખતે ચોમાસુ સત્ર પાછલા વર્ષની સરખામણીએ ટૂંકું હશે. આ વખતે ચોમાસુ સત્ર 24 દિવસનું નિર્ધારિત કરવામાં આવ્યું છે.
ટીએમસી અને યુબીટીના બાગીઓ પર સ્પીકર લઈ શકે છે નિર્ણય
મમતા બેનર્જીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT)માં ભંગાણ બાદ સંસદનું આ પ્રથમ સત્ર હશે. TMC માં લોકસભાના 28 માંથી 20 સભ્યોએ પાર્ટી લીડરશિપ સામે બળવો કરી દીધો છે અને સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વવાળા એનડીએ (NDA)ને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. તેવી જ રીતે UBTના 9 લોકસભા સાંસદોમાંથી 6 એકનાથ શિંદેની શિવસેનામાં સામેલ થઈ ગયા છે. આનાથી નીચલા ગૃહમાં NDA નું સંખ્યાબળ મજબૂત થયું છે. જો કે, અલગ જૂથ તરીકે માન્યતા આપવાની માંગ કરનારા બાગી TMC અને UBT સભ્યો પર લોકસભા સ્પીકર ઓમ બિરલાના નિર્ણયની હજુ પણ રાહ જોવાઈ રહી છે.
રાજ્યસભામાં વધી એનડીએના સભ્યોની સંખ્યા
રાજ્યસભાની વાત કરીએ તો, ઉચ્ચ ગૃહની તાજેતરની ચૂંટણીઓ બાદ એનડીએના સભ્યોની સંખ્યા વધી છે. આ સત્ર સત્તાધારી ગઠબંધન અને INDI બ્લોક, બંને માટે મહત્ત્વનું સાબિત થઈ શકે છે, કારણ કે બજેટ સત્ર નિરાશાજનક રહ્યું હતું અને બંધારણ સુધારો બિલ લોકસભામાંથી પસાર થઈ શક્યું ન હતું. કેટલાક અસમર્થિત અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે સરકાર આ સત્રમાં આ બિલ ફરીથી લાવી શકે છે. જો કે, આ અંગે કોઈ સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી.


