નવી દિલ્હી, 6 ઓક્ટોબર 2026: ભારત અને સ્વિટ્ઝર્લેન્ડ વચ્ચે વિજ્ઞાન, ટેકનોલોજી, સંશોધન અને ઇનોવેશન જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં લાંબા ગાળાના દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે નવી દિલ્હી ખાતે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભારી) ડૉ. જિતેન્દ્ર સિંહ અને સ્વિસ કન્ફેડરેશનના રાષ્ટ્રપતિ મહામહિમ ગાય પરમેલિન વચ્ચે યોજાયેલી આ બેઠકમાં બંને દેશો વચ્ચેના સંસ્થાકીય જોડાણને વધુ માળખાગત રૂપ આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
બેઠક દરમિયાન ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે ભારત વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં મિશન-મોડ અને આંતરશાખાકીય અભિગમ સાથે આગળ વધી રહ્યું છે. રાષ્ટ્રીય કાર્યક્રમો હેઠળ વિવિધ મંત્રાલયો અને વિષયોના નિષ્ણાતોને એક મંચ પર લાવવામાં આવી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) માત્ર એક અલગ વિષય નથી પરંતુ તમામ વૈજ્ઞાનિક ક્ષેત્રોને સક્ષમ બનાવતું એક શક્તિશાળી માધ્યમ છે. આ ઉપરાંત તેમણે બાયોટેકનોલોજી, જીનોમ સીક્વન્સિંગ, ક્વોન્ટમ ટેકનોલોજી, સ્પેસ રિસર્ચ, ડીપ ઓશિન રિસર્ચ તેમજ બ્લુ અને બાયો-ઈકોનોમીમાં ભારતની વધતી પ્રાથમિકતાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઇન્ડો-સ્વિસ રિસર્ચ ફ્રેમવર્ક (ISRF) અને જોઈન્ટ સાયન્ટિફિક બોર્ડ તરફ થઈ રહેલી પ્રગતિને આવકારી હતી. સ્વિસ નેશનલ સાયન્સ ફાઉન્ડેશન (SNSF) અને ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (DST) વચ્ચેના ‘લેટર ઓફ ઇન્ટેન્ટ’ તથા ZHAW અને DST વચ્ચેના કરારથી બંને દેશોના સંશોધકો માટે નવી તકો ઊભી થશે તેમ તેમણે ઉમેર્યું હતું.
-
સ્વિટ્ઝર્લેન્ડે CHF 45 મિલિયનની ફાળવણી કરી
સ્વિસ રાષ્ટ્રપતિ ગાય પરમેલિને ભારતને વિશ્વ સ્તરે ઝડપથી ઉભરતી સંશોધન અને વિકાસ (R&D) શક્તિ તરીકે બિરદાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સ્વિટ્ઝર્લેન્ડ શિક્ષણ અને ઇનોવેશન ક્ષેત્રે ભારતનું વિશ્વસનીય અને લાંબા ગાળાનું ભાગીદાર બનવા આતુર છે. 2003ના દ્વિપક્ષીય વિજ્ઞાન અને ટેકનોલોજી કરારને યાદ કરતા તેમણે આ ભાગીદારીને વધુ વ્યાપક બનાવવા માટે સ્વિટ્ઝર્લેન્ડ તરફથી CHF 45 મિલિયન (આશરે 4.5 કરોડ સ્વિસ ફ્રાંક) ની રકમ ફાળવવાની જાહેરાત કરી હતી. રાષ્ટ્રપતિ પરમેલિને એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે AI નો લાભ ‘ગ્લોબલ સાઉથ’ના દેશો સુધી પહોંચવો જોઈએ. તેમણે ભારતને આગામી ‘જીનિવા AI સમિટ’માં ભાગ લેવા માટે સત્તાવાર આમંત્રણ પાઠવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારત અને સ્વિટ્ઝર્લેન્ડ વચ્ચે છેલ્લા બે દાયકાથી વધુ સમયથી વૈજ્ઞાનિક સહયોગ કાર્યરત છે. ક્લીન ટેકનોલોજી, પુનઃપ્રાપ્ય ઊર્જા, એડવાન્સ્ડ મટિરિયલ્સ, ફાર્માસ્યુટિકલ્સ, મહામારી સજ્જતા અને સ્પેસ ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં બંને દેશો સંયુક્ત રીતે કામ કરી રહ્યા છે. નવું રિસર્ચ ફ્રેમવર્ક આ સહયોગને માત્ર પ્રોજેક્ટ પૂરતો મર્યાદિત ન રાખતા વધુ વ્યૂહાત્મક અને સિસ્ટમ-સ્તરની ભાગીદારીમાં પરિવર્તિત કરશે.
આ દ્વિપક્ષીય બેઠકમાં સ્વિસ પક્ષ તરફથી SERIના સ્ટેટ સેક્રેટરી ડૉ. માર્ટિના હિરાયામા, ભારત ખાતેના સ્વિસ રાજદૂત માયા તિસ્સાફી સહિત વિવિધ શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ભારતીય ડેલીગેશનમાં DST સચિવ પ્રો. ઉમેશ વી. વાઘમારે, બાયોટેકનોલોજી વિભાગના સચિવ ડૉ. રાજેશ સુધીર ગોખલે અને અન્ય સિનિયર અધિકારીઓ હાજર રહ્યા હતા.


