1. Home
  2. revoinews
  3. જનજાતીય અસ્મિતા, સંસ્કૃતિ અને બંધારણીય અધિકારોના રક્ષણનું રાષ્ટ્રીય આહ્વાન
જનજાતીય અસ્મિતા, સંસ્કૃતિ અને બંધારણીય અધિકારોના રક્ષણનું રાષ્ટ્રીય આહ્વાન

જનજાતીય અસ્મિતા, સંસ્કૃતિ અને બંધારણીય અધિકારોના રક્ષણનું રાષ્ટ્રીય આહ્વાન

0
Social Share

ગુજરાતમાંથી 4455 સહિત દેશભરના જનજાતિ સમુદાયના દોઢ લાખથી વધુ લોકોએ લાલકિલ્લા મેદાનમાં એકત્ર થઈને  એકત્ર થઈને જનજાતીય સમાજની સાંસ્કૃતિક ઓળખ, પરંપરાગત આસ્થા, બંધારણીય અધિકારો અને સામાજિક ન્યાયના રક્ષણ માટે અસરકારક પગલાં ભરવાના રાષ્ટ્રીય આહ્વાન કર્યું

[અલકેશ પટેલ] અમદાવાદ, 13 જૂન, 2026 જનજાતીય અસ્મિતા, સંસ્કૃતિ અને બંધારણીય અધિકારોના રક્ષણ માટે અવાજ વધુને વધુ બુલંદ થઈ રહ્યો છે. તાજેતરમાં દિલ્હીમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી એકત્ર થયેલા દોઢ લાખ કરતાં વધુ જનજાતિ જનમેદનીએ ડી-લિસ્ટિંગની પોતાની 70 કરતાં વધઉ વર્ષ જૂની માગણી દોહરાવી હતી. સાથે જ લોકુર સમિતિની ભલામણ અનુસાર સામાજિક વ્યવસ્થા નિશ્ચિત કરવાની માગણીનો પુનરોચ્ચાર કર્યો હતો.

આ અંગે આજે શનિવારે અહીં માહિતી આપતા જનજાતિ સુરક્ષા મંચના શ્રી રતિભાઈ, શ્રી પરેશભાઈ રાઠવા તથા શ્રી બળવંતસિંહે જણાવ્યું હતું કે, રાજધાની દિલ્હીમાં બે દિવસના જનજાતિ મહાસંમેલનને અંતે રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મૂર્મૂ તથા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવેદનપત્ર આપીને જનજાતિ સમુદાયની દાયકાઓ જૂની માગણીનો સ્વીકાર કરવા રજૂઆત કરવામાં આવી હતી.

National call for protection of tribal identity, culture and constitutional rights
National call for protection of tribal identity, culture and constitutional rights

જનજાતિ સમાગમ 2026

દિલ્હીમાં યોજાયેલા જનજાતિ સમાગમ-2026 વિશે માહિતી આપતા આ અગ્રણીઓએ જણાવ્યું કે, ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી વર્ષની ઉજવણીના ભાગરૂપે 24 મેના રોજ દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા મેદાનમાં આયોજિત આ ભવ્ય સમારંભ જનજાતીય સંસ્કૃતિ, પરંપરા, આસ્થા અને અસ્મિતાનું એક વિશાળ રાષ્ટ્રીય પ્રતીક બની રહ્યો હતો. ગુજરાત સહિત દેશભરના 500થી વધુ જનજાતીય સમુદાયોમાંથી આવેલા લાખો જનજાતીય ભાઈ-બહેનો પરંપરાગત પોશાક, લોકગીતો, લોકનાૃત્યો, વાદ્યો અને સાંસ્કૃતિક પ્રતીકો સાથે આ સમાગમમાં સહભાગી થયા હતા.

જનજાતીય સમાજ ભારતની સાંસ્કૃતિક ચેતનાનું પ્રાચીન અને જીવંત સ્વરૂપ

સમાગમમાં ઉપસ્થિત વક્તાઓએ જણાવ્યું હતું કે જનજાતીય સમાજ માત્ર પ્રકૃતિનો રક્ષક નથી, પરંતુ ભારતની સાંસ્કૃતિક ચેતનાનું પ્રાચીન અને જીવંત સ્વરૂપ છે. સદીઓથી જનજાતીય સમાજ જળ, જંગલ અને જમીનની રક્ષા કરીને પ્રકૃતિ અને માનવ જીવન વચ્ચે સંતુલન જાળવવાનો માર્ગ બતાવતો રહ્યો છે. આજે જ્યારે સમગ્ર વિશ્વ પર્યાવરણીય કટોકટી સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે જનજાતીય જીવન-દર્શન ટકાઉ વિકાસ (Sustainable Development) નો એક પ્રેરણાદાયી મોડેલ રજૂ કરે છે.

National call for protection of tribal identity, culture and constitutional rights
National call for protection of tribal identity, culture and constitutional rights

75 વર્ષથી પડતર રહેલી એ ન્યાયી માંગણીની રાષ્ટ્રીય પુનઃપુષ્ટિ

‘જનજાતિ સુરક્ષા મંચ’ના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે આ સમાગમ માત્ર એક સાંસ્કૃતિક આયોજન નથી, પરંતુ 75 વર્ષથી પડતર રહેલી એ ન્યાયી માંગણીની રાષ્ટ્રીય પુનઃપુષ્ટિ છે, જેની રાહ આજે પણ દેશનો સમગ્ર જનજાતીય સમાજ જોઈ રહ્યો છે. મંચે જણાવ્યું કે જનજાતીય ઓળખ એ માત્ર બંધારણીય યાદીનો વિષય નથી, પરંતુ તે પરંપરાગત આસ્થા, સંસ્કૃતિ, રીત-રિવાજો, સામાજિક પરંપરાઓ અને સામુદાયિક જીવનશૈલી સાથે ઊંડાણપૂર્વક જોડાયેલો પ્રશ્ન છે.

મંચે સ્પષ્ટ કર્યું કે જે વ્યક્તિ પોતાની પરંપરાગત જનજાતીય આસ્થા, સંસ્કૃતિ, રીત-રિવાજો અને સામાજિક આચરણનો ત્યાગ કરી દે છે, તેને અનુસૂચિત જનજાતિ (ST) નો બંધારણીય દરજ્જો અને તેનાથી મળતા લાભો મળવા જોઈએ નહીં. મંચના જણાવ્યા અનુસાર, “આસ્થાનો ત્યાગ એ સંસ્કૃતિનો ત્યાગ છે, અને સંસ્કૃતિનો ત્યાગ એ ઓળખનો ત્યાગ છે.”

આ વિષય પર એક સ્પષ્ટ, સરળ અને અસરકારક કાનૂની વ્યવસ્થાની જરૂર

મંચે વિવિધ અદાલતી ચુકાદાનો ઉલ્લેખ કરતા કહ્યું કે અદાલતોએ પણ સ્વીકાર્યું છે કે જો ધર્માંતરણ પછી કોઈ વ્યક્તિ પોતાના સમુદાયની પરંપરાઓ, સામાજિક આચરણ અને સાંસ્કૃતિક જીવનશૈલીથી સંપૂર્ણપણે વિખૂટો પડી જાય છે, તો તેની જનજાતીય ઓળખના પ્રશ્નની તપાસ સક્ષમ સત્તાધિકારીઓ દ્વારા થવી જોઈએ. પરંતુ વ્યવહારિક સ્તરે દરેક મામલાને અલગ-અલગ સક્ષમ સત્તાધિકારી કે અદાલત સમક્ષ લઈ જવો એ સામાન્ય જનજાતીય વ્યક્તિ માટે અત્યંત મુશ્કેલ અને અવાસ્તવિક છે. તેથી આ વિષય પર એક સ્પષ્ટ, સરળ અને અસરકારક કાનૂની વ્યવસ્થાની જરૂર છે.

National call for protection of tribal identity, culture and constitutional rights
National call for protection of tribal identity, culture and constitutional rights

અગ્રણીઓએ માહિતી આપી કે, ‘જનજાતિ સુરક્ષા મંચ’એ યાદ અપાવ્યું કે એપ્રિલ-મે 2009-10 દરમિયાન 26 રાજ્યોના 293 જિલ્લાઓ અને 26,253 ગામોમાં વ્યાપક અભિયાન ચલાવીને પુખ્ત જનજાતીય સભ્યો પાસેથી 27.67 લાખ સહીઓ એકત્રિત કરવામાં આવી હતી. આ સહીઓ સંબંધિત જિલ્લા કલેક્ટરો અને રાજ્યપાલોના માધ્યમથી મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને મોકલવામાં આવી હતી. ત્યારબાદ 18 જાન્યુઆરી 2010 ના રોજ વરિષ્ઠ જનજાતીય નેતાઓએ તત્કાલીન રાષ્ટ્રપતિશ્રીની મુલાકાત લઈને આ વિષય પર વહેલી તકે નિર્ણય લેવા વિનંતી કરી હતી.

‘જનજાતિ સુરક્ષા મંચે’ જણાવ્યા અનુસાર વર્ષ 2011 થી અત્યાર સુધી ગ્રામ સંપર્ક અભિયાન, રેલીઓ, જિલ્લા સંમેલનો, 21 રાજ્યોમાં વિવિધ કાર્યક્રમો, વડાપ્રધાનશ્રીને 570 લાખ પોસ્ટકાર્ડ તેમજ અંદાજે 450 સાંસદો સાથે સીધા સંવાદ દ્વારા આ અભિયાન સતત ચલાવવામાં આવી રહ્યું છે.

મહામહિમ રાષ્ટ્રપતિ તથા વડાપ્રધાન સમક્ષ રજૂઆત

જનજાતિ સુરક્ષા મંચ‘ના એક પ્રતિનિધિમંડળે 28 મે 2026 ના રોજ નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુની મુલાકાત લીધી હતી. પ્રતિનિધિમંડળે માનનીય વડાપ્રધાનશ્રીને જનજાતીય કલ્યાણ સંબંધિત મહત્વપૂર્ણ કાનૂની અને બંધારણીય પ્રશ્નોથી માહિતગાર કર્યા હતા. આ ચર્ચા મુખ્યત્વે ત્રણ મુખ્ય માંગણીઓ પર કેન્દ્રિત હતી, જેને મંચ છેલ્લા બે દાયકાથી ઉઠાવી રહ્યું છે:

પ્રથમ: લોકુર સમિતિના માપદંડોને અનુરૂપ “અનુસૂચિત જનજાતિ” ની સ્પષ્ટ કાનૂની વ્યાખ્યા નક્કી કરવામાં આવે, જે વર્તમાન સામાજિક વાસ્તવિકતાઓને અનુરૂપ હોય.

દ્વિતીય: સંવિધાન (અનુસૂચિત જાતિ) આદેશ, 1950 ની જેમ જ સંવિધાન (અનુસૂચિત જનજાતિ) આદેશ, 1950 માં પણ જરૂરી સુધારો અથવા સ્પષ્ટીકરણ કરવામાં આવે, જેથી એ સ્પષ્ટ થઈ શકે કે જે વ્યક્તિ ધર્માંતરણ પછી પોતાની પરંપરાગત જનજાતીય આસ્થા, સંસ્કૃતિ, રીત-રિવાજો અને જીવનશૈલીનો પરિત્યાગ કરી દે છે, તેને અનુસૂચિત જનજાતિના સભ્ય ગણવામાં આવશે નહીં.

તૃતીય: જનજાતીય સમુદાયોની સાંસ્કૃતિક અસ્મિતા અને બંધારણીય અધિકારોના રક્ષણનો લાંબા ગાળાનો પ્રશ્ન, જેના પર માનનીય સર્વોચ્ચ અદાલતે (Supreme Court) ‘ચંદ્રમોહન વિરુદ્ધ રાજ્ય (2004)’ તેમજ તાજેતરમાં જ ‘ચિંતદા આનંદ વિરુદ્ધ આંધ્રપ્રદેશ રાજ્ય (2025 INSC 283)’ માં પણ વિચારણા કરી છે.

ધર્માંતરિત વ્યક્તિઓ ખોટી રીતે બે તરફી લાભ લઈ રહ્યા છે

મંચે ધ્યાન દોર્યું કે અંદાજે 12 કરોડની કુલ જનજાતીય વસ્તીમાંથી આશરે 1.5 થી 2 કરોડ લોકો ઈસાઈ (ખ્રિસ્તી) ધર્મમાં ધર્માંતરણ કરી ચૂક્યા છે. અનેક કિસ્સાઓમાં ધર્માંતરીત જનજાતીય વ્યક્તિઓ એક તરફ અનુસૂચિત જનજાતિ (ST) અનામતનો લાભ મેળવી રહ્યા છે અને બીજી તરફ લઘુમતી કલ્યાણ યોજનાઓનો પણ બેવડો લાભ ઉઠાવી રહ્યા છે, જે બંધારણીય સમાનતા અને સામાજિક ન્યાયની મૂળ ભાવનાની વિરુદ્ધ છે. આ માંગણી સૌપ્રથમ 1970 માં સ્વર્ગસ્થ ડૉ. કાર્તિક ઉરાંવ દ્વારા સંસદમાં ઉઠાવવામાં આવી હતી, જેને તે સમયે 235 સાંસદોનું સમર્થન મળ્યું હતું. ત્યારથી આ પ્રશ્ન છેલ્લા 55 વર્ષથી વધુ સમયથી વિલંબમાં છે.

પ્રતિનિધિમંડળે મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને આગ્રહ કર્યો હતો કે આ વિષયને ‘રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ’ સમક્ષ તેના બંધારણીય જનાદેશ (Mandate) મુજબ તપાસ અને જરૂરી ભલામણો માટે મોકલવામાં આવે તથા સંવિધાન (અનુસૂચિત જનજાતિ) આદેશ, 1950 માં યોગ્ય સુધારો કરીને સામાન્ય જનજાતીય નાગરિકને દરેક મામલામાં અલગ ન્યાયિક કાર્યવાહીની મજબૂરીમાંથી મુક્તિ અપાવવામાં આવે.

કરોડો જનજાતીય લોકોની સાંસ્કૃતિક અસ્મિતા, પરંપરા અને અસ્તિત્વ સાથે જોડાયેલો પ્રશ્ન

મંચે જણાવ્યું કે આ વિષય માત્ર અનામત કે કાનૂની અર્થઘટનનો નથી, પરંતુ કરોડો જનજાતીય લોકોની સાંસ્કૃતિક અસ્મિતા, પરંપરા અને અસ્તિત્વ સાથે જોડાયેલો પ્રશ્ન છે. જનજાતીય સમાજે 55 વર્ષથી વધુ સમય સુધી શાંતિપૂર્વક રાહ જોઈ છે; હવે સમય આવી ગયો છે કે તેમની આ ન્યાયી માંગ પર વહેલી તકે અને હકારાત્મક નિર્ણય લેવામાં આવે.

રાજધાની દિલ્હીમાં જનજાતીય સંસ્કૃતિનો અદ્ભુત નજારો

ભારત સરકારને રજૂઆત કરતા પહેલાં દેશભરમાંથી એકત્ર થયેલા સમુદાયનો રાજધાની દિલ્હીના માર્ગો પર જનજાતીય સંસ્કૃતિનો અદ્ભુત નજારો ત્યારે જોવા મળ્યો હતો. રાજઘાટ ચોક, રામલીલા મેદાન, અજમેરી ગેટ ચોક, કુદસિયા બાગ અને શ્યામગિરી મંદિર સહિતના વિવિધ સ્થળોએથી વિશાળ શોભાયાત્રાઓ શરૂ થઈને લાલ કિલ્લા મેદાન પહોંચી હતી. લેહ-લદ્દાખથી લઈને કન્યાકુમારી સુધીના જનજાતીય સમાજે પોતાના પોશાક, લોકધૂન, માંદર-ઢોલ, પરંપરાગત નૃત્ય અને સાંસ્કૃતિક અભિવ્યક્તિઓ દ્વારા ભારતના જનજાતીય વારસાની જીવંત ઝાંખી રજૂ કરી હતી.

આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જનજાતીય સમાજની આસ્થા, સંસ્કૃતિ, પ્રકૃતિ-પૂજા, જળ-જંગલ-જમીન અને જીવનશૈલીને ભારતની સાંસ્કૃતિક આત્મા સાથે જોડાયેલી ગણાવતા કહ્યું કે, આ સમાગમ આવનારા વર્ષોમાં જનજાતીય સમાજના મહાકુંભ તરીકે યાદ રાખવામાં આવશે. તેમણે ઉમેર્યું કે જનજાતીય સમાજે કોઈપણ લેખિત નિયમો વિના પોતાના જીવનમાં “વિવિધતામાં એકતા” અને “એકતામાં વિવિધતા” ના મંત્રને સાકાર કર્યો છે.

આ સમાગમનું સમાપન જનજાતીય સમાજની સાંસ્કૃતિક ઓળખ, પરંપરાગત આસ્થા, બંધારણીય અધિકારો અને સામાજિક ન્યાયના રક્ષણ માટે અસરકારક પગલાં ભરવાના રાષ્ટ્રીય આહ્વાન સાથે થયું હતું.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code