યુએસ નેવીની કાર્યવાહીમાં 3 ભારતીય નાવિકોના મોત, વિદેશ મંત્રી જયશંકરે વ્યક્ત કરી નારાજગી
નવી દિલ્હી, 13 જૂન 2026: અમેરિકી નૌસેનાની સૈન્ય કાર્યવાહીમાં ત્રણ ભારતીય નાવિકોના કરુણ મોતને પગલે ભારત અને અમેરિકા વચ્ચે કૂટનીતિક તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. આ ગંભીર ઘટના અંગે ભારતે આકરા શબ્દોમાં પોતાનો વિરોધ નોંધાવ્યો છે. ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે ફોન પર વાતચીત કરીને ખાડી વિસ્તારમાં યુએસ નેવી દ્વારા કરવામાં આવેલા હુમલા અંગે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો.
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે અમેરિકી વિદેશ મંત્રી સાથેની વાતચીત અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર એક પોસ્ટ શેર કરી માહિતી આપી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, “કોમર્શિયલ શિપિંગ (વ્યાપારી જહાજો) વિરુદ્ધ આવી જીવલેણ અને હિંસક કાર્યવાહી કોઈપણ સંજોગોમાં યોગ્ય નથી.” અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ સપ્તાહે ઓમાનના દરિયાકાંઠા નજીક ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા ત્રણ વ્યાપારી જહાજો પર હુમલા થયા હતા. આ હુમલાઓ પૈકી બુધવારે થયેલા એક હુમલામાં ત્રણ નિર્દોષ ભારતીય નાવિકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. વિદેશ મંત્રી ડો. એસ.જયશંકરએ જણાવ્યું હતું કે, “મેં અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે વાત કરી છે. ખાડી વિસ્તારમાં યુએસ નેવીના હુમલામાં ત્રણ ભારતીય નાવિકોના મોત અંગે મેં ભારત વતી કડક વિરોધ પુનઃ વ્યક્ત કર્યો છે.”
-
દિલ્હીમાં અમેરિકી રાજદ્વારીને તેડું
આ મામલાની ગંભીરતાને જોતાં ભારતે નવી દિલ્હીમાં સ્થિત અમેરિકી દૂતાવાસના ચાર્જ ડી’અફેર્સ (કાર્યવાહક પ્રમુખ) ને વિદેશ મંત્રાલયમાં તલબ કર્યા હતા અને આ ઘટના અંગે સત્તાવાર રીતે ભારતનો સખત વિરોધ પત્ર સોંપ્યો હતો. આ લોહિયાળ ઘટના પહેલા, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક પોસ્ટ કરીને આડકતરો ઈશારો કર્યો હતો. ટ્રમ્પે ઈરાન પર હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહેલા ભારતીય જહાજો પર ડ્રોન હુમલા કરવાનો આરોપ લગાવ્યો હતો. ટ્રમ્પે લખ્યું હતું કે, “હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા ભારતીય જહાજો પર તેમના (ઈરાન) દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલા બિલકુલ સ્વીકાર્ય નથી. તેમણે વહેલી તકે પોતાની હરકતો સુધારી લેવી જોઈએ.” જો કે, વાસ્તવિક ઘટનામાં યુએસ નેવીની સંડોવણી સામે આવ્યા બાદ હવે ભારત અને અમેરિકાના દ્વિપક્ષીય સંબંધોમાં ખટાશ આવવાની આશંકા સેવાઈ રહી છે.


