નેતન્યાહૂનો દાવો: હું જીવતો છું ત્યાં સુધી ઈરાન પરમાણુ બોમ્બ નહીં બનાવી શકે
તેલ અવીવ , 13 જૂન 2026: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકા અને ઈરાન વચ્ચે સંભવિત પરમાણુ કરારને લઈને આશા વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે હવે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ આ સંભવિત ડીલને પોતાની મોટી સફળતા તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. રાજકીય વિશ્લેષકોના મતે, નેતન્યાહૂ કદાચ આંતરિક રાજનીતિમાં પોતાના રાજકીય નુકસાનને ઓછું કરવા માટે આવો દાવો કરી રહ્યા છે.
નેતન્યાહૂની ઓફિસ દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં વડાપ્રધાને પ્રતિજ્ઞા લેતા વચન આપ્યું હતું કે, “જ્યાં સુધી હું ઈઝરાયેલનો વડાપ્રધાન છું, ત્યાં સુધી ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર હાંસલ નહીં કરી શકે.” ઈઝરાયેલી વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, “આ ગંભીર મુદ્દા પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને મારી વચ્ચે સંપૂર્ણ સહમતિ છે.” નેતન્યાહૂએ દાવો કર્યો છે કે તેઓ છેલ્લા ત્રણ દાયકા કરતાં વધુ સમયથી ઈરાનના પરમાણુ કાર્યક્રમો સામે આંતરરાષ્ટ્રીય સ્તરે લડતનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, “જો આ સંઘર્ષ અને વિરોધ ન હોત, તો ઈરાને ઘણા સમય પહેલા જ ઈઝરાયેલનો નાશ કરવા માટે પરમાણુ બોમ્બ મેળવી લીધો હોત. ઈરાન આ યહૂદી દેશને નકશામાંથી ભૂંસી નાખવા માંગે છે અને મેં તેમને રોકવા માટે મારું જીવન સમર્પિત કરી દીધું છે.”
એક તરફ ટ્રમ્પ અને નેતન્યાહૂ આ સંભવિત કરારને પોતાની જીત તરીકે દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, તો બીજી તરફ ઈરાને પણ નમતું જોખવાનો ઇનકાર કરીને પોતાની શરતો સ્પષ્ટ કરી દીધી છે. ઈરાનની સત્તાવાર ન્યૂઝ એજન્સી ‘IRNA’ ના અહેવાલ મુજબ, 60 દિવસના સમયગાળા દરમિયાન વોશિંગ્ટન (અમેરિકા) અને તેહરાન (ઈરાન) ત્રણ પડતર મુદ્દાઓ ઉકેલવાનો પ્રયાસ કરશે, જેનો વર્તમાન સમજૂતી પત્રમાં ઉલ્લેખ નથી.
-
ઈરાનની મુખ્ય ત્રણ શરતો:
દેશના શાંતિપૂર્ણ પરમાણુ કાર્યક્રમને અવરોધ વિના ચાલુ રાખવો.
ઈરાન પર લાદવામાં આવેલા તમામ આંતરરાષ્ટ્રીય આર્થિક પ્રતિબંધો હટાવવા.
પ્રતિબંધોથી થયેલા આર્થિક નુકસાનની ભરપાઈ માટે ચોક્કસ વ્યવસ્થા ઊભી કરવી.
ઈરાને સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી તેના ફ્રીઝ (જપ્ત) કરાયેલા ફંડનો અડધો હિસ્સો મુક્ત કરવામાં નહીં આવે અને તેલની નિકાસ પરના પ્રતિબંધો સ્થગિત કરવામાં નહીં આવે, ત્યાં સુધી અંતિમ તબક્કાની વાટાઘાટો શરૂ થશે નહીં. મેમોરેન્ડમના વર્તમાન ડ્રાફ્ટ પર હસ્તાક્ષર કરવાના બદલામાં વોશિંગ્ટને વચન આપ્યું છે કે તે ઈઝરાયેલને લેબનાન પરનું યુદ્ધ સમાપ્ત કરવા માટે મજબૂર કરશે. પરંતુ આ દરમિયાન ઈઝરાયેલે ફરી એકવાર લેબનાનના સરહદી વિસ્તારો ખાલી કરવાની સખત ચેતવણી જારી કરી છે. ઈઝરાયેલી સેનાએ દક્ષિણ લેબનાનના ત્રણ ગામો – સરાફંદ (જે ભૂમધ્ય સમુદ્રના કિનારે સિડોનથી 10 કિમી દક્ષિણમાં છે), તુફાહા અને મઝરાત સિનાઈના રહેવાસીઓને તાત્કાલિક સ્થળાંતર કરવાનો આદેશ આપ્યો છે. ઈઝરાયેલના આ આક્રમક વલણને કારણે આ મહત્ત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય કરાર ફરી મુશ્કેલીમાં મુકાય તેવી સંભાવના સેવાઈ રહી છે.


