રાત્રે સૂતી વખતે ફોન ચાર્જિંગમાં મૂકીને સવારે જાગીએ ત્યારે 100% ચાર્જ મળે – આ આપણી રોજિંદી ટેવ બની ગઈ છે. પરંતુ અવારનવાર એવું સાંભળવા મળે છે કે આખી રાત ફોન ચાર્જિંગમાં રાખવાથી બેટરી ખરાબ થઈ જાય છે. લિથિયમ-આયન બેટરીની અમુક મર્યાદિત શેલ્ફ લાઇફ હોય છે અને વારંવાર 0 થી 100 ટકા સુધી ચાર્જ-ડિસ્ચાર્જ થવાથી તેની ઉંમર ઘટે છે. અગાઉ બેટરીની આયુષ્ય વધારવા માટે 20-80 નો ફોર્મ્યુલા (બેટરી હંમેશા 20% થી 80% ની વચ્ચે રાખવી) અપનાવવાની સલાહ આપવામાં આવતી હતી. પરંતુ શું આજના આધુનિક સ્માર્ટફોનમાં પણ આખી રાત ચાર્જિંગ કરવું જોખમી છે?
-
શું આખી રાત ફોન ચાર્જ કરવો સુરક્ષિત છે?
હાં, આજના આધુનિક સ્માર્ટફોનમાં આખી રાત ચાર્જિંગ કરવું એકંદરે સુરક્ષિત છે. આજના સ્માર્ટ ચાર્જિંગ કંટ્રોલ્સ ફોન આખો સમય મહત્તમ ઝડપે ચાર્જ થવા દેતા નથી. ફોન યુઝરની ઊંઘવાની અને જાગવાની આદતોને સમજીને ચાર્જિંગ સ્પીડ ધીમી કરે છે અથવા અમુક સમયે ચાર્જિંગ અટકાવી દે છે.
આઇફોનનું ઓપ્ટિમાઇઝ્ડ ચાર્જિંગ: એપલના iOS માં ‘ઓપ્ટિમાઇઝ્ડ બેટરી ચાર્જિંગ’ ફીચર રાત્રે ચાર્જિંગ દરમિયાન બેટરીને 80% પર અટકાવી દે છે અને યુઝરના સવારે જાગવાના સમયની થોડી મિનિટો પહેલાં જ તેને 100% સુધી પૂરી ચાર્જ કરે છે. આ ઉપરાંત iPhone 15 અને ત્યાર પછીના મોડેલ્સમાં યુઝર 80% થી 100% વચ્ચે પોતાની પસંદગી મુજબ ચાર્જ લિમિટ પણ સેટ કરી શકે છે.
સેમસંગનું બેટરી પ્રોટેક્શન : સેમસંગ ગલેક્સી ફોનમાં પણ 80%, 85% કે 90% સુધી ચાર્જિંગ મર્યાદિત કરવાનો વિકલ્પ મળે છે. તેમજ તેના ‘અડેપ્ટિવ મોડ’ દ્વારા યુઝરના રુટિન મુજબ રાત્રે ચાર્જિંગ એડજસ્ટ થાય છે.
ગૂગલ પિક્સેલનું અડેપ્ટિવ ચાર્જિંગ: પિક્સેલ ફોન યુઝરની ચાર્જિંગ પેટર્ન શીખવામાં આશરે 14 દિવસ લે છે અને રાત્રે 80% સુધી ચાર્જ રાખી સવારે જાગતી વખતે 100% ચાર્જિંગ પૂરું કરે છે.
-
શું હંમેશા 80% સુધી જ ચાર્જ કરવો જોઈએ?
નિષ્ણાતોના મતે 80% ચાર્જિંગ એ બેટરીનું આયુષ્ય વધારવા અને દૈનિક ઉપયોગ વચ્ચેનો એક રસ્તો છે. જો 80% ચાર્જમાં તમારો આખો દિવસ આસાનીથી નીકળી જતો હોય, તો ચાર્જ લિમિટ 80% રાખવી ડહાપણભર્યું છે. પરંતુ જો તમારે મુસાફરી કરવાની હોય કે દિવસભર હેવી યુઝ કરવાનો હોય, તો 100% સુધી ચાર્જ કરવામાં કોઈ નુકસાન નથી.
-
બેટરીનો અસલી દુશ્મન ઓવરહીટિંગ
બેટરી ખરાબ થવાનું સૌથી મોટું કારણ ચાર્જિંગ ટકાવારી નહીં પરંતુ તાપમાન છે. લિથિયમ-આયન બેટરીઓ વધુ ગરમી પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ હોય છે.
ધ્યાન રાખવા જેવા મુદ્દા: રાત્રે ફોન ચાર્જ કરતી વખતે તેને તકિયા, ધાબળા કે પથારીની નીચે દબાવીને ક્યારેય ન રાખવો. તેનાથી ગરમી બહાર નીકળી શકતી નથી અને ઓવરહીટિંગ થાય છે. ફોનને ખુલ્લી જગ્યાએ રાખવો જ્યાં હવાની અ અવરજવર સારો રહે.


