રાજકોટ, 30 સપ્ટેમ્બર, 2026 : Rs 207 crore due to 4.32 electricity consumers in Saurashtra સૌરાષ્ટ્રમાં વીજ ગ્રાહકોના બાકી બિલોની રકમ રોજબરોજ વધતા જાય છે. ત્યારે સરકારની માલિકીની પશ્વિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વીજ બિલો ન ભરતા બાકીદારો સામે મેગા ડીસકનેક્શન ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં 4.32 લાખ ગ્રાહકો ડિફોલ્ટર જાહેર થયા છે. જેમની પાસેથી રૂ.207 કરોડની વસૂલાત બાકી છે. જે અંતર્ગત રાજકોટના રૈયા રોડ સહિતના વિસ્તારોમાં વિજ બિલ ન ભરનારાઓના વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા. આ ગ્રાહકો એવા છે કે જેઓના 2 મહિના કે તેથી વધુના રૂ.5000થી રૂ.7000ના વિજ બિલ ભરવાના બાકી છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજબીલના બાકીદારો સામે PGVCL દ્વારા ફરી એક વખત મેગા ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં કુલ 4,32,856 ગ્રાહકો પાસેથી રૂ.207 કરોડથી વધુની વીજબીલની વસૂલાત કરવાની બાકી છે. આ બાકીદારોને અલ્ટીમેટમ આપવામાં આવ્યા બાદ હવે મંગળવારથી વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. PGVCL દ્વારા લાંબા સમયથી વીજબીલ નહીં ભરનારા ગ્રાહકોની યાદી તૈયાર કરવામાં આવી છે. બાકીદારોને વીજબીલની રકમ ભરવા માટે અગાઉથી જાણ કરવામાં આવી હોવા છતાં રકમ નહીં ભરતા ગ્રાહકો સામે કડક કાર્યવાહી કરાશે.
PGVCL દ્વારા તમામ 292 સબ-ડિવિઝનમાં મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવ અંગે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તા.30મીથી મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણો કાપવાની કાર્યવાહી હાથ ધરાશે. સ્થળ પર કોઈપણ પ્રકારની પેનલ્ટી સ્વીકારવામાં આવશે નહીં. વીજ કનેક્શન કપાયા બાદ ગ્રાહકોએ પૂરું બિલ તેમજ રી-કનેક્શન ચાર્જ ભરવો પડશે.
રાજકોટ સિટી સર્કલ વિભાગના આંકડા મુજબ શહેરમાં 1,80,882 ગ્રાહકો પાસેથી રૂ.36.56 કરોડની વસૂલાત કરવાની છે. આ માટે શહેરના તમામ 22 સબ-ડિવિઝનમાં વીજ કનેક્શન કાપવા માટેની ટીમો બનાવવામાં આવી છે.


