Homerevoinewsઈથેનોલ પર અચાનક મહા-સંગ્રામ કેમ? મોદી વિરોધની આડમાં ખેડૂતો અને દેશની તિજોરી...

ઈથેનોલ પર અચાનક મહા-સંગ્રામ કેમ? મોદી વિરોધની આડમાં ખેડૂતો અને દેશની તિજોરી પર પ્રહાર

હેમંત પરમાર દ્વારા
ભારતના માર્ગો પર દોડતા વાહનોમાં ઈથેનોલ મિશ્રિત પેટ્રોલનો ઉપયોગ કંઈ રાતોરાત શરૂ થયેલો નવો અખતરો નથી. દેશમાં વર્ષ ૨૦૦૧થી જ ઈથેનોલ બ્લેન્ડિંગ થઈ રહ્યું છે. પરંતુ અચાનક આજે આ ઈથેનોલ સામે આટલી મોટી મોરચેબંધી અને હોબાળો કેમ મચાવવામાં આવી રહ્યો છે? શું ક્યારેય કોઈ ગાડી ઈથેનોલના મિશ્રણને કારણે ખરાબ થઈ હોવાનું સામે આવ્યું છે? જો વાહનોના એન્જિન હસતા-રમતા ચાલી રહ્યા હોય, તો પછી વિપક્ષી નેતાઓના દિમાગનું એન્જિન કેમ ખોટકાઈ ગયું છે? વાસ્તવિકતા એ છે કે આ વિરોધ પાછળ અંદરની અને વિદેશી શક્તિઓનો એક ખૂબ મોટો ખેલ ચાલી રહ્યો છે.

ઈથેનોલ બ્લેન્ડિંગ ૨૦૦૧માં ભારતમાં માત્ર ૧% મિશ્રણથી શરૂઆત થઈ હતી, જે ૨૦૦૬માં વધીને ૫% થયું, ૨૦૨૧-૨૨માં ૧૦% અને ૨૦૨૫-૨૬માં તે ૨૦% સુધી પહોંચી ગયું છે. આ ઈથેનોલ મુખ્યત્વે ૫૫% શેરડીમાંથી અને ૪૫% સડેલા કે નષ્ટ થયેલા અનાજમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે.

વિદેશમાં શું સ્થિતિ છે?

અમેરિકા, કેનેડા, થાઈલેન્ડ, ફિલિપાઈન્સ અને યુરોપના મોટાભાગના દેશોમાં પેટ્રોલ સાથે E-10 (૧૦% ઈથેનોલ) મિશ્રિત કરવામાં આવે છે. થાઈલેન્ડ અને ફિલિપાઈન્સમાં તો અનેક પેટ્રોલ પંપો પર E-20 પેટ્રોલ ખુલ્લેઆમ વેચાય છે, જેને ભારતે રાષ્ટ્રીય ધોરણ બનાવ્યું છે. બ્રાઝિલમાં કાયદાકીય રીતે ૨૭.૫% થી ૩૦% સુધીનું (E25 અને E30) બ્લેન્ડિંગ ચાલે છે, પૅરાગ્વેમાં E30 અને બોલિવિયામાં E25 કાયદાકીય રીતે અનિવાર્ય છે. તો પછી ભારતમાં જ આ મુદ્દે વિરોધનો કકળાટ શા માટે?

શેરડી એ દેશના ખેડૂતોની કમાણીનું મુખ્ય આજીવિકા સાધન છે. ઈથેનોલ બનાવવાના કારણે શેરડીના ખેડૂતોને વાર્ષિક ૩૫,૦૦૦ કરોડ રૂપિયા મળી રહ્યા છે. વર્ષ ૨૦૧૪થી ૨૦૨૬ વચ્ચે ખેડૂતોને ઈથેનોલના કારણે ૧.૫૮ લાખથી ૧.૬૦ લાખ કરોડ રૂપિયાનું ચુકવણું કરવામાં આવ્યું છે, જેમાં માત્ર ૨૦૨૪ના એક જ વર્ષમાં ખેડૂતોના ખાતામાં ૯૨,૪૦૯ કરોડ રૂપિયા જમા થયા હતા.

આ પણ વાંચોઃ ગુજરાતના સંત સમાજે સનાતન ધર્મનું અપમાન કરનાર પપ્પુ યાદવ વિરુદ્ધ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

બીજી તરફ, દેશમાં જરૂરી ૫૦ અબજ લિટર પેટ્રોલમાં ૨૦% ઈથેનોલ ભળવાથી ૩૧ મિલિયન મેટ્રિક ટન કાચા તેલની આયાત ઘટે છે, જેનાથી દેશની અબજો ડોલરની કિંમતી વિદેશી મુદ્રા બચે છે. હવે સવાલ એ છે કે, જે યોજનાથી ખેડૂતોના ઘરમાં સમૃદ્ધિ આવતી હોય, તે ખેડૂતો જ ભલા ઈથેનોલનો વિરોધ શા માટે કરે? સ્પષ્ટ છે કે વિરોધ કરનારાઓ ખેડૂતોના પેટ પર લાત મારવા માંગે છે.

આ અચાનક ઊભા થયેલા વિરોધ પાછળ ઊંડા રાજકીય અને આર્થિક કાવતરાં

પતંગ કાપવાની લાયમાં પોતાનો જ દોરો કાપી બેસતા વિપક્ષનો એક જ નિયમ છે કે મોદી સરકાર જે પણ કામ કરે, તેનો આંખો મીંચીને વિરોધ કરવો. જનતા માટે તો આ ગણિત સાવ સરળ થઈ ગયું છે કે જો વિપક્ષ કોઈ યોજના સામે હોબાળો કરે, તો સમજી લેવું કે મોદીનું તે કામ ૧૦૦ ટકા સાચું અને દેશહિતમાં જ છે.

જો ઈથેનોલનું મિશ્રણ અટકી જાય, તો શેરડીના ખેડૂતો આર્થિક રીતે તૂટી જશે અને ભૂખે મરશે. વિપક્ષ માટે ખેડૂતને રસ્તા પર ઉતારવો સરળ બની જશે. તેઓ આખો દોષ મોદી પર નાખી દેશે કે મોદીના કારણે તમારી કમાણી છીનવાઈ ગઈ. આનાથી ખેડૂતોની સાથે સરકારને પણ મોટો આર્થિક ફટકો પડશે કારણ કે વધારાનું કાચું તેલ આયાત કરવું પડશે.

ભારતે રશિયા પાસેથી સસ્તું કાચું તેલ ખરીદ્યું તેનાથી જે વિદેશી દેશો આપત્તિ વ્યક્ત કરી રહ્યા હતા, તેઓ ઈચ્છે છે કે ભારત ઈથેનોલ છોડીને ફરી તેમની પાસેથી મોંઘું તેલ ખરીદવા મજબૂર બને.

વિપક્ષ, દેશી તેલ કંપનીઓ અને વિદેશી શક્તિઓની મિલીભગતથી મોદી સરકાર વિરુદ્ધ વધુ એક બિનજરૂરી આંદોલન ઊભું કરવાનો પ્લાન છે. એમાં કોઈ નવાઈ નહીં હોય જો આવનારા દિવસોમાં તમામ ગાડીઓને વિરોધના નામે રસ્તા પર ઊભી રાખી દેવામાં આવે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે દેશના ખેડૂતોનું હિત હંમેશાં સર્વોપરી રહ્યું છે, પરંતુ વિપક્ષ પોતાની રાજકીય રોટલી શેકવા માટે ઈથેનોલ પર પ્રહાર કરીને ખેડૂતોને જ બરબાદ કરવા કટિબદ્ધ દેખાય છે. હવે જોવાનું એ રહેશે કે દેશની જનતા વિપક્ષ અને વિદેશી લોબીના આ ખતરનાક ખેલને ક્યાં સુધી સહન કરશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments