ઈરાન પાસે ક્યારેય પરમાણું હથિયાર ના હોવુ જોઈએ, ટ્રમ્પે અમેરિકાનું વલણ સ્પષ્ટ કર્યું
વાશિંગ્ટન, 4 ઓગસ્ટ, 2026: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના તણાવ વચ્ચે એક મોટું નિવેદન આપીને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાન સાથેની વાતચીત ટૂંક સમયમાં જ કોઈક નક્કર પરિણામ પર પહોંચી જશે અને આ કોઈ બહુ મુશ્કેલ કામ નથી. અમેરિકા હાલમાં હોર્મુઝ સ્ટ્રેટને ખોલવાની વાત કરી રહ્યું છે, જેને સંપૂર્ણપણે ખોલી દેવામાં આવશે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે આ પહેલો તબક્કો છે અને બીજા તબક્કામાં પરમાણુ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. આ મામલે અમેરિકાનું વલણ અત્યંત કડક છે અને ઈરાન પાસે ક્યારેય પણ પરમાણુ હથિયાર હોઈ શકે નહીં. ટ્રમ્પે ચેતવણી આપતા કહ્યું કે હાલ વાતચીત ચાલુ છે અને ઈરાન માટે આ એક સારા કરાર પર હસ્તાક્ષર કરવાનો ‘છેલ્લો અવસર’ છે.
બીજી બાજુ, ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બઘાઈએ ડોનાલ્ડ ટ્રમ્પના ‘દાવાને સદંતર ફગાવી દીધા છે. પત્રકારો સાથે વાતચીત કરતા બઘાઈએ જણાવ્યું હતું કે, “કોઈપણ પ્રતિનિધિનું સ્વાગત કરવાની કે પછી કોઈને વાતચીત માટે મોકલવાની અમારી કોઈ જ યોજના નથી. હાલના તબક્કે અમેરિકા સાથે અમારી કોઈ જ વાતચીત ચાલી રહી નથી.” આ નિવેદન અગાઉ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની નેતૃત્વ સામે બે જ વિકલ્પો મૂક્યા હતા — કાં તો સમજૂતી કરો અથવા તો સંપૂર્ણ શરણાગતિ સ્વીકારો. ટ્રમ્પે આ ચેતવણી પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક લાંબી પોસ્ટ શેર કરીને આપી હતી.
આ નિવેદનમાં ટ્રમ્પે ઈરાની નેતૃત્વ પર ‘બેવડું વલણ’ (ડબલ સ્ટાન્ડર્ડ) અપનાવવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. તેમણે દાવો કર્યો કે ઈરાન અગાઉ વાતચીત માટે આજીજી કરી રહ્યું હતું, પરંતુ પાછળથી જાહેરમાં એવું નિવેદન આપ્યું કે અમેરિકા સાથે કોઈ વાતચીત થઈ રહી નથી. ટ્રમ્પે લખ્યું, “ઈરાન આ વાત સ્વીકારે કે ન સ્વીકારે, પરંતુ અમે વાસ્તવમાં તે સમસ્યાના ઉકેલ પર કામ કરી રહ્યા છીએ જેને તેણે દાયકાઓથી પેદા કરી છે.”
-
હોર્મુઝ જળડમરૂમધ્ય પર અમેરિકાનું નિયંત્રણ હોવાનો દાવો
ટ્રમ્પે હોર્મુઝ જળડમરૂમધ્ય પર ઈરાનના દાવાઓને પણ સખત શબ્દોમાં નકારી કાઢ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ દરિયાઈ માર્ગ વૈશ્વિક વેપાર અને તેલ પુરવઠા માટે અત્યંત સંવેદનશીલ અને મહત્ત્વપૂર્ણ છે. ટ્રમ્પે કહ્યું કે ઈરાન ભલે એમ દાવો કરતું હોય કે હોર્મુઝ પર તેનું નિયંત્રણ છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આ સમગ્ર વિસ્તાર પહેલેથી જ અમેરિકી નૌકાદળ અને તેની નાકાબંધી અથવા તો ‘સ્ટીલની દીવાલ’ હેઠળ નિયંત્રિત છે.
તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું કે આ જળડમરૂમધ્યથી થતી અવરજવર હવે સંપૂર્ણપણે અમેરિકાની ઈચ્છા પર જ નિર્ભર રહેશે. ટ્રમ્પે ઉમેર્યું, “ઈરાન સુધી કશું જ નહીં પહોંચે, જ્યાં સુધી અમે તેની પરવાનગી નહીં આપીએ. અને જ્યાં સુધી કોઈ સારો કરાર કે સંપૂર્ણ શરણાગતિ નહીં થાય, ત્યાં સુધી કોઈ પણ પ્રકારની અવરજવરની મંજૂરી આપવામાં નહીં આવે.”


