હવામાન બદલાતાની સાથે જ દેશના અનેક ભાગોમાં વાયુ પ્રદૂષણની સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. હાલ હવાની ગુણવત્તા એટલી હદે કથળી છે કે કેટલાક વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ૩૦૦ ને પણ પાર પહોંચી ગયો છે. પ્રદૂષિત હવા માત્ર શ્વાસોચ્છવાસ પર જ નહીં, પરંતુ માનવીય ત્વચા પર પણ અત્યંત વિપરીત અસર કરી રહી છે. તબીબી નિષ્ણાતોના મતે, સતત દૂષિત હવાના સંપર્કમાં રહેવાથી ચહેરો સમય કરતાં વહેલો વૃદ્ધ દેખાવા લાગે છે. તબીબોના જણાવ્યા અનુસાર, પ્રદૂષણના સતત સંપર્કમાં રહેવાથી ઉંમર વધવાની પ્રક્રિયા (Aging Process) ઝડપી બની જાય છે, જોકે તેની અસર દરેક વ્યક્તિ પર અલગ-અલગ હોઈ શકે છે.
- ખરાબ AQI કેવી રીતે ત્વચાને નુકસાન પહોંચાડે છે?
હવામાં ભળેલા PM 2.5 અને PM 10 જેવા અતિસૂક્ષ્મ હાનિકારક કણો ત્વચાની સપાટી પર જમા થઈ જાય છે. આ ઉપરાંત, તેમાં રહેલા અનેક રસાયણો ત્વચાની કુદરતી સુરક્ષા કવચને નબળી પાડે છે. જ્યારે આ લેયર નબળી પડે છે, ત્યારે ત્વચાની ભેજ જાળવી રાખવાની ક્ષમતા ઘટી જાય છે. પરિણામે ત્વચામાં રૂક્ષતા, બળતરા, ખંજવાળ અને સંવેદનશીલતા જેવી સમસ્યાઓ વધવા લાગે છે.
- માત્ર બહારથી જ નહીં, અંદરથી પણ ત્વચાને થાય છે નુકસાન
પ્રદૂષણની સીધી અસર ઓક્સિડેટિવ સ્ટ્રેસ સાથે જોડાયેલી છે. જ્યારે શરીરમાં ફ્રી રેડિકલ્સ વધી જાય છે, ત્યારે તે ત્વચાના કોષોને નુકસાન પહોંચાડે છે. આનાથી માત્ર બાહ્ય ત્વચા જ નહીં, પરંતુ અંદરથી પણ સેલ્સ ડૅમેજ થાય છે.
આ પ્રક્રિયાથી કોલેજન અને ઇલાસ્ટિન જેવા મહત્વપૂર્ણ પ્રોટીન પ્રભાવિત થાય છે. આ એ જ પ્રોટીન છે જે ચહેરાને મજબૂત, લચીલો અને કસાયેલો રાખવામાં મદદ કરે છે. આ પ્રોટીનને નુકસાન થવાને કારણે ચહેરા પર સમય પહેલાં જ ફાઇન લાઇન અને કરચલીઓ દેખાવા લાગે છે.
સતત પ્રદૂષિત વાતાવરણમાં રહેવાથી ત્વચા નિસ્તેજ દેખાવા લાગે છે, રંગત ઝાંખી પડે છે, કાળા ડાઘ-ધબ્બા અને ઝાઈયા થવા લાગે છે. તેમજ સેન્સિટિવ ત્વચા ધરાવતા લોકોને ખીલની સમસ્યા પણ સતાવી શકે છે.
આ પ્રદૂષિત હવામાં ત્વચાની કાળજી કેવી રીતે રાખવી?
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, પ્રદૂષણના આ માહોલમાં ત્વચાને સુરક્ષિત રાખવા માટે કેટલાક વિશેષ પગલાં લેવા જરૂરી છે:
-
ચહેરો સાફ કરો: બહારથી ઘર પર પાછા ફર્યા બાદ માઈલ્ડ ક્લીન્ઝરનો ઉપયોગ કરીને ચહેરો ચોક્કસ સાફ કરો.
-
મોઈશ્ચરાઈઝર લગાવો: તમારી ત્વચાની પ્રકૃતિ મુજબ યોગ્ય મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરો, જેથી ત્વચામાં ભેજ જળવાઈ રહે.
-
સનસ્ક્રીન અનિવાર્ય: બહાર નીકળતા પહેલા રોજ એસપીએફ ૩૦ કે તેથી વધુ યુવી પ્રોટેક્શનવાળું સનસ્ક્રીન અચૂક લગાવો.
-
હેલ્ધી ડાયેટ અપનાવો: ખોરાકમાં એન્ટિઓક્સિડન્ટ્સથી ભરપૂર આહાર જેવા કે જામફળ, નારંગી, લીલા શાકભાજી વગેરેનો મહત્તમ સમાવેશ કરો. આ વસ્તુઓ ત્વચાને અંદરથી સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.


