અમદાવાદ, 30 મે 2026: ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની આગાહી અક્ષરશઃ સાચી સાબિત થઈ રહી છે. લાંબા સમયથી કાળઝાળ ગરમી અને બફારાનો સામનો કરી રહેલા લોકોને મેઘરાજાની આગમનથી મોટી રાહત મળી છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લા બાદ હવે મધ્ય ગુજરાતના મહીસાગર જિલ્લામાં પણ મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગ શરૂ કરી દીધી છે. બંને જિલ્લાઓમાં કાળાડિબાંગ વાદળો અને તેજ પવન સાથે ધોધમાર વરસાદ ખાબકતાં સમગ્ર પંથક ઠંડકગાર બની ગયો છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલને પગલે ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે.
અરવલ્લી જિલ્લાના મોડાસા ગ્રામ્ય, શામળાજી, વાસેરાકંપા, ઇસરોલ અને જીવણપુર વિસ્તારમાં આજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જિલ્લાના માલપુર પંથકમાં વહેલી સવારથી જ આકાશમાં કાળા વાદળો ઘેરાયા હતા અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. વહેલી સવારના વરસાદને પગલે નોકરિયાત વર્ગ અને વાહનચાલકોને અવરજવરમાં થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ અસહ્ય ગરમી અને ઉકળાટમાંથી મુક્તિ મળતા લોકોએ હાશકારો અનુભવ્યો છે.
બીજી તરફ, મધ્ય ગુજરાતના મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પણ મોટો પલટો જોવા મળ્યો છે. જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા સહિત ખાનપુર, કડાણા અને સંતરામપુર પંથકમાં સવારથી જ વાવાઝોડા જેવા સુસવાટા મારતા પવન સાથે વરસાદી માહોલ જામ્યો હતો. કાળાડિબાંગ વાદળો વચ્ચે પડતા આ પ્રિ-મોન્સૂન વરસાદને કારણે અનેક નીચાણવાળા રસ્તાઓ પર પાણી ભરાઈ જવાની સમસ્યા પણ સામે આવી હતી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી થોડા દિવસોમાં પણ આ પ્રિ-મોન્સૂન સિસ્ટમ સક્રિય રહેશે અને રાજ્યના કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આ આગાહીને પગલે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ખેડૂતોને ખાસ એલર્ટ કરવામાં આવ્યા છે. વહીવટી તંત્રએ ખેડૂતોને અપીલ કરી છે કે તેઓ ખેતરમાં કે માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં રહેલા પોતાના પાકને નુકસાનથી બચાવવા માટે સુરક્ષિત સ્થળે ખસેડી લે અથવા યોગ્ય રીતે તાડપત્રી ઢાંકી દે.

