Site icon Revoi.in

મેન્સ T20 વર્લ્ડ કપ 2024: ICCએ યુવરાજ સિંહને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા

Social Share

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહને ભારતના સફળ મેન્સ T20 વર્લ્ડ કપ 2007ના અભિયાન દરમિયાન એક ઓવરમાં છ છગ્ગા ફટકારવાની ઉજવણીમાં 36 દિવસ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમણે ભારત માટે પ્રારંભિક વર્લ્ડ કપ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

ICC દ્વારા બ્રાંડ એમ્બેસેડર બનાવાયા પર યુવરાજ સિંહે કહ્યું, T20 વર્લ્ડ કપ સાથે જોડાયેલી કેટલીક સારી યાદો છે, જેમાં એક ઓવરમાં છ સિક્સર ફટકારવાનો સમાવેશ થાય છે, તેથી તેનો ભાગ બનવું ખૂબ જ રોમાંચક છે. આ અત્યાર સુધીનો સૌથી મોટો કાર્યક્રમ હશે. તેનો ભાગ બનવું મારા માટે સન્માનની વાત છે.

તેમણે વધુમાં કહ્યું કે, ન્યૂયોર્કમાં પાકિસ્તાન સામે ભારતની ટક્કર આ વર્ષે વિશ્વની સૌથી મોટી રમતગમતની ઈવેન્ટ્સમાંની એક બનવા જઈ રહી છે, તેથી તેનો ભાગ બનવું અને વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓને નવા સ્ટેડિયમમાં રમતા જોવું એ સૌભાગ્યની વાત છે.

આઈસીસીના જનરલ મેનેજર ક્લેર ફર્લોંગે કહ્યું કે, યુવરાજ સિંહને મેન્સ ટી20 વર્લ્ડ કપ 2024ના એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવું સન્માનની વાત છે. 2007માં તેમણે એક ઓવરમાં ફટકારેલી 6 સિક્સ T20 વર્લ્ડ કપની ખાસ ક્ષણોમાંથી એક છે. યુવરાજ સિંહ ઉપરાંત ક્રિસ ગેલ અને યુસૈન બોલ્ટને પણ આ ટૂર્નામેન્ટ માટે એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. આ તમામ મહાન ખેલાડીઓ સાથે મળીને T20 વર્લ્ડ કપ માટે ચાહકોનો ઉત્સાહ વધારશે.

ઉલ્લેખનીય છે કે આ વખતે T20 વર્લ્ડ કપમાં 20 ટીમો ભાગ લેશે. કુલ 55 મેચો 9 સ્થળોએ યોજાશે. ફાઈનલ મેચ 29 જૂને બાર્બાડોસમાં રમાશે. પ્રથમ મેચ યુએસ અને કેનેડા વચ્ચે રમાશે.