Site icon Revoi.in

“મેરા પહેલા વોટ દેશ કે લિયે” યુવા મતદાર જાગૃતિ અભિયાન, NIMCJ ના વિદ્યાર્થીઓએ મતદાન કરવાની શપથ લીધી

Social Share

અમદાવાદ: વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશન પ્રેરિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ, અમદાવાદ ખાતે પ્રથમવાર મતદાન કરનારા વિદ્યાર્થીઓ તથા સ્ટાફગણે લોભલાલચ વગર મતદાન કરવાની શપથ લીધી હતી. ‘મેરા પહેલા વોટ દેશ કે લિયે’ યુવા મતદાર જાગૃતિ અભિયાન હેઠળ શપથની સાથે આજે અન્ય મતદાન જાગૃતિ પ્રવૃત્તિઓ સંસ્થામાં યોજાઇ હતી.

આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત અધિક કલેક્ટર અને પૂર્વ ચૂંટણી અધિકારી પ્રદીપસિંહ રાઠોડે વિદ્યાર્થીઓને સમગ્રતયા ચૂંટણી પ્રક્રિયા વિશે રસપ્રદ રીતે સમજ આપી હતી. લોકશાહીના મૂલ્યોનું જતન કરવા માટે ચૂંટણી પ્રક્રિયા શા માટે દેશ અને નાગરિકો માટે જરૂરી છે તે સુંદર કથાનકો અને ઉદાહરણો દ્વારા તેમણે વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું.  પ્રદીપસિંહ રાઠોડે વિદ્યાર્થીઓને લોભલાલચને વશ થયા વગર શુદ્ધબુદ્ધિથી મતદાન કરાવવાની શપથ પણ લેવડાવી હતી.

આ પ્રસંગે ઇલેક્શન કમિશન અને સંસ્થાના પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા મતદાન જાગૃતિ અભિયાનના વિડીયો વિદ્યાર્થીઓએ નિહાળ્યા હતા. વિદ્યાર્થીઓને વિડીયો ઉપરાંત ચુંટણી પ્રક્રિયાની રસપ્રદ ઢબે માહિતી આપતી કોમિક બુકસ તેમજ ઇલેક્શન એટલાસ પણ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંસ્થાના નિયામક પ્રો.(ડૉ.)શિરીષ કાશીકર, નાયબ નિયામક ઇલાબેન ગોહિલ, પ્રાધ્યાપક  કૌશલ ઉપાધ્યાય, નિલેશ શર્મા, પાયલ ભાલાણી તથા સ્ટાફગણ અને વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહ્યાં હતા.