Site icon Revoi.in

કાશી વિશ્વનાથ ધામમાં શ્રાવણ મહિનામાં એક કરોડથી વધારે ભક્તોએ પૂજા-અર્ચના કરી

Social Share

નવી દિલ્હીઃ વારાણસીનું કાશી વિશ્વનાથ મંદિર કાશી વિશ્વનાથ ધામ બન્યા બાદ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા આવે છે. શ્રાવણ મહિનામાં એક કરોડથી વધુ ભક્તોએ કાશી વિશ્વનાથ ધામમાં પૂજા-અર્ચના કરી હતી. તેમજ શ્રદ્ધાળુઓએ રૂ. 5 કરોડથી વધુનું દાન કર્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ડિસેમ્બરમાં કાશી વિશ્વનાથ ધામનું ઉદ્ઘાટન કર્યું હતું. કાશીમાં યાત્રાળુઓની સંખ્યામાં અગાઉની સરખામણીએ અનેકગણો વધારો થયો છે. કોરિડોરના નિર્માણ પહેલા જ્યાં 40 થી 50 હજાર લોકો પૂજા-અર્ચના કરતા હતા, ત્યાં હવે રોજના બે લાખ જેટલા મુલાકાતીઓ દર્શન કરવા આવે છે.

શ્રાવણ મહિનામાં દરરોજ 2.5 થી 3 લાખ ભક્તો બાબાના જલાભિષેક કરવા માટે મંદિરમાં આવ્યા હતા. શ્રાવણના સોમવારે આ આંકડો છ લાખ સુધી પહોંચી જતો હતો. આના પરિણામે શ્રાવણ મહિનામાં એક કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ભગવાનના દર્શન કરવા આવ્યાં હતા.

મની ઓર્ડર, ડોનેશન બોક્સ, ઓનલાઈન અને ઓફલાઈન જેવા વિવિધ માધ્યમો મારફતે એક મહિનામાં ભક્તોએ લગભગ 5 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું.  40 કિલો ચાંદી અને એક કરોડથી વધુની કિંમતનું સોનું પણ બાબાના દરબારમાં દાન કરવામાં આવ્યું છે.

લોકાર્પણ બાદ પ્રશાસન દ્વારા પ્રથમ શ્રાવણ મહિનામાં ઘણી નવી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી. તંબુ, ચટાઈ, પીવાનું પાણી, ગ્રીલ, ઈલેક્ટ્રીક કુલર અને અન્ય સાધનો સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી.