Site icon Revoi.in

આર્થિક સંકટમાં ઘેરાયેલા પાકિસ્તાનના રાજકારણમાં નરેન્દ્ર મોદીની એન્ટ્રી….

Social Share

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકારના પતન બાદ શહબાઝ શરીફ પીએમ બન્યાં હતા. હાલ પાકિસ્તાન આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે અને પીએમ શરીફ મદદ માટે દુનિયાના વિવિધ દેશો પાસે મદદ માંગી રહ્યું છે. બીજી તરફ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની રાજકીય પાર્ટી પીએમ શરીફ સરકારને ઘેરવાની રણનીતિ તૈયાર કરી છે. હવે પાકિસ્તાનના રાજકારણમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એન્ટ્રી થઈ છે. ઈમરાનના પૂર્વ મંત્રી આઝમ ખાન સ્વાતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો શેયર કર્યો છે. હાલ પીએમ મોદીનો આ વીડિયો પાકિસ્તાનમાં વાયરલ થયો છે. આઝમ ખાન સ્વાતિએ શેર કરેલા વીડિયો ઉપર આઈ લવ ઈન્ડિયા લખેલું છે, એટલું નહીં પીએમ મોદીના વર્ષ 2019ના ભાષણનો વીડિયો છે.

પાકિસ્તાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો વાયરલ થયો છે. પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનની પાર્ટીના નેતા આઝમ ખાન સ્વાતિએ સોશિયલ મીડિયામાં પીએમ મોદીનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં પીએમ મોદી કહે છે, ‘અમે પાકિસ્તાનનો તમામ ઘમંડ દૂર કર્યો છે. પાકિસ્તાનને કટોરો લઈને દુનિયાભરમાં ફરવાની ફરજ પડી છે. હકીકતમાં, તહરીક-એ-ઇન્સાફ પાર્ટીના નેતાઓ પાકિસ્તાનની વર્તમાન નાણાકીય કટોકટી માટે પીએમ શાહબાઝને જવાબદાર માની રહ્યા છે અને આ માટે સરકારને ઘેરવાની રણનીતિ તૈયાર કરી છે. પીએમ મોદીનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે તેમના ભાષણનો એક ભાગ છે. મોદીએ 2019માં લોકસભા ચૂંટણી દરમિયાન રાજસ્થાનના બાડમેરમાં એક જનસભાને સંબોધતા આ વાત કહી હતી. આ દરમિયાન તેમણે પાકિસ્તાનની પરમાણુ હુમલાની ધમકીનો પણ ઉલ્લેખ કર્યો હતો. મોદીએ કહ્યું, ‘અમે પાકિસ્તાનની ધમકીઓથી ડરવાનું બંધ કરી દીધું છે. પાકિસ્તાન દરરોજ પરમાણુ બોમ્બની ધમકી આપતું હતું, તો શું આપણી પાસે જે પરમાણુ શસ્ત્રો છે તે દિવાળી માટે રાખ્યા છે? આતંકના આશ્રયદાતાઓને પાઠ ભણાવવા માટે, અમે તેમના ઘરમાં ઘૂસીને મારી નાખીએ છીએ.

આ વીડિયો પાકિસ્તાનના પૂર્વ મંત્રી અને ઈમરાન ખાનના નેતૃત્વવાળી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાન સ્વાતિએ પણ શેર કર્યો છે. આ ક્લિપ ટ્વીટ કરીને તેમણે કહ્યું કે પાકિસ્તાન સરકારને શરમ આવવી જોઈએ. આ સાથે તેમણે દેશમાં શાસન પરિવર્તનની પણ અપીલ કરી હતી. ઘણા લોકોએ કોમેન્ટ સેક્શનમાં પાકિસ્તાની સેનાની ટીકા કરી છે. આ વીડિયો શેર કરીને પત્રકાર નૈલા ઇનાયતે પીટીઆઈ નેતાઓ પર કટાક્ષ કર્યો છે. તેમણે લખ્યું, ‘PTI લોકો માને છે કે મોદી શહેબાઝ શરીફની સરકાર વિશે વાત કરી રહ્યા છે, પરંતુ વીડિયો 2019નો છે અને તે સમયે ઈમરાન ખાન વડાપ્રધાન હતા.’