Site icon Revoi.in

NCERT પુસ્તક પ્રકરણ વિવાદ, સુપ્રીમ કોર્ટે પોતાનો હુકમ પાછો ખેંચ્યો

સુપ્રીમ કોર્ટ, સર્વોચ્ચ અદાલત

સુપ્રીમ કોર્ટ, સર્વોચ્ચ અદાલત

Social Share

નવી દિલ્હી, 22 મે, 2026: –  NCERT પુસ્તક પ્રકરણ વિવાદમાં અણધાર્યો યુ-ટર્ન આવ્યો છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટે અગાઉ કરેલો પોતાનો હુકમ પાછો ખેંચ્યો છે, એટલું જ નહીં પરંતુ વિવાદાસ્પદ ટિપ્પણીઓ પણ હટાવી દીધી છે. જેને પગલે હવે ન્યાયતંત્ર અંગેનું પ્રકરણ લખનાર ત્રણે વિદ્વાન પ્રાધ્યાપકોને રાહત મળી છે.

સુપ્રીમ કોર્ટે NCERTના ધોરણ 8ના ન્યાયતંત્ર પરના વિવાદાસ્પદ પ્રકરણમાં સંકળાયેલા ત્રણ શિક્ષણવિદોને બ્લેકલિસ્ટ કરવાના પોતાના અગાઉના આદેશ પાછો ખેંચી લીધો છે. અદાલતે આ શિક્ષણવિદોને સરકારી અને જાહેર શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક પ્રોજેક્ટ્સથી દૂર રાખવાના નિર્દેશ પણ રદ કર્યો છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વિપુલ પંચોલીની બનેલી બેન્ચે પ્રોફેસર મિશેલ ડેનિનો, સુપર્ણા દિવાકર અને આલોક પ્રસન્ના કુમાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓની સુનાવણી કર્યા બાદ આ ચુકાદો આપ્યો હતો, જેણે 11 માર્ચ, 2026ના આદેશને પાછો ખેંચવાની માંગ કરી હતી.

આ પણ વાંચોઃ હાંકી કઢાયેલા સૈન્ય જવાનો અંગે ભારતીય સેનાએ કરી સ્પષ્ટતા, જાણો પૂરી વિગત

અદાલતે સ્પષ્ટ કર્યું છે કે આ શિક્ષણવિદોને કોઈપણ શૈક્ષણિક કાર્યમાં સામેલ કરવા અંગે કેન્દ્ર અને રાજ્ય સરકારો પોતાના સ્તરે નિર્ણય લઈ શકે છે. તેના અગાઉના આદેશમાં, સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આ શિક્ષણવિદોએ જાણીજોઈને તથ્યોને ખોટી રીતે રજૂ કર્યા હતા અને ધોરણ 8ના વિદ્યાર્થીઓ સમક્ષ ભારતીય ન્યાયતંત્રની નકારાત્મક છબી ઊભી કરવાનો પ્રયાસ કર્યો હતો. કોર્ટે હવે આ ટિપ્પણી હટાવી દીધી છે.

સુનાવણી દરમિયાન કોર્ટે સ્વીકાર્યું હતું કે આ પ્રકરણનો મુસદ્દો તૈયાર કરવામાં કોઈ ખોટો ઈરાદો નહોતો અને તે સામૂહિક નિર્ણય પછી તૈયાર કરવામાં આવ્યું હતું. વરિષ્ઠ વકીલ શ્યામ દિવાને કોર્ટને જણાવ્યું હતું કે માર્ચ મહિનાનો આદેશ શિક્ષણવિદોને સાંભળ્યા વિના પસાર કરવામાં આવ્યો હતો. તેમણે સમજાવ્યું કે આ કોઈ એક વ્યક્તિનું લેખન નહોતું, પરંતુ એક સામૂહિક કાર્ય હતું.

આ પણ વાંચોઃ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે યોજાશે ચોથી રાષ્ટ્રીય આર્મ રેસલિંગ અને પેરા આર્મ રેસલિંગ ચેમ્પિયનશિપ

દરમિયાન, વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણને જણાવ્યું હતું કે ન્યાયતંત્ર પરના પ્રકરણનો હેતુ ધોરણ 6 અને 7 ના શિક્ષણને આગળ વધારવાનો હતો. તેમણે દલીલ કરી હતી કે જ્યારે ન્યાયતંત્ર સંબંધિત મુદ્દાઓ પર મીડિયામાં ખુલ્લેઆમ ચર્ચા થતી હોય, ત્યારે વિદ્યાર્થીઓએ પણ આ વ્યવસ્થાનું સાચું ચિત્ર સમજવું જોઈએ. જસ્ટિસ બાગચીએ કહ્યું કે સમસ્યા એ હતી કે પુસ્તકમાં ભ્રષ્ટાચારને માત્ર ન્યાયતંત્ર પૂરતી મર્યાદિત સમસ્યા તરીકે દર્શાવવામાં આવ્યો હતો. તેમણે ઉમેર્યું કે પુસ્તકમાં કાનૂની સહાય અને ન્યાયતંત્રની સકારાત્મક ભૂમિકાનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો.

સુપ્રીમ કોર્ટે પુનરોચ્ચાર કર્યો હતો કે પુસ્તકની સામગ્રી અયોગ્ય અને બિનજરૂરી હતી. કોર્ટે એ પણ નોંધ્યું હતું કે કેન્દ્ર સરકારે આ સામગ્રીની સમીક્ષા કરવા માટે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક નિષ્ણાત સમિતિની રચના કરી દીધી છે.

શું હતો આ વિવાદ?

NCERTના ધોરણ 8ના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં જણાવવામાં આવ્યું છે કે ભ્રષ્ટાચાર, કેસોનો ભરાવો અને પૂરતી સંખ્યામાં ન્યાયાધીશોનો અભાવ એ ન્યાયિક પ્રણાલી સામેના મુખ્ય પડકારો છે. આ પ્રકરણને લઈને સુપ્રીમ કોર્ટની નારાજગીનો સામનો કર્યા બાદ NCERT એ પણ અયોગ્ય સામગ્રી માટે માફી માંગી છે અને જણાવ્યું છે કે યોગ્ય સત્તાધારીઓની સલાહ લઈને આ પુસ્તક ફરીથી લખવામાં આવશે.

Exit mobile version